- ભરૂચમાં નર્મદા ભયજનક સ્તરે, બે દિવસ ભારે વરસાદની આગાહી
- સોરઠની તમામ નદીઓમાં ઘોડાપુર, કિનારાના ગામડાઓમાં પાણી ઘૂસી ગયાં
- નર્મદા નદી કિનારાના વડોદરાના 12, ભરૂચના 21 અને નર્મદા જિલ્લાના 19 મળી કુલ 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
- ચાણોદના મલ્હારરાવ ઘાટ પર નર્મદા મંદિરના પગથીયા સુધી પાણી પહોંચ્યા
- ચાણોદના કપિલેશ્વર ઘાટ, ચક્રતીર્થ ઘાટ, ચંડિકા ઘાટ માર્કંડેશ્વર ઘાટ પાણીમાં ગરકાવ થયા
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રવિવારે રાજ્યના 141 તાલુકમાં 1થી 9 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 60 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ગીરના જંગલ વિસ્તારમાં 9 ઇંચ નોંધાયો છે. સુત્રાપાડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જંગલમાંથી નકળતી તમામ નદીઓમાં ઘોડાપૂર આવતાં કિનારા પરના ગામડાઓમાં પાણી ઘુસી ગયાં છે. નર્મદા ડેમમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી છોડાતાં 52 ગામો અલર્ટ કરાયાં છે. કડાણા ડેમમાંથી પણ 4.27 લાખ ક્યૂસેક પાણી છોડાતાં મહી નદી છલોછલ વહી રહી છે. સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડમાં પણ આખો દિવસ વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લામાં વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ખડકીથી ઉદવાડા બગવાડા હાઈવે સુધી 10 કિ.મી ટ્રાફિકજામ સર્જાયો.
આગાહી: 31 ઓગસ્ટ સોમવારના રોજ બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અતિવૃષ્ટિથી તલના પાકને 50%, મગફળી-કપાસને 25%નુકસાન
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાની ડૉ. ડી.એસ. હિરપરાએ જણાવ્યું હતું કે, સુકારાને કારણે તલનો પાક નિષ્ફળ જશે. બાજરા-કપાસમાં ફૂલ ખરવાની શક્યતા. મગફળીમાં સતત પાણી ભરાઈ રહેતા પોપટા બંધાશે નહીં. પરિણામે તલનો પાક 50 ટકા, મગફળી-કપાસ 25 ટકા, બાજરામાં 40 ટકાનું નુકસાન જશે.

કડાણા ડેમના 14 ગેટ 18 ફૂટ સુધી ખોલીને 4.38 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમની હાલની સપાટી 415.6 ફૂટ છે ત્યારે ભયજનક સપાટી 419 ફૂટ છે. જિલ્લા પ્રશાસન દ્વારા નદી કિનારે આવેલા 106 ગામોને એલર્ટ કરાયા હતા.
ગુજરાતમાં ભારે વરસાદના કારણો
- મોનસૂન ટ્રફ: રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે, પણ આ ટ્રફ દક્ષિણમાં સરકે એટલે કે તેનો પશ્ચિમ છેડો રાજસ્થાન, એમપીની આસપાસ હોવાથી ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે.
- લો પ્રેસર: બંગાળની ખાડી પાસે રચાય છે અને પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમમાં આગળ વધે છે. આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ, એમપી, દ. રાજસ્થાનમાં પહોંચે ત્યારે ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડે છે.
સપ્ટે.ના અંત સુધી વરસાદ રહે તેવી વકી
- અપર એર સર્ક્યુલેશન: ઉત્તર પૂર્વ અરબ સાગર અને તેને જોડાયેલા સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોની આસપાસ રચાતું હોય છે. જે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ આપે છે.
- ઓફ શોર ટ્રફ: હળવા દબાણની પટ્ટી, જે દ. ગુજરાતના કિનારેથી કેરળ સુધી જોવા મળે છે. તે કોંકણથી દક્ષિણ ગુજરાત સુધી સક્રિય હોય ત્યારે દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આપે છે. વડોદરામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. કારેલીબાગમાં આનંદનગરથી અંબાલાલ પાર્ક તરફના રસ્તા પર 5 કલાક સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
જામનગરમાં 8 ઇંચ અને દાંતામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
રવિવારે રાજ્યભરમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ગીરના જંગલમાં 9 ઇંચ પડ્યો છે. સુત્રાપાડા તાલુકામાં છ કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા અનેક ગામ બેટમાં ફેરવાઇ ગયા છે. લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. આ ઉપરાંત વિસાવદર તાલુકામાં 6, વંથલી,મેંદરડામાં 5 અને ઊના, તાલાલા, ગીર-ગઢડા, કેશોદ, બાબરામાં 4-4 ઇંચ વરસાદ થયો છે. જયારે અમરેલી, બગસરામાં 2, જાફરાબાદ, લીલીયામાં 2.5, વડીયા, કુંડલા, ખાંભામાં 1.5 ઇંચ વરસાદ થયો છે.

