- આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ ન હતી, ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
શહેરના આંબેડકરબ્રિજ નજીક આજે વહેલી સવારે BRTS બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આંબેડકર બ્રિજ ઉતરી ચંદ્રનગર તરફ જતા BRTS બસ કોરિડોરમાં દાખલ થતી હતી. ત્યારે પાછળથી આવતા ટેમ્પો સાથે બસ અથડાઇ હતી. આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ ન હતી. લોકેશન પાસે 2 રેલિંગ તૂટી ગઈ હતી. ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

બે દિવસ પહેલા BRTS અન્ડરબ્રિજમાં ઘૂસી ગઈ હતી
બે દિવસ પહેલા શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી હતી. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

સ્ટીયરિંગ લોક થવાથી અન્ડરબ્રિજમાં અથડાઈ, પેસેન્જર્સને છેલ્લા સ્ટેશને ઉતારતાં મોટી દુર્ઘટના ટળી
BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટીયરિંગ લોક થવાને કારણે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી, જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયાં થઈ ગયાં હતાં. આ અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઊતરી જતાં અકસ્માતમાં મોટી ખુવારી થતાં સહેજમાં બચી ગઈ હતી. આ બનાવ એટલો તો ગંભીર હતો કે બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી, જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે. ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિનગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા. એ સમયે અન્ડરપાસમાં બસ ઉતારતાંની સાથે જ બસનું સ્ટીયરિંગ લોક થવાને કારણે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત થયો.
