- વડોદરામાં રહેતી યુવતી ઉદયપુરમાં નોકરી કરે છે. 26 ફેબ્રુઆરીએ યુવતી મધ્યપ્રદેશના નીમચ જઈ રહી હતી.
- આ ઘટના પછી યુવતીની માતા પરિવારને છોડીને તેની સાથે ઉદયપુરમાં રહે છે
ઉદયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેઠેલી યુવતીની સામે એક યુવકે અશ્લીલ હરકત કરી. યુવતીએ આરોપીની ગંદી હરકતનો વીડિયો બનાવીને તેની ફરિયાદ રેલવેમંત્રી પીયૂષ ગોયલ સામે કરી છે. આ મામલો 26 ફેબ્રુઆરીની રાતનો છે. ટ્રેનમાં યુવતી એકલી હતી. ત્યારે યુવક તેની સામે જ નગ્ન થઈ ગયો હતો.
વડોદરામાં રહેતી યુવતી ઉદયપુરમાં નોકરી કરે છે. 26 ફેબ્રુઆરીએ યુવતી મધ્યપ્રદેશના નીમચ જઈ રહી હતી. તે માટે તેને ઈન્દોર-ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનની સ્લીપર કોચની ટિકિટ લીધી હતી. નિર્ધારિત સમયે યુવતી કોચમાં બેઠી, પરંતુ ત્યારે બોગીમાં માત્ર બે જ યાત્રી હતા. ટ્રેન સ્ટેશન પર જ ઊભી હતી.
યુવતીએ બનાવ્યો વીડિયો
આ દરમિયાન ત્યાં હાજર એક યુવકે યુવતીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. તે નગ્ન થઈ ગયો. આ દરમિયાન હિંમત કરીને યુવતીએ તેનો વીડિયો બનાવી લીધો. પરંતુ જેવો જ યુવકને ખ્યાલ આવ્યો કે તે ત્યાંથી ભાગી ગયો. જે બાદ યુવતીએ પોતાની ફરિયાદ સોશિયલ મીડિયાના માધ્યમથી રેલવે મંત્રીને કરી છે. તેમ છતાં હજુ સુધી આ યુવકની ધરપકડ થઈ નથી.

પીડિતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રેલવે મંત્રી સમક્ષ ફરિયાદ કરી છે.
ફરિયાદ બાદ યુવતી સાથે રેલવે પોલીસના જવાનોએ ઉદયપુર નજીક માવલી પાસે વાતચીત કરી હતી. યુવકની ટ્રેનના બોગીમાં તપાસ શરૂ કરાઈ. ત્યારે ખ્યાલ આવ્યો કે યુવક દ્વારા ટ્રેનમાં બેઠેલી અન્ય કેટલીક મહિલાઓ સાથે પણ આ પ્રકારની ગંદી હરકતો કરવામાં આવી હતી. હવે રેલવે સીસીટીવી ફુટેજના આધારે યુવકની તપાસ કરવામાં આવી રહી છે.
પરિવાર ડરી ગયો, માતા સાથે રહેવા આવી
ભાસ્કર સાથેની વાતચીતમાં યુવતીએ જણાવ્યું કે આવી ઘટનાથી તે ઘણી જ ડરી ગઈ હતી. જ્યારે મેં આ વાત મારા પરિવારને જણાવી તો તેઓ પણ ડરી ગયા. પહેલાં હું નોકરીના કારણે ઉદયપુરમાં એકલી રહેતી હતી. આ ઘટના પછી મારી માતા પરિવારને છોડીને મારી સાથે ઉદયપુરમાં રહે છે.
યુવતીએ જણાવ્યું કે સામાન્ય રીતે યાત્રા માટે ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ ઘટના પછી મને ટ્રેનમાં સફર કરવાનો ડર લાગી રહ્યો છે. હું ઈચ્છું છું કે આવા નરાધમો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કે જેથી ભવિષ્યમાં આવી ગંદી હરકત કોઈ અન્ય યુવતીની સાથે ન કરે.