ગીરગઢડાના રૂપેણ નદીમાં પાણીના પ્રવાહમાં ભેંસ સાથે યુવાન તણાયો.
હાલારમાં જામનગર શહેરમાં 8 અને કલ્યાણપુર તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબકયો હતો. જયારે ભાણવડમાં 4.25, લાલપુરમાં 4, ખંભાળિયામાં 3,કાલાવડ અને દ્વારકામાં 2.75, જોડિયા, જામજોઘપુરમાં 2, ધ્રોલ તાલુકામાં 1.25 ઇંચ પાણી વરસ્યું હતું. મોરબીમાં અનરાધાર 5.5 ઇંચ ગોડલમાં 5 અને માળિયા મિયાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાપરમાં એક કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લામાં ઉમરાળામાં 3.25 ઇંચ અને વલભીપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં પાંચથી છ ફૂટ પાણી ભરાતાં કાર ડૂબી ગઈ હતી..
ઉત્તર ગુજરાતમાં દાંતામાં સાત ઇંચ, અમીરગઢમાં બે ઇંચ, ડીસા અને વડગામમાં દોઢ ઇંચ, ઇડર અને વડાલીમાં 4 ઇંચ, ખેડબ્રહ્મામાં 3 ઇંચ, વિજયનગરમાં 3.5 ઇંચ, માલપુરમાં બે ઇંચ મેઘરજ મોડાસા અને ધનસુરામાં પોણા બે ઇંચ, બહુચરાજી, સતલાસણામાં બે ઇંચ,ઊંઝા,વડનગર,કડીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.

રાજકોટના મવડી બાપા સિતારામ ચોક પાસે એક કાર પાણીમાં તણાઈ હતી જેમાં સવાર 2 વ્યક્તિઓને સ્થાનિક લોકોએ માનવ સાંકળ કરી બચાવી લીધા હતા.
વડોદરામાં 10 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં માંગરોળમાં 12 કલાકમાં 6 ઇંચ અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં 4 દિવસથી તાલુકાઓ તરબોળ,ઉમરગામમાં 4 ઇંચ,કપરાડા 4 ઇંચ, ધરમપુર 3 ઇંચ,વલસાડ 2.5 ઇંચ,વાપી 2 ઇંચ,પારડી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગોંડલ પાસે નદીમાં 32 ફસાયા, તમામનું રેસ્ક્યૂ કરાયું.
ગોંડલ શહેર પંથકમાં શનિવાર રાતથી જ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો હોય નદી,નાળા તેની ચરમસીમાથી વધારે વહી રહ્યા હોવા છતાં પણ અત્રેના ચુનારાવાડ તેમજ આસપાસના ગામના 32 જેટલા લોકો મેલડી માતાજીના મંદિરે તાવો પ્રસાદ કરવા પહોંચ્યા હોય પૂરના પાણી મંદિરમાં ઘુસી જતા સર્વેના જીવ તાળવે ચોંટયા હતા નગરપાલિકા તંત્ર અને અક્ષર મંદિરના સંતો મહંતોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચાર કલાકની જહેમત બાદ સર્વેને બચાવ્યા હતા.

અંબાજીના રસ્તા પર પાણીના પ્રવાહમાં વાહનો ફસાયાં, માંડ બહાર કાઢ્યાં.
અંબાજીમાં હરણેશ્વર મંદિરથી માંડી પોલીસ સ્ટેશન સુધીના નિચાણવાળા વિસ્તારમાં રસ્તાઓ, રહેણાંક વિસ્તારો તથા ધર્મશાળાઓમાં પાણી ફરી વળ્યા. પાણીના પ્રવાહમાંથી વાહનોમાં મહામુસિબતે બહાર કઢાયાં હતાં.

ભુજ પાસેના ગજોડ ડેમ પર કોરોના ભુલી લોકો ઊમટ્યા.
કચ્છમાં કોઇપણ સ્થળે જળાશય ઓવરફ્લો થાય એટલે લોકો મેઘોત્સવ મનાવે. અનરાધાર વરસાદને પગલે ભુજ તાલુકાનો મધ્યમ કક્ષાનો ગજોડ ડેમ ગત અઠવાડિયે છલકાઇ ગયો હતો. જેથી ભુજથી પણ મોટી સંખ્યામાં લોકો આ સુંદર સ્થળે રવિવારની રજા માણવા ઉમટી પડ્યા હતા. સહેલાણીઓ બે ઘડી કોરોનાને ભુલી પ્રકૃતિની મજા માણવા મેળાની જેમ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલાયું હતું. આટલી ભીડ છતાં ક્યાંય પોલીસ ડોકાયા ન હતા.

નર્મદા ડેમમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ભયજનક કરતાં વધી 29.15 ફૂટે પહોંચી હતી.
કયાં કેટલો વરસાદ
વિસ્તાર | વરસાદ ઈંચમાં |
ગીર જંગલ | 9 |
જામનગર | 8 |
સુત્રાપાડા | 8 |
દાંતા | 7 |
વિસાવદર | 6 |
માંગરોળ | 6 |
રાજકોટ | 6 |
વડોદરા | 5 |
વંથલી | 5 |
મેંદરડા | 5 |
માળિયા | 4.5 |
ભાણવડ | 4.25 |
રાપર | 4 |
ગીર-ગઢડા | 4 |
કેશોદ | 4 |
બાબરા | 4 |
ઉમરગામ | 4 |
કપરાડા | 4 |