- પોલીસે દુષ્કર્મની જગ્યાએ છેડતીની ફરિયાદ નોંધી હતી
પાંડેસરામાં 26મી ફેબ્રુઆરી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે પોલીસ કાર્યવાહી શંકાના વર્તુળમાં છે. પોલીસે પીડિતા બાળકીનું મેડિકલ ટેસ્ટ પણ ન કરાવ્યું અને ન તો રેપની ફરિયાદ દાખલ કરી. બાળકીની માતાનો આરોપ છે કે પોલીસે જે FIR લખી એના પર માત્ર તેની સહી કરાવાઈ, પોલીસે એ પણ ન જણાવ્યું કે ફરિયાદ બળાત્કારની નોંધી છે કે છેડતીની. પોલીસનું કહેવું છે કે અમે કોઇ બેદરકારી દાખવી નથી; જે કાર્યવાહી કરવાની હતી તે કરી જ છે.
બાળકી અત્યારે પણ પીડાથી પીડાઈ રહી છેે. બાળકી અત્યારે પણ ભયભીત છે. તેણે જમવાનું પણ છોડી દીધું છે. તેને એવું લાગે છે કે હેવાન હમણાં આવી જઇને મારું મોઢું દબાવી દેશે. બીજી તરફ માતાને ડર છે કે આરોપીનાં સગાં તેના બે દીકરાનું અપહરણ ન કરી લઇ જાય એટલે તેમને બહાર રમવા માટે પણ નીકળવા દેતી નથી. આરોપીની માતાએ ઘરે આવી કહ્યું કે મારા દીકરાથી ભૂલ થઇ છે, કંઇપણ કરી લો તેનું કંઇ નહીં થાય. 25 હજાર આપું છું, સમાધાન કરી લો.
બાળકીની માતાએ પોલીસને જણાવ્યું કે બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ કર્યું છે, પરંતુ પોલીસનું કહેવું હતું કે બાળકીને કશું થયું નથી. તેનું મેડિકલ પણ કરાવવામાં ન આવ્યું. 26 ફેબ્રુઆરીએ બપોરે પડોશીનો ફોન આવ્યો.તેણે કહ્યું હતું કે બાળકીની તબિયત ખરાબ છે. ઘરે પહોંચી તો પોલીસે બાળકી સાથે મળવા ન દીધી. તેઓ સીધા પોલીસ સ્ટેશને લઇ ગયા. પોલીસે એક કાગળ પર રિપોર્ટ લખીને તેની સહી લઇ લીધી.
આ માટે પોલીસની કાર્યવાહી પર શંકા
- પીડિતા બાળકીનો પોલીસે શરૂથી લઇને છેવટ સુધી મેડિકલ ટેસ્ટ નહીં કરાવ્યું
- એફઆઇઆરમાં શું લખ્યું એની માહિતી બાળકીને માતાને આપી નહીં.
- પહેલા આરોપી વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી તેને છોડી મુકાયો.
- ત્રણ દિવસ બાદ પણ દુષ્કર્મની જગ્યાએ છેડતીની ફરિયાદ નોંધી.
આરોપ: કોર્પોરેટરનો સગો હોઈ બચાવાયો
પીડિતાની માતાએ કહ્યું હતું કે અમે ખાનગીમાં બાળકીનું મેડિકલ કરાવ્યું, જેમાં તેને ગુપ્ત ભાગમાં સોજો અને ઇજાના નિશાન હતાં. રિપોર્ટના આધારે પોલીસે દુષ્કર્મની કલમ 377ને ઉમેરી હતી. પોક્સો બાદ પણ પોલીસે સક્રિયતા નહીં દાખવી. પરિવારનો આરોપ છે કે સૂરજ પાંડે કોર્પોરેટરનો સગો છે, જેના કારણે પોલીસ તેને બચાવી રહી છે.
તબીબ : મેં તો ફક્ત પેઇનકિલર આપી
બાળકીની ઘર નજીકના ક્લિનિકના તબીબે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં બાળકીની માતા તેને લઇને આવી હતી. તેણે જણાવ્યું હતું કે બાળકીના ગુપ્ત ભાગે દુખાવો થઇ રહ્યો છે. મને આ પોલીસ કેસ લાગ્યો, જેથી મેં તપાસ નહીં કરી, ફકત પેઇનકિલર આપી. બાળકીની માતાએ કહ્યું હતું કે ફરિયાદ નોંધાઈ છે, તેથી મેં દવા આપી.
