- સત્તા પલટો અને દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂની ધરપકડ કરવામાં આવ્યા બાદ મ્યાનમારમાં પ્રદર્શન ચાલી રહ્યું છે
મ્યાનમારમાં રવિવારે લોકશાહીને પુનઃસ્થાપનાની માગ માટે પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 18 લોકોનાં મોત થયા છે, જ્યારે 30થી વધારે લોકોને ઈજા પહોંચી છે. આ અગાઉ 20 ફેબ્રુઆરીના રોજ થયેલા ફાયરિંગમાં પણ 3 લોકોના મોત થયા હતા.
તેમા એક મહિલાનો પણ સમાવેશ થતો હતો. યુનાઈટેડ નેશન (UN)માં મ્યાનમારના રાજદૂત ક્યો મો તુન આ ઘટના અંગે માહિતી આપતાં રડી પડ્યા હતા.
તુને UNને અપીલ કરી હતી કે મ્યાનમારના સૈન્ય શાસન સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને લોકશાહી વ્યવસ્થાને ફરી અમલી બનાવવામાં આવે. મ્યાનમારના સૈન્ય શાસન સામે અવાજ ઉઠાવનાર પોતાના રાજદૂતને પદ પરથી હાકી કાઢ્યાં છે.

અનેક રાજ્યોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક રાજ્યોમાં પણ ઝપાઝપી થયાના અહેવાલ છે. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે રબર બુલેટ, ટીયર ગેસની આડમાં ફાયરિંગ કર્યાંનો આરોપ છે. સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે રવિવારે ત્રણ પ્રદર્શનકારીઓનું રંગૂનમાં પોલીસ ગોળીબારીમાં મોત થયુ છે. જ્યારે દાવોઈ શહેરમાં બે લોકોના મોત થયા છે.
ફાયરિંગમાં બે લોકોના મોત માંડલેમાં પોલીસ ફાયરિંગમાં થયા છે. મીડિયામાં ચાલી રહેલી તસવીરોમાં ઈજાગ્રસ્ત લોકો તેમના સાથીઓને ઉઠાવીને લઈ જઈ રહ્યા છે. ફુટપાથ પર લોહી દેખાય છે. ડોક્ટરોના સંગટન વ્હાઈટકોમ એલાયન્સ ઓફ મેડિકલે કહ્યું છે કે પચાસ કરતા વધારે સ્વાસ્થ્ય કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

અત્યારસુધીમાં 21 લોકોના મોત
પોલીસ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. આ અગાઉ 20 ફેબ્રુઆરીના રોજ પોલીસે પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. તેમા એક યુવતીનો પણ સમાવેશ થતો હતો.
સત્તા પલટો અને દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂની ધરપકડ કરવામાં આવ્યા બાદ મ્યાનમારમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. નવેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં સૂ ની પાર્ટીને જંગી બહુમતી મળી હતી, પણ સેનાએ ગેરરીતિ આચરી હોવાની વાત કહીને પરિણામો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.