બાળ દુષ્કર્મ કેસમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુષ્કર્મ કેસમાં વર્ગ-3ના સિનિયર કર્મીને પંચ તરીકે લેવાના રહેશે. કરાર આધારિત સરકારી કર્મીને પંચમાં નહીં રાખી શકાય અને દુષ્કર્મના આરોપીને 6 માસમાં સજા થાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં સગીર વયનાં બાળકો પર વધી રહેલા દુષ્કર્મના કેસોમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ઘનિષ્ઠ તપાસ થાય તેમજ કોર્ટ કાર્યવાહી દરમિયાન આ પ્રકારના આરોપીઓ કાયદાની છટકબારીનો ગેરલાભ ના મેળવી જાય એ માટે આરોપીઓ સામેની કાર્યવાહીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. હવે દુષ્કર્મના આરોપીઓને 6 મહિનાની અંદર સજા સંભળાવવામાં આવશે.
ગત સોમવારે સુરતમાં એક માસૂમની હત્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ થયો હતો
શહેરના પાંડેસરાના પ્રેમનગરમાંથી સોમવારે બપોરે 10 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 24 વર્ષીય યુવાને દાનત બગાડી રેપના ઈરાદે અપહરણ કરી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપી પડોશી દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણે(ઉં.વ.24)ની ધરપકડ કરી હતી. પાંડેસરા પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં બાળકીને વડાપાંઉ અપાવવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો, બાળકીએ બૂમાબૂમ કરતાં તેની હત્યા કર્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
બાળકી સાથે આચરાયેલી હેવાનિયતનો આખો ઘટનાક્રમ
પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં સોમવારે બપોરે ધો.4માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી ગુમ થઈ હતી, જેથી પરિવારે શોધખોળ હાથ ધરી પોલીસને જાણ કરી હતી. બાળકીને તેની પાડોશમાં જ રહેતો દિનેશ વડાપાંઉ આપવાની લાલચે લઈ ગયો હતો. બાળકીને ભેદવાડ દરગાહ પાસે નાસ્તાની દુકાનમાં વડાપાંઉ અપાવ્યું હતું. ત્યાર બાદ પ્રેમનગર ઝૂંપડપટ્ટીના નાકા પરથી ઓટોરિક્ષામાં બેસાડી ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યો હતો. ઇન્ડસ્ટ્રીઝના પાછળના ભાગે અવાવરૂ જગ્યા, જ્યાં મોટા પ્રમાણ ઘાસ ઊગેલું છે ત્યાં લઇ ગયો હતો.
અત્યંત ક્રૂરતાપૂર્વક માસૂમને મોતને ઘાટ ઉતારી
ઊંચા ઊગેલા ઘાસ તરફ લઈ જતાં વેંત પોતાની સાથે અઘટિત ઘટનાનો અંદેશો આવી જતાં બાળાએ બૂમાબૂમ કરી દીધી હતી, જેથી દિનેશે બાળકીનું મોઢું દબાવી દીધું હતું અને ત્યારે બાળકીએ જમણા હાથ પર બચકું ભર્યું હતું. બાળાએ એટલું જોરથી બચકું ભર્યું હતું કે નરાધમને ત્રણથી ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી. બાળકીએ બચકું ભરી પ્રતિકાર કર્યો હતો અને બૂમાબુમ ચાલુ રાખતાં કોઇક આવી જશે એવા ડરથી તેને જમીન પર પટકી દઇ માથામાં ઇંટના ઘા માર્યા બાદ ગળું દબાવ્યું હતું. અત્યંત ક્રૂરતાપૂર્વક માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવાને પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માથામાં ઇજા થવાથી લોહીથી લથબથ માસૂમના મૃતદેહ સાથે અધમ કૃત્ય કરતાં કોઇ જોઇ જશે એવા ડરથી ત્યાંથી ભાગીને પરત ઘરે પહોંચી ગયો હતો. દિનેશની કબૂલાતને પગલે પોલીસે અપહરણ-હત્યાની સાથે દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો છે.