બાળકીને બચાવનાર મહિલા પર પણ હુમલો
બાળકીને બચાવનાર પાડોશની 50 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે અમે પેલા છોકરાને શોધી રહ્યા હતા કે એક ઘરમાંથી વાસણ પડવાનો અવાજ આવ્યો. અમે દરવાજો ખખડાવ્યો. દરવાજો નીચેથી થોડુંક તૂટેલો હતો, જેમાંથી જોતાં આરોપી બાળકી સાથે ખોટું કામ કરી રહ્યો હતો. અમે દરવાજો અફાળ્યો. આરોપીએ મારા મોઢા પર મુક્કો મારી નાસી છૂટયો.
મારા મોઢામાં કપડું ભરાવી દીધું : પીડિતા બાળા
પીડિતાએ જણાવ્યું કે પેલો ભાઇ આવ્યો અને મને ચોકલેટ અને પૈસા આપ્યાં. બાદમાં મારો ફોટો લીધો. મને ધાબા પર લઇ ગયો. હું ડરીને ઘરમાં ભાગી ગઇ. ત્યાં પણ આવ્યો. મારા મોઢામાં કપડું ભરાવી દીધું. ત્યાર બાદ તે મારી સાથે ગંદી હરકત કરવા લાગ્યો.
અમે મેડિકલ કરાવ્યું હતું
તપાસ અધિકારી પીએસઆઇ ભારતી નિરંજનીએ જણાવ્યું હતું કે ‘અમે મેડિકલ કરાવ્યું હતું. ડોકટરની કેફિયતના આધારે કલમો લગાવી છે. પહેલા છેડતીની કલમ લગાવી. બાળકીની માતાને ખબર ન હતી. તે પહેલાંથી જ કહી રહી હતી કે કંઇ થયું નથી. ઘરે જઇ બાળકીએ માતાને જણાવતાં તે ફરી પોલીસ મથકે આવી. તેણે જેવું કહ્યું એ લખ્યું છે.
પરિવાર હજુ પણ આવી શકે છે
ડીસીપી જોન-3 વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા તો કંટ્રોલમાં જે ફોન આવ્યો એ મારામારીનો હતો. કેટલાક દિવસ પછી ફરિયાદીએ કહ્યું કે છેડતી થઇ છે. ફરી ફરિયાદ લઇને મેડિકલ માટે મોકલી. રિપોર્ટ બાદ બીજી કલમો ઉમેરી આરોપીની ધરપકડ કરી. હજુ પણ તપાસ મામલે પરિવારને શંકા હોય તો તે અમારી પાસે આવી શકે છે.
સીધી વાત – અલ્પેશ ચૌધરી, પીઆઈ, પાંડેસરા
બાળકીનું મેડિકલ કેમ ન કરાવાયું ?
પીઆઇ: જો મેડિકલ નહીં કરાવાયું હોત તો તે એડમિટ કેવી રીતે થઈ.
દુષ્કર્મની કલમો કેમ નહીં ઉમેરી ?
પીઆઇ: 26 ફેબ્રુઆરીએ બાળકીની માતા બીજી સમસ્યા લઈને આવી હતી. કંટ્રોલને પહેલો જે કોલ આવ્યો એ બાળકીના પિતાના ઝઘડાનો હતો. આરોપીના મામાનું ઘર બાળકીના ઘર પાસે છે. તે પોતાના મામાના ઘરે જઇ રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે તે તેમની સોસાયટીમાં કેમ આવે છે. આ મુદ્દે ઝઘડો થયા બાદ 100 નંબર પર ફોન આવતાં પીસીઆર વેન આવી. આરોપીને પોલીસ મથકે લવાયો હતો.
ફરિયાદ કેમ લેટ દાખલ કરાઈ
પીઆઇ: બાળકીની માતા ફરીથી 26 ફેબ્રુઆરીએ આવી. ત્યારે તેણે કહ્યું હતું કે બાળકી સાથે ખોટું થયું છે. પહેલાં આવી કોઈ વાત થઈ ન હતી. ત્રણ-ચાર દિવસ પછી આવી વાત સામે આવી. ખબર પડતાં બાળકીનું મેડિકલ કરાવવામાં આવ્યું. જે કલમો લગાવવાની હતી એ અમે દાખલ કરી છે.