ખુરશીમાં બેઠેલા જ્યોતિબેન સિંધીના પતિ અને બાજુમાં ઊભેલા જ્યોતિબેનના નણંદ

3 લાખ રૂપિયા હોસ્પિટલમાં આપ્યા, છતાં કોઈ સેફટી નથી, અમારો માણસ પાછો જોઈએ: પરિવારનો આક્રોશ

Ahmedabad Gujarat
  • ખેરાલુના જ્યોતિબેન સિંધીને એક અઠવાડિયા પહેલા કોરોના થતાં શ્રેય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
  • રાતે તો અમે વીડિયો કોલથી વાત કરી હતી અને 8 કલાક બાદ સવારે મોતના સમાચાર આવ્યા
  • બે દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં ICUમાં રાખ્યા હતા

અમદાવાદ. શ્રેય હોસ્પિટલની આગે ખેરાલુના જ્યોતિબેન સિંધીને પણ ભરખી લીધા છે. ત્યારે તેમના પરિવારજનોમાં રોષ છે. પરિવાર આક્રોશ સાથે કહે છે કે 3 લાખ રૂપિયા હોસ્પિટલમાં આપ્યા, છતાં કોઈ સેફટી નથી, અમારો માણસ પાછો જોઈએ છે.

કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં ICUમાં બીજા વોર્ડમાં શિફ્ટ ન કર્યા
મૃતક જ્યોતિબેનના નણંદે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, હોસ્પિટલને જોઈએ ત્યારે પૈસા અમે આપ્યા હતા. 3 લાખ રૂપિયા હોસ્પિટલમાં આપ્યા છે છતાં કોઈ સેફ્ટી નથી. પૈસા માટે તેઓ ફોન કરી શકે છે પરંતુ આવી ઘટના બાબતે તેઓ અમને કોઈ જાણ નથી કરી શકતા. અમને બસ અમારો માણસ પાછો જોઈએ છે. તેઓનો કોરોના રિપોર્ટ બે દિવસ પહેલા નેગેટિવ આવ્યો હતો. છતાં તેઓને ICUમાં રાખ્યા હતા અને વોર્ડમાં શિફ્ટ કરવાનું કહેતા હતા પરંતુ શિફ્ટ કર્યા ન હતા અને બનેલી ઘટનામાં તેઓનું મોત નીપજ્યું છે.

મીડિયાના માધ્યમથી મોતના સમાચાર મળ્યા
નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં ICU વોર્ડમાં લાગેલી આગમાં ખેરાલુના જ્યોતિબેન સિંધીનું મોત થયું છે. ખેરાલુના રહેવાસી જ્યોતિબેનને એક અઠવાડિયા અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ ગઈકાલે રાતે જ્યોતિબેન સાથે તેમના ઘરના સભ્યોએ વીડિયો કોલથી વાતચીત કરી હતી અને 8 કલાક બાદ તેમના મોતના સમાચાર આવ્યા હતા. હોસ્પિટલ તરફથી અમને કોઈ જ ફોન કરવામાં નહોતો આવ્યો. મીડિયા મારફતે તેઓને જાણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *