રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસના કારણે ચિંતિત હાઇકોર્ટે એડવોકેટ જનરલને તાત્કાલિક બોલાવી સુઓમોટો કેસની સુનાવણી હાથ ધરી હતી અને સરકારને આકરા પ્રશ્નો પૂછ્યા હતા અને 3થી 4 દિવસનો કર્ફ્યૂ લાદવાનો નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે જુદા જુદા પ્રસંગોએ 200 માણસોએ ભેગા થવાની લિમિટ ઓછી કરી નાખવી જોઈએ. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સરકારે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. માત્ર 9 થી 6નો કર્ફ્યુ હવે કોઈ પરિણામ આપી શકે એમ નથી. કોઇ પોલિટિકલ ફંકશન, સોશિયલ ફંકશનને મંજૂરી ન મળે તે જોવાની જવાબદારી તમારી છે. તમે શું કરી શકશો બતાવો? સરકારે જવાબમાં કહ્યું હતું કે લોકોએ સમજવાનું છે કે આ લડાઈ કોરોના અને લોકો વચ્ચેની છે. સરકારે જરૂરી પગલાં લેવા હાઇકોર્ટને ખાતરી આપી હતી.
‘ઝડપથી નીતિ બનાવી નિર્ણય લો, ફરીથી લોકડાઉન લાવવું પડશે’
ચીફ જસ્ટિસ: અમદાવાદની સ્થિતિ અત્યંત ખરાબ થઇ રહી છે. પરિસ્થિતિ કાબુ બહાર જઇ રહી છે. ગઇકાલે 773 કેસ હતા. કેટલાક લોકો કહે છે કે આ આંકડા પણ સાચા નથી બની શકે કદાચ તેના કરતા પણ વધુ પોઝિટિવ આંકડા હશે. ગુજરાતની સ્થિતિ પણ સારી નથી. મારે ગુજરાત જ્યુડિશ્યરીને સાચવવાની છે અને તમારે ગુજરાતના લોકોને. કોરોનાને અટકાવવા તમે કયા પગલાં લઇ રહ્યા છો? અને સ્થિતિને કન્ટ્રોલ કરવા શું પગલાં લેશો? તમારે ગંભીરતાથી કોઇ પગલા લેવા પડશે, માત્ર 9 થી 6 નો કર્ફયુ હવે કોઇ પરિણામ આપી શકે તેમ નથી. લોકડાઉન કે 3-4 દિવસનો કર્ફ્યૂ લાવવાની જરૂરિયાત છે. તે પછી સ્થિતિ જોઇને આગળ બીજો નિર્ણય લેવો જોઇએ. અમે હવે વિચારી પણ નથી શકતા કે આટલી ભયાનક સ્થિતિને નિયત્રંણમાં લેવા શુ