- રાજસ્થાનમાં પણ છુપાયા હોવાની ક્રાઇમ બ્રાન્ચને આશંકા
હેબતપુરના શાંતિ પેલેસ બંગ્લોઝમાં રહેતા અશોકભાઈ અને જ્યોત્સનાબેનની હત્યા કરી રૂ. 2.45 લાખની લૂંટ કરી 4 લુટારુ રાજસ્થાન-મધ્યપ્રદેશ ભાગી ગયા હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચની 4 ટીમ રાજસ્થાન-મધ્યપ્રદેશ પહોંચી છે. જોકે ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ગામના હોવાનું ખૂલતાં ક્રાઇમ બ્રાંચની ટીમ ગિઝોરા રવાના થઈ છે.
સિનિયર સિટીઝન દંપતીને હત્યા કરીને બંગલામાંથી પૈસા-દાગીના લૂંટીને 4 લુટારુ બાઇક લઈને ભાગ્યા હતા. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં લુટારુઓ અને તેમના બાઇક ઓળખાઈ ગયા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમોએ તેમનો ગુનાહિત ઈતિહાસ ચેક કરતા ચારેય મધ્યપ્રદેશના હોવાનું અને હત્યા કર્યા બાદ વતન ભાગી ગયા હોવાનું જણાતાં ક્રાઈમ બ્રાંચની 4 ટીમો રાજસ્થાન-મધ્યપ્રદેશ જવા રવાના થઈ હતી.
હત્યા અને લૂંટના આ ચારેય આરોપીની તસવીરો, નામ અને તેમનાં સરનામાની માહિતીના આધારે પોલીસે તેમના લોકેશન જાણવા માટે તેમના ફોન ટ્રેસિંગમાં મૂક્યા છે, પરંતુ લૂંટ અને હત્યા કર્યા બાદ ચારેયે ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા.
પકડાયા પછી જ પાછા આવવા સૂચના અપાઈ
ક્રાઇમ બ્રાન્ચમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર તાજેતરમાં જ ચૈતન્ય માંડલિકની નિમણૂક કરાઈ છે. જોકે ડિટેક્શન મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ગુજરાતની પ્રથમ ક્રમની એજન્સી ગણાય છે, જેથી અશોકભાઈ-જ્યોત્સ્નાબેનના હત્યારા પકડાય નહીં ત્યાં સુધી પાછા નહીં આવવા સુધીની સૂચના ક્રાઇમ બ્રાંચની ટીમોને અપાઈ છે.