સરદાર પટેલ વિશેષ:સરદાર પર બબ્બે ભાષામાં ફિલ્મ બનાવી રહેલા સર્જક મિહિર ભૂતા કહે છે, ‘આજે સરદાર હોત તો ખેડૂત આંદોલનમાં રાજનીતિ વચ્ચે ન જ લાવ્યા હોત’

Entertainment Gujarat
  • ‘મેન ઑફ સ્ટીલઃ સરદાર’ ફિલ્મ હિન્દી અને ગુજરાતીમાં એકસાથે બની રહી છે

આજે સરદાર વલ્લભભાઈ પટેલને આપણી વચ્ચેથી વિદાય થયાને સાત દાયકા થયા. 15 ડિસેમ્બર, 1950ના રોજ મુંબઈ ખાતે તેમનું દેહાવસાન થયું હતું. સમગ્ર દેશને એક કરીને તેમાં ચેતના પૂરનારા સરદાર જેવા વિરાટ વ્યક્તિત્વને નવી નજરે નિહાળવા માટે એક ફિલ્મનો શુભારંભ થયો છે. જાણીતા નાટ્યકાર, લેખક અને દિગ્દર્શક મિહિર ભૂતા સરદાર પટેલ પર એક નવીનક્કોર ફિલ્મ લઈને આવી રહ્યા છે. ‘મેન ઑફ સ્ટીલઃ સરદાર’ નામની આ ફિલ્મનું તાજેતરમાં જ મુહૂર્ત થયું. મયૂર કે. બારોટના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ પહેલી જાન્યુઆરીથી જોરશોરથી શરૂ થઈ રહ્યું છે. મયૂર બારોટ અગાઉ ‘નવાબઝાદે’ નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. એકસાથે હિન્દી અને ગુજરાતી એમ બંને ભાષામાં બની રહેલી આ ફિલ્મ વિશે વધુ માહિતી મેળવવા માટે ‘દિવ્ય ભાસ્કર’એ ફિલ્મના લેખક-દિગ્દર્શક મિહિર ભૂતા સાથે વાતચીત કરી.

'મેન ઑફ સ્ટીલઃ સરદાર'ના મુહૂર્ત પ્રસંગે લેખક-દિગ્દર્શક મિહિર ભૂતા (ડાબે) અને પ્રોડ્યુસર મયૂર બારોટ.
‘મેન ઑફ સ્ટીલઃ સરદાર’ના મુહૂર્ત પ્રસંગે લેખક-દિગ્દર્શક મિહિર ભૂતા (ડાબે) અને પ્રોડ્યુસર મયૂર બારોટ.

કોણ બનશે પડદાના સરદાર?
સરદારનાં જીવન અને કાર્ય વિશે ફિલ્મ બની રહી હોય ત્યારે સરદારની ભૂમિકા કોણ ભજવશે એ જાણવાની સહેજે ચટપટી થાય. અગાઉ કેતન મહેતાએ 1993માં ‘સરદાર’ ફિલ્મ બનાવી ત્યારે તેમાં પરેશ રાવલે પડદા પર સરદાર પટેલને બખૂબી જીવંત કર્યા હતા. રિચર્ડ એટનબરોની ખ્યાતનામ બાયોપિક ‘ગાંધી’માં સઈદ જાફરીએ સરદારની ભૂમિકા ભજવી હતી. હવે ‘મેન ઑફ સ્ટીલઃ સરદાર’માં કયા અભિનેતા સરદાર તરીકે દેખાશે એ રહસ્ય મિહિરભાઈ હાલના તબક્કે તો સિક્રેટ જ રાખવા માગે છે, પણ હા, તેમણે એટલું જરૂર કહ્યું કે એમાં સરદાર તરીકે સ્વાભાવિક રીતે જ એક દમદાર અને સશક્ત અભિનેતા હશે. ગાંધીજી તરીકે અજય જયરામ અને નેહરુની ભૂમિકામાં જૈમિની પાઠક છે (જેઓ હમણાં જ આવેલી સુપરહિટ વેબ સિરીઝ ‘સ્કેમ 1992’માં દેખાયા હતા). એક વિશેષ ભૂમિકામાં ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર પણ દેખાશે. એ ઉપરાંત પણ ઘણા જાણીતા ગુજરાતી ચહેરાઓ દેખાશે.

સરદારઃ નાટકથી ફિલ્મના પડદા સુધી
દરઅસલ લગભગ એક દાયકા પહેલાં મિહિર ભૂતાએ ‘સરદાર’ નામનું નાટક તૈયાર કરીને ભજવેલું, જે પ્રચૂર પ્રશંસા પામ્યું હતું. એ નાટકમાં ગાંધીજીની ભૂમિકા ભજવનારા અજય જયરામ અહીં ફરીથી પોતાનો રોલ પુનઃજીવિત કરશે. નાટકમાં તો સરદારના વિશાળ જીવનને એક વોઇસઓવર એટલે કે સૂત્રધારના માધ્યમથી એક તાંતણે બાંધી લીધેલું. ફિલ્મમાં તેઓ આ કામ કઈ રીતે કરશે એ વિશે મિહિર ભૂતાનું કહેવું છે કે તેઓ સરદારનું આખું જીવન ડૉક્યુમેન્ટ કરવાને બદલે જે પ્રસંગોમાંથી તેમનું આગવું વ્યક્તિત્વ કે તેનું અનોખું પાસું બહાર આવતું હોય તેને પહેલી પ્રાથમિકતા આપશે. ગાંધીજી સાથે સરદારની મુલાકાતથી શરૂ થતી વાર્તા ફિલ્મોની ભાષામાં કહીએ તો નોન-લિનિયર ફોર્મેટમાં એટલે કે તેમના જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચે ઝૂલતી રહેશે. ઘણે અંશે આ ફિલ્મ તેમના નાટકનું જ સિનેમેટિક વર્ઝન હોવા છતાં અહીં ફિલ્મના માધ્યમનો બહોળો કેન્વાસ મળશે, જેથી ‘શૉ, ડોન્ટ ટેલ’ના સિદ્ધાંતને અનુસરીને કોઈ વાત સંવાદોમાં પતાવી દેવાને બદલે તેને યોગ્ય રીતે ફિલ્માવવામાં આવશે.

'મેન ઑફ સ્ટીલઃ સરદાર'નું શૂટિંગ વડોદરા, ધર્મજ, નડિયાદ, અમદાવાદમાં થશે.
‘મેન ઑફ સ્ટીલઃ સરદાર’નું શૂટિંગ વડોદરા, ધર્મજ, નડિયાદ, અમદાવાદમાં થશે.

ફિર એક બાર, સરદાર
કેતન મહેતા જ્યારે સરદાર પટેલ પર જ માતબર ફિલ્મ અગાઉ બનાવી ચૂક્યા હોય ત્યારે ‘થાય સરખામણી તો…’વાળી વૈતરણી મિહિર ભૂતા ‘મેન ઑફ સ્ટીલઃ સરદાર’માં કઈ રીતે પાર કરશે? જવાબમાં મિહિરભાઈ કહે છે, ‘કર્તાનું પોતાનું વ્યક્તિત્વ અને સ્ટાઇલ તેની કૃતિમાં આવે જ આવે. અને આવું મારી સાથે અગાઉ મહાભારતમાં પણ થઈ ચૂક્યું હતું. સ્ટાર પ્લસ માટે મેં મહાભારત સિરિયલ લખી તે અગાઉ ડૉ. રાહી માસૂમ રઝા (બી. આર. ચોપરાની) મહાભારત લખી જ ચૂક્યા હતા. છતાં મારી કૃતિનું એક આગવું વ્યક્તિત્વ ઊપસી આવ્યું હતું. જુઓ, મારી દૃષ્ટિએ કેટલાક વિષયો એવા હોય છે જે સમયાંતરે પેઢી દર પેઢી ફરી ફરીને ખેડાતા જ રહેવા જોઈએ. સરદાર પણ એવો જ વિષય છે, જેમાં હું મારો પર્સ્પેક્ટિવ મૂકી શકું. સરદારનું જે પ્રતિબિંબ મેં ઝીલ્યું છે તે મારી ફિલ્મમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.’

‘મેન ઑફ સ્ટીલઃ સરદાર’માં ‘રેવા’ ફિલ્મથી જાણીતા થયેલા સંગીતકાર અમર ખાંધાએ મ્યુઝિક આપ્યું છે. જ્યારે તુષાર શુક્લ, અનિલ ચાવડા, રાહુલ તુરી જેવા સર્જકોએ ગીતો લખ્યાં છે. વડોદરા, ધર્મજ, નડિયાદ જેવાં સ્થળોએ આ ફિલ્મનું શૂટિંગ આકાર લેશે. છેલ્લા તબક્કામાં અમદાવાદમાં પણ થોડું ફિલ્માંકન થશે.

સરદાર પટેલ વિશે સૌથી વધુ ચર્ચાતા પ્રશ્ન કે તેમને દેશના પહેલા પ્રધાનમંત્રી શા માટે ન બનાવાયા, તેને આ ફિલ્મમાં કોઈ સ્થાન હશે કે કેમ તે વિશે મિહિરભાઈ કહે છે, ‘આમ તો આ મુદ્દે તુંડે તુંડે મતિર્ભિન્ના જેવા મતાંતરો પ્રવર્તે છે. છતાં મેં સરદાર પટેલ અને સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન બનવાની રેસની થોડી વાત કરી છે ખરી, કે કઈ રીતે સરદાર પટેલ અને આચાર્ય કૃપલાણી બંને આ રેસમાંથી બાયપાસ થઈ ગયેલા.’

મિહિર ભૂતા અગાઉ 'સરદાર' નાટક બનાવી ચૂક્યા છે, હવે તેમને ફિલ્મી પડદે લાવશે
મિહિર ભૂતા અગાઉ ‘સરદાર’ નાટક બનાવી ચૂક્યા છે, હવે તેમને ફિલ્મી પડદે લાવશે

સરદાર આજે હોત તો?
દેશમાં ખેડૂત આંદોલનની પૃષ્ઠભૂ ચાલી રહી હોય અને ત્યારે જ ખેડૂત આંદોલનમાંથી જ ‘સરદાર’ બનેલા વલ્લભભાઈ પટેલની એકસાથે બબ્બે (ગુજરાતીમાં અને હિન્દીમાં) બાયોપિક બની રહી હોય ત્યારે અત્યારે સરદાર હોત તો આ સમગ્ર આંદોલનને કઈ રીતે હેન્ડલ કર્યું હોત, એમણે કોનો પક્ષ લીધો હોત એ સવાલ તો અચૂક ઉપસ્થિત થાય. તેના જવાબમાં મિહિર ભૂતા કહે છે, ‘જુઓ, હું પોતે ખેડૂત નથી એટલે આ સમગ્ર પ્રશ્ન સમજી શકું તેમ નથી. એટલે સરદાર હોત તો તેમણે કોનો પક્ષ લીધો હોત એ કહેવું મારા માટે અસંભવ છે. પોતાના જીવનમાં એમણે કાયમ સત્યનો, એમને જે સત્ય લાગ્યું તેનો પક્ષ લીધો હતો. પણ સરદારને હું જેટલું સમજ્યો છું એ જોતાં એટલું તો ચોક્કસ કહી શકું કે એ આમાં રાજનીતિ તો વચ્ચે ન જ લઈ આવ્યા હોત, એ મને ગળા સુધીની ખાતરી છે.’

સરદારે હંમેશાં જે સાચું લાગ્યું એ કર્યું
જો બધું સમુંસૂતરું પાર પડે તો આ ફિલ્મ એપ્રિલમાં અને તે પણ થિયેટરોમાં રિલીઝ કરવાની તેના સર્જકોની નેમ છે. ત્યારે સાત દાયકા પહેલાં વિદાય લઈ ચૂકેલા આ માણસને કચકડે જોવા આપણે અને ખાસ તો યુવા પેઢીએ શા માટે જવું જોઈએ એવા સવાલના જવાબમાં મિહિર ભૂતા કહે છે, ‘જે પ્રજા ઇતિહાસને જાણતી નથી તે ઇતિહાસ રચી શકતી નથી. અને જે માણસનું આપણે વિશ્વમાં સૌથી ઊંચું પૂતળું બનાવ્યું છે તેમનામાં એવું તે શું હતું એ જાણવા માટે પણ આ ફિલ્મ જોવી જ જોઈએ. આઝાદીના સંગ્રામમાં જેટલા પણ તેનાઓ આગળ પડતા હતા, તેમાં સરદાર સૌથી નોખા તરી આવતા હતા. સરદારે જે સાચું લાગ્યું તે કર્યું. રાજકારણમાં હોવા છતાં રાજકારણથી પર રહીને સમાજકારણ જેવું પણ કંઈ હોઈ શકે અને તેના શું ફાયદા થઈ શકે તે સરદાર પાસેથી શીખવા માટે પણ આ ફિલ્મ જોવી જોઈએ. અને આ ફિલ્મ જોયા પછી સરકાર વિશે લખાયેલાં પુસ્તકો ખરીદીને વાંચવાં જોઈએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *