- ઘોર કળિયુગની સાક્ષી પૂરતો તામિલનાડુના સલેમનો ચોંકાવનારો કિસ્સો
તામિલનાડુના સલેમમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં ગંભીર બીમારીથી પીડાતા 74 વર્ષના એક વૃદ્ધને મારી નાખવા માટે પરિવારજનોએ તેમને ફ્રીઝરમાં પૂરી દીધા હતા. શ્વાસ લેવા તરફડતા આ વૃદ્ધને મંગળવારે બચાવી લેવાયા હતા. પરિવારજનોએ એક દિવસ પહેલાં જ તેમને બીમાર હાલતમાં જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવી લીધા હતા અને પછી રાતભર તેમને ડેડબોડી માટેના ફ્રીઝર બોક્સમાં સૂવડાવી દીધા.
એજન્સીનો કર્મચારી ફ્રીઝર બોક્સ પાછું લેવા તેમના ઘરે આવ્યો તો તેણે જોયું કે બોક્સમાં વૃદ્ધ તરફડતા હતા. તેણે તેમને બોક્સમાં જીવતા જોતાં જ હોબાળો મચાવી દીધો અને તેમને બચાવી લીધા. વૃદ્ધના ભાઈએ એક એજન્સી પાસેથી આ ફ્રીઝર બોક્સ ભાડે લીધું હતું. આ વૃદ્ધની ઓળખ બાલાસુબ્રહ્મણ્યમ કુમાર તરીકે થઈ છે. તેમને ફરી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે વૃદ્ધને ગંભીર સ્થિતિમાં પણ પરિવારજનોએ કેમ ડિસ્ચાર્જ કરાવી લીધા હતા અને ભાઈએ ફ્રીઝર બોક્સ કેમ મગાવ્યું હતું? શું તે વૃદ્ધને મારી નાખવા માગતો હતો? શબ માટે મફત વાહન ઉપલબ્ધ કરાવતા દેવલિંગમ નામના એક વકીલ પણ ઘટના વિશે સાંભળી વૃદ્ધના ઘરે પહોંચી ગયા હતા. પોલીસે આ મામલે બેદરકારીનો કેસ દાખલ કર્યો છે.