- વર્ષ 2016માં પકડાયેલા માછીમારોની સજા પૂર્ણ થતાં કરાયેલી કાર્યવાહી
- કરાચી પહોંચતાં પાક. માછીમારોઓએ કહ્યું, હવે ક્યારેય સિર ક્રીકમાં માછીમારી કરવા નહીં જાય !
કચ્છની આંતરરાષ્ટ્રીય સીમા પરથી અવાર-નવાર પાકિસ્તાની ઘૂસણખોરો અને માછીમારો પકડાતા હોય છે. નિર્દોષ માછીમારોની પૂછપરછ કરી બન્ને દેશ તેમને પોતાના દેશ મોકલતી હોય છે. કચ્છની ક્રીક અને દરિયાઇ સરહદ પાસેથી વર્ષ 2016માં પકડાયેલા 20 માછીમારને ભારતે પાકિસ્તાન પરત મોકલ્યા હતા. તેઓ વાઘા બોર્ડરથી પાકિસ્તાન થઇ કરાચી પહોંચ્યા હતા, જ્યાં તેમણે હવે ક્યારેય પણ સિર ક્રીકમાં માછીમારી કરવા નહીં જાય એવી વાત કહી હતી !
કચ્છમાં દરિયાઇ, ક્રીક અને રણની આંતરરાષ્ટ્રીય સરહદો આવેલી છે. ખાસ કરીને ક્રીક અને દરિયાઇ સરહદ ખૂબ જ અટપટી છે. નાપાક પાકિસ્તાન દ્વારા પ્રોક્ષી યુદ્ધના ભાગરૂપે નાના-મોટા કાંકરીચાળા કરાતા હોય છે, પરંતુ એની સામે કચ્છની સરહદ પર ભારતની વિવિધ એજન્સીઓ મજબૂત હોવાથી પાકિસ્તાની કાવતરા નિષ્ફળ જાય છે. જોકે નિર્દોષ માછીમારો પણ બન્ને દેશમાં એકબીજાની સરહદમાં પ્રવેશી જતા હોય છે.
પાકિસ્તાની એન્જસીઓની જેમ ભારતીય એજન્સી આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી કોઇનું અપહરણ કરતી નથી. કોઇ માછીમાર ભારતીય સરહદમાં આવી ચડે તો નિયમ અનુસાર કાર્યવાહી થાય છે. વર્ષ 2016માં આવી જ રીતે કચ્છની ક્રીકો, સિર ક્રીક તથા હરામીનાળા પાસેથી પકડાયેલા વિવિધ 20 માછીમારની તપાસ અને સજા પૂર્ણ થતાં તેમને પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા હતા. આ માછીમારોને પંજાબની અટારી બોર્ડર પરથી પાકિસ્તાનને હવાલે કરવામાં આવ્યા હતા. 20 માછીમારની સાથે અન્ય ચાર પાકિસ્તાની નાગરિકોને પણ હવાલે કરવામાં આવ્યા હતા.
કુલ 24 પાકિસ્તાની નાગરિકોને વતન મોકલાવા હતા. કચ્છની સરહદ પાસે પકડાયેલા 20માંથી 19 માછીમારો શુક્રવારે કરાચી પહોંચ્યા હતા, જ્યાં તેઓ કેવી રીતે ભારતીય જળસીમામાં ઘૂસી ગયા એની આપવીતી જણાવી હતી. તેમણે હવે ક્યારેય સિર ક્રીકમાં માછીમારી કરવા નહીં જાય એવી વાત કહી હતી. નોંધનીય છે કે કોરોનાકાળમાં આ પ્રથમ વખત ભારત દ્વારા પાકિસ્તાની માછીમારોને વતન મોકલાયા હતા. છેલ્લે, માર્ચમાં ભારતે પાકિસ્તાની નાગરિકોને વતન પરત મોકલ્યા હતા.
એક માછીમારને કોરોના નીકળ્યો !
કચ્છની સરહદ પાસેથી પકડાયેલા 20 માછીમારને વાઘા બોર્ડર પર પાકિસ્તાનને સોંપવામાં આવ્યા હતા, જ્યાં પાકિસ્તાન દ્વારા તેમના કોરોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી એક માછીમાર કોરોના પોઝિટિવ આવતાં બાકીના 19 કરાચી પોતાના વતન ગયા હતા.
ભારતીય એજન્સીઓ અને માછીમારોને હવે વધારે સતર્ક થવાની જરૂર
કચ્છની સરહદ પર પાકિસ્તાનની કુખ્યાત એજન્સી મરીન સિક્યોરિટીની નાપાક કાર્યવાહી ચાલુ છે. એકબાજુ, ભારત માછીમારોને પાકિસ્તાનને પરત કરે છે તો બીજી બાજુ, પાકિસ્તાની મરીન સિક્યોરિટી એજન્સી નવેમ્બરમાં જ કચ્છની સરહદ પાસેથી આંતરરાષ્ટ્રીય દરિયામાંથી ચાર વખત ભારતીય માછીમારોનું અપહરણ કરી ગઇ છે, તેથી ભારતીય એજન્સીઓ અને માછીમારોને સતર્ક થવાની જરૂર છે.
આ અંગે મળતી વિગતો મુજબ, પાકિસ્તાન અરબ સાગરમાં ભારતથી વધારે શક્તિશાળી થવાના વર્ષોથી હવાતિયાં મારે છે. પાકિસ્તાની મરીન સિક્યોરિટી પોતાની નાપાક કામગીરીને કારણે વારંવાર ભારતીય માછીમારોનું અપહરણ કરી જાય છે. ખાસ કરીને સાૈરાષ્ટ્રના માછીમારો ભૂલ-ભૂલમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને ક્યારેક પાકિસ્તાની જળસીમામાં ચાલ્યા જતા હોવાથી તેઓ પકડાઇ જાય છે. એકલા નવેમ્બર માસમાં જ પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા ભારતીય માછીમારોના અપહરણની ચાર ઘટના કચ્છની દરિયાઇ સીમા પાસે બની છે.
સોમવારે જ પાકિસ્તાની મરીન એજન્સી 4 બોટ અને 24 ભારતીય માછીમારને પકડી ગઇ હતી, જેમાં બે બોટ પોરબંદર અને બે બોટ ઓખાની હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાનનાંં સાધનો ભારતથી સીમિત છે. તેમ છતાં દુશ્મન દેશ ભારતીય માછીમારોને પરેશાન કરવાની કોઇપણ તક છોડતું નથી. એવામાં હવે ભારતીય એજન્સીઓ અને માછીમારોને પણ સતર્ક થવાની જરૂર છે. ભારતીય કોસ્ટગાર્ડ અને બીએસએફ પણ માછીમારોને નિયમિત રીતે વિવિધ સૂચનાઓ આપતા હોય છે. એનું પાલન પણ કરવાની જરૂર છે.
ભારતીય સીમામાં ઘૂસતા માછીમારો ભાગી જાય છે !
તો બીજી તરફ, ભારતીય જળસીમા અને હરામીનાળા સહિતની ક્રીકોમાં પણ પાકિસ્તાની માછીમારો અને ઘૂસણખોરો અવાર-નવાર પકડાય છે, પરંતુ હવે ભાગી જવાના બનાવો વધ્યા છે. છેલ્લે, ઓગસ્ટમાં હરામીનાળામાં બીએસએફ દ્વારા ચાર પાકિસ્તાની બોટને પકડી પાડી હતી. એક માછીમાર પણ પકડાયો હતો. જોકે 11 માછીમાર ભાગી ગયા હતા. સરહદ પર ભારત દ્વારા સુરક્ષા ખૂબ જ મજબૂત કરી દેવાઇ હોવાથી હવે ઘૂસણખોરી કરવી લગભગ અશક્ય બની ગઇ છે.