ઉડાન યોજના હેઠળ અમદાવાદથી સંચાલિત થતી એરલાઇન્સ ટ્રુજેટની ફ્લાઇટ પણ 6 નવેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ગ્રાઉન્ડેડ કરાઈ છે.

માંડ ત્રણ દિવસની ઉડાન પછી સી-પ્લેન મેઇન્ટેનન્સ માટે આજથી બે દિવસ બંધ

Ahmedabad Gujarat
  • અમદાવાદ-કેવડિયા વચ્ચે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે સી-પ્લેને ચાર ફેરા માર્યા
  • દર પાંચ દિવસે મેઇન્ટેનન્સ માટે બે દિવસનો બ્રેક, વધુ એક પાઇલટ-એટેન્ડન્ટ ઉમેરાશે

અમદાવાદથી કેવડિયા વચ્ચે 1 નવેમ્બરથી સી-પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ થયા બાદ મંગળવારે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે બે જતા અને બે આવતા એમ ચાર ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી. સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી બે દિવસ માટે મેઇન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવાર અને ગુરુવારે ફ્લાઈટ ઓપરેટ થશે નહીં. સી-પ્લેનના પાઈલટના ફ્લાઈટ ઉડાડવાના સાપ્તાહિક કલાકો પૂરા થઈ જતાં બે દિવસ તેમને આરામ આપવામાં આવશે. વધુમાં દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સી-પ્લેનનું સંચાલન બંધ રહેશે.

સી-પ્લેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે પહેલીવાર રિવરફ્રન્ટથી કેવડિયા જવા માટે બંને ફ્લાઇટ ફુલ થઈ ગઈ હતી. જોકે રિટર્ન ફ્લાઈટમાં 3થી 4 સીટ ખાલી હતી. હાલમાં ડિમાન્ડ વધુ હોવાથી આગામી દિવસોમાં આ સીટો પણ ભરાઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં સી-પ્લેનના 3 પાઈલટ આવ્યા છે અને તેમની સાથે એક જ એટેન્ડેન્ટ છે, જેમના ફ્લાઈટના કલાકો પૂરા થઈ ગયા છે ત્યારે સરકારી ગાઈડલાઈન્સ મુજબ તેમને રેસ્ટ આપવો જરૂરી છે. જોકે આગામી દિવસોમાં વધુ એક પાઈલટ અને એક એટેન્ડેન્ટ આવી જશે ત્યારે 2-2 પાઇલટની સાથે 1-1 એટેન્ડેન્ટની ટીમ રહેશે, જેને કારણે એકસાથે બે દિવસ માટે ફ્લાઈટનું સંચાલન બંધ નહીં થાય.

ત્રણ દિવસમાં કુલ 80 પેસેન્જરે મુસાફરી કરી
શહેરમાં સી-પ્લેનની સેવા શરૂ થયા બાદથી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી અને કેવડિયાથી રિવરફ્રન્ટ સુધી મળી 1થી 3 નવેમ્બર સુધી ત્રણ દિવસમાં 80 પેસેન્જરે મુસાફરી કરી છે. પહેલા દિવસે ફક્ત એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ હતી, જેમાં કેવડિયા 6 પેસેન્જર ગયા હતા, જ્યારે રિટર્ન ફ્લાઈટ ખાલી આવી હતી. બીજા દિવસે પણ એક જ ફ્લાઈટ ઓપરેટ થઈ, જેમાં જતા 14 પેસેન્જરો અને રિટર્ન ફ્લાઈટમાં 8 પેસેન્જર હતા. ત્રીજા દિવસે શિડ્યૂલ પ્રમાણે બન્ને ફ્લાઈટ ઓપરેટ થઈ છે, જેમાં અમદાવાદથી જતાં ફુલ એટલે કે 15-15 પેસેન્જર ગયા હતા. જ્યારે રિટર્નમાં બન્ને ફ્લાઈટમાં 11 અને 12 પેસેન્જરે મુસાફરીનો લાભ લીધો હતો.

ટ્રૂજેટની ફ્લાઈટો છઠ્ઠી સુધી બંધ
ઉડાન યોજના હેઠળ અમદાવાદથી સંચાલિત થતી એરલાઈન્સ ટ્રુજેટની ફ્લાઈટ પણ 6 નવેમ્બર સુધી મેઈન્ટેનન્સ માટે ગ્રાઉન્ડેડ કરાઈ છે. આમ અમદાવાદથી પોરબંદર, કંડલા, જેસલમેર, નાસિક અને જલગાંવ માટે રોજ જતી ફ્લાઈટો રદ કરાઈ છે. બુકિંગ કરાવનાર પેસેન્જરોને ફુલ રિફંડ આપી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *