- સામાન્યપણે 5 કલાક ચાલતી વિધિ દોઢ કલાકમાં સંપન્ન
- સમય ઓછો હોવાથી ચારને બદલે માત્ર એક મંગલાષ્ટક સાથે વિધિ પૂરી કરી દેવામાં આવી
સોમવારે શહેરમાં અંદાજે 600થી વધુ લગ્ન યોજાયાં હતાં. નવેમ્બરમાં આ છેલ્લું અક્ષય મુહૂર્ત હોવા ઉપરાંત સોમવારે સૌથી વધુ શુભ ચોઘડિયાં હોવાથી આટલી મોટી સંખ્યામાં લગ્નો યોજાયાં હતાં. વધારામાં 10 ડિસેમ્બર સુધીમાં માત્ર 4 મુહૂર્ત છે. એ પછી 24 એપ્રિલ સુધી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. 24 એપ્રિલે ફરી એકવાર અક્ષય મુહૂર્ત આવે છે. કરફ્યૂને કારણે તમામ લગ્ન દિવસે જ થયાં હતાં.
શહેરના ગોર મંડળના સભ્યોએ આપેલી માહિતી મુજબ, કેટલાક ગોર મહારાજે તો સોમવારે 3થી વધુ લગ્નો કરાવ્યાં હતાં. વધારામાં લગ્નની જે વિધિ સામાન્યપણે 5 કલાક ચાલતી હોય તે માત્ર દોઢ કલાકમાં આટોપી લેવામાં આવી હતી અને 120ને બદલે 80-85 શ્લોકમાં વિધિ પૂરી કરવામાં આવી હતી. કેટલાક યજમાને તો લગ્ન વિધિ ટૂંકામાં પતાવવા ગોર મહારાજને વધુ દક્ષિણા આપી હોવાનું પણ જાણવા મળે છે.
દરેક લગ્ન વિધી ટૂંકાવીને કરવાનો ટાર્ગેટ રખાયો હતો
પંડિત પ્રકાશ રાવલે કહ્યું- એક દિવસમાં સવારે, બપોરે અને સાંજે એમ 3 લગ્ન વિધિ સંપન્ન કરી. ગોર મહારાજના સહાયકોએ પણ એક જ દિવસમાં 3-3 લગ્ન કરાવવાનો લાભ લીધો. એક લગ્નમાં ગોરને 5 હજારથી 15 હજાર સુધીની દક્ષિણા પ્રાપ્ત થતી હોય છે. દરેક લગ્ન ટૂંકી વિધી સાથે પૂરી કરવાનો ટાર્ગેટ હતો.
એક વિધિ પૂરી ન થાય ત્યાં સહાયક બીજી માટે દોડ્યા
પંડિત જયમીને કહ્યું- લગ્ન વિધિ 5 કલાક ચાલતી હોય છે, પરંતુ કોરોના કાળમાં દરેક લગ્નની વિધિ ટૂંકી કરવાના લીધે લગ્ન માત્ર 1.30 કલાકમાં સુધી સંપન્ન થઈ જતા હોય છે. મેં સોમવારે 3 લગ્ન કરાવ્યા. દરેક લગ્નની અંતિમ 30 મિનિટમાં સહાયક પંડિત બીજા સ્થળે જઈને વરરાજા-કન્યાની પ્રાથમિક વિધિ કરતા હતા.
ઝડપથી વિધિ પૂરી કરવા યજમાન દબાણ કરતા હતા
પ્રદીપ મહારાજે કહ્યું- યજમાન પોતે જ અમને લગ્ન જલદી પૂર્ણ કરવા દબાણ કરતા હોય છે. પહેલા લગ્નમાં 120 શ્લોકો અને 4 મંગલાષ્ટકનો ઉપયોગ થતો, પરંતુ હવે વિધિ 1.30 કલાકની થઈ ગઈ છે, જેમાં માત્ર 80 શ્લોક અને 1 જ મંગલાષ્ટકનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, મહારાજે 3થી 4 લગ્ન કરાવવાના હોય છે.
ડિસેમ્બરના પહેલા 10 દિવસમાં લગ્નનાં માત્ર 4 શુભ મુહૂર્ત છે. એ પછી એપ્રિલના અંત સુધી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. 24 એપ્રિલે ફરી એકવાર અક્ષય મુહૂર્ત આવશે જે લગ્ન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
ડિસેમ્બર 1થી 10માં માત્ર 4 મુહૂર્ત છે
તારીખ | મુહૂર્ત |
1 ડિસેમ્બર | સવારે 11.08થી બપોરે 1.50 |
7 ડિસેમ્બર | સવારે 9.50થી 11.11, સાંજે 4થી 7.30 |
9 ડિસેમ્બર | સવારે 11.11થી 12.32 અને બપોરે 3.15થી 5.54 |
10 ડિસેમ્બર | સાંજે 4.34થી 7.34 |