- શિક્ષણ વિભાગ કહે છે, સરકારી શાળામાં બાળકોની સમસ્યા છે તો સરકાર કહે છે, પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ ઘટ્યો
ગુજરાતની જે સ્કૂલોમાં ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકો અભ્યાસ કરે છે એવી સરકારી પ્રાથમિક સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ઓછાં બાળકોનું કારણ આપીને આ સ્કૂલો પહેલાં ખાનગી એકમને ચલાવવા આપી દેવામાં આવી હતી, પરંતુ હવે મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, ખાનગી સ્કૂલોને માન્યતા આપવાનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 123 સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે અથવા તો 5172 શાળા બીજી સ્કૂલમાં મર્જ કરવામાં આવી છે.
સરકારે ત્રણ વર્ષમાં 1157 ખાનગી પ્રાથામિક સ્કૂલને માન્યતા આપી
શિક્ષણ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારી સ્કૂલોમાં મુખ્ય સમસ્યા બાળકોની છે. જે સ્કૂલમાં નિયત સંખ્યા કરતાં ઓછાં બાળકો હોય છે એ સ્કૂલોને બંધ અથવા તો મર્જર કરી દેવામાં આવી છે. બીજી તરફ, રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં 1157 ખાનગી પ્રાથામિક સ્કૂલને માન્યતા આપી છે, એનો મતલબ એ થયો કે સરકારી સ્કૂલોના ભોગે ખાનગી સ્કૂલોને માન્યતા આપવામાં આવે છે.
2816 જેટલી ખાનગી સ્કૂલને વર્ગવધારાની પણ મંજૂરી આપી
સરકારી સ્કૂલોને માન્યતા આપવાનો આંકડો મોટો છે, પરંતુ એની સાથે સાથે સરકારે 2816 જેટલી ખાનગી સ્કૂલને વર્ગવધારાની પણ મંજૂરી આપી છે. આંકડા તો માધ્યમિક સ્કૂલોના પણ એવા છે. સરકાર નવી માધ્યમિક સ્કૂલ શરૂ કરતી નથી, પરંતુ જે હયાત છે એને બાળકોની પાંખી હાજરીના કારણે બંધ કરી રહી છે. શિક્ષણ વિભાગે ત્રણ વર્ષમાં 246 ખાનગી માધ્યમિક સ્કૂલને માન્યતા આપી છે, જ્યારે 569 સ્કૂલને વર્ગ વધારવાની મંજૂરી આપી છે.
હાલ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતી શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા 45,055 છે
કેન્દ્ર સરકાર એક તરફ નવી શિક્ષણ નીતિ લાવી રહી છે ત્યારે ગુજરાતમાં સરકારી સ્કૂલોની સંખ્યા સતત ઘટતી જાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, રાજ્યની 5223 પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોને મર્જ કરવામાં આવી રહી છે, જે પૈકી 5172 તો પ્રાથમિક સ્કૂલો છે. ગુજરાતમાં હાલ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતી શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા 45,055 છે, જેમાં અંદાજે 86.75 લાખ બાળક અભ્યાસ કરી રહ્યાં છે. રાજ્ય સરકારે તાજેતરમાં એવો નિર્ણય લીધો છે કે જ્યાં બાળકો ઓછાં હોય એવી સરકારી સ્કૂલો બીજી નજીકની સ્કૂલોમાં મર્જ કરી દેવામાં આવશે.