9 જુલાઈએ પકડાઈ ગયાના 22 કલાક બાદ હત્યારા વિકાસ દુબેને પ્લાસ્ટિક બેગમાં પહોંચાડી દીધો

india
  • સામે ચાલીને પોલીસ પાસે પહોંચ્યો હતો 8 પોલીસકર્મીઓનો હત્યારો વિકાસ, એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
  • પોલીસનો દાવો- વિકાસ હથિયાર ઝૂંટવી નાસી રહ્યો હતો
  • વિકાસ દુબે સહિત તેના 6 સાથીઓને 5 અથડામણમાં ઠાર મારવામાં આવ્યા છે
  • જે ગાડી પલટી તેમાં વિકાસ હતો જ નહીં, ગાડી અને રોડ પર પલટી જવાનાં નિશાન પણ નથી
  • જ્યારે ગાડી હટાવાઈ રહી હતી તે ઢસડીને નિશાન બનાવાયાં

કાનપુર. કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબેને યુપી પોલીસે શુક્રવારે સવારે ઠાર માર્યો. યુપી પોલીસનો દાવો છે કે વિકાસને ઉજ્જૈનથી કાનપુર લાવતી વખતે ગાડી સામે ગાય-ભેંસનું ટોળું આવી ગયું, જેના લીધે ગાડી પલટી ખાઈ ગઈ. તેનો લાભ લઈ વિકાસ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ ઝૂંટવી નાસી ગયો. પોલીસકર્મીઓ તેને પકડવા માટે દોડ્યા તો વિકાસે ફાયરિંગ કર્યુ. તેના પછી જવાબી કાર્યવાહીમાં તેને ઠાર મરાયો. આ ઘટના કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભૌંતીમાં બની હતી જે બિકરુ ગામથી 50 કિમી દૂર છે. 60થી વધુ ગુના કરી ચૂકેલા વિકાસના મોત પર તેના ગામ બિકરુના લોકોએ મીઠાઈઓ વહેંચી ઉજવણી કરી હતી. એક નાગરિકે કહ્યું કે લાગે છે કે અમે સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ચૂક્યા છીએ. આતંકના એક યુગનો અંત થયો. દરેક વ્યક્તિ ખુશ છે. 

વિકાસ દુબે અને તેના સાથીઓએ બિકરુ ગામમાં 3 જુલાઈએ ડીએસપી સહિત 8 પોલીસકર્મીઓની હત્યા કરી દીધી હતી. ત્યારથી ફરાર થયેલો વિકાસ ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સામે ચાલીને આવ્યો હતો. વિકાસની ગેંગના અન્ય પાંચ લોકોને અગાઉ જુદી જુદી અથડામણોમાં ઠાર મરાયા હતા.

ટોલ પ્લાઝાના વીડિયોમાં વિકાસ તાતા સફારીમાં દેખાયો. પણ દુર્ઘટનાનો  ભોગ બનેલી ગાડી મહિન્દ્રાની ટીયુવી-300 છે. 

વિકાસના એન્કાઉન્ટર પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ તપાસ કરાશે. આ તપાસ ખતમ નહીં થાય ત્યાં સુધી તેમાં સામેલ પોલીસકર્મીઓને પ્રમોશન અથવા તો વીરતા પુરસ્કાર મળી શકશે નહીં. સુપ્રીમની ગાઈડલાઈન મુજબ એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ જરૂરી છે તેમાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને ગોળીઓનો હિસાબ પણ આપવાનો હોય છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી પણ થઈ છે. તપાસના અહેવાલ પછી સત્ય બહાર આવશે.

જે ગાડી પલટી તેમાં વિકાસ હતો જ નહીં, ગાડી અને રોડ પર પલટી જવાનાં નિશાન પણ નથી, જ્યારે ગાડી હટાવાઈ રહી હતી તે ઢસડીને નિશાન બનાવાયાં

વાંચો આખો ઘટનાક્રમ… મહાકાલથી કાનપુર સુધીની સફર
દૃશ્ય – 1 : કાનપુરથી પહેલા ટોલ પ્લાઝા પર તાતાની ગાડીમાં હતો વિકાસ દુબે, તેની 15 મિનિટ પછી મહિન્દ્રાની ગાડી પલટી અને એન્કાઉન્ટર થઈ ગયું
પોલીસ દાવો કરે છે કે વિકાસની ગાડી બદલવામાં આવી નહોતી. કાફલા પાછળ ચાલી રહેલી મીડિયાની ગાડીઓને પણ એન્કાઉન્ટરવાળા સ્થળથી થોડી પહેલાં જ અટકાવી દેવાઈ હતી. ઠીક 15 મિનિટ પછી એન્કાઉન્ટર થઈ ગયું. ચાલતી ગાડી પલટી ખાધા પછી રોડ અને ગાડી પર ઢસડવાનાં નિશાન પડે છે. પણ ત્યાં એવું કંઈ જ ન જોવા મળ્યું. પછીથી ગાડી હટાવવા ક્રેન મગાવાઈ. ક્રેનથી ગાડીને ઢસડવામાં આવી. તેના લીધે રોડ અને ગાડી પર નિશાન બની ગયાં. 

દૃશ્ય – 2 : ગાડી પલટવાથી 5 પોલીસકર્મી ઘવાયા, પણ વિકાસને એક પણ ઈજા નહીં
પોલીસનો દાવો છે કે ગાડી પલટ્યા બાદ તેમાં સવાર 5 પોલીસકર્મીઓને ગંભીર ઈજા પહોંચી હતી. વિકાસને કોઈ ઈજા ન થઈ. તકનો લાભ લઈ તે દુર્ઘટનાગ્રસ્ત ગાડીમાંથી ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી ત્યાંની નાસી ગયો. 

દૃશ્ય – 3 :  પલટી ખાધેલી ગાડીનો દરવાજો ખોલ્યા વિના જ 2 કિમી ભાગ્યો, જોકે તેના પગમાં સળિયો નાખેલો છે
એસટીએફ અધિકારીઓએ કહ્યું કે વિકાસ બે કિમી સુધી ભાગ્યો હતો. જોકે ગાડીનો દરવાજો તો ખૂલી જ શક્યો નહોતો. પગમાં સળિયો હોવા છતાં વિકાસના આટલા દૂર ભાગવાના પોલીસના દાવા સામે પણ સવાલો ઊભા થઇ રહ્યાં છે. 

દૃશ્ય – 4 : …અને આખરે પોલીસે દોડતા દોડતા પાછળથી ગોળીઓ ચલાવી, 3 ગોળી વિકાસને છાતીમાં વાગી
વિકાસને 4 ગોળીઓ વાગી છે. 3 છાતી અને 1 હાથમાં. હોસ્પિટલના પ્રિન્સિપાલ ડૉ. આર.બી. કમલ અનુસાર તેને મૃત અવસ્થામાં લવાયો હતો. તેમના અનુસાર વિકાસને સામેથી ગોળીઓ વાગી હતી. જોકે ભાગ્યો હોત તો પીઠ પર વાગી હોત.

12 વૉન્ટેડ હજુ ફરાર, વિકાસની પત્ની અને દીકરાને છોડી મૂકાયા
8 પોલીસકર્મીઓની હત્યા મામલે આરોપીઓ પૈકી 6ને ઠાર મરાયા છે. 3ની ધરપકડ થઇ છે. 12 આરોપી ફરાર છે. આ દરમિયાન ગુરુવારે લખનઉથી પકડાયેલી વિકાસની પત્ની રિચા અને તેના દીકરાને પોલીસે મુક્ત કરી દીધાં છે. એસએસપી દિનેશકુમારે કહ્યું કે વિકાસના ગુનામાં તેમનો હાથ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. 

એન્કાઉન્ટર અંગે સુપ્રીમકોર્ટ અને માનવાધિકાર પંચમાં ફરિયાદ કરાઈ
રાજકીય નિષ્ણાત તહેસીન પુનાવાલાએ રાષ્ટ્રીય માનવાધિકાર પંચને એન્કાઉન્ટર મામલે દખલ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર પર અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે થાણેના એક વકીલ અટલ દુબેએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી એન્કાઉન્ટરને ડ્રામા ગણાવતાં સીબીઆઈ તપાસ કરાવવાની પણ માગ કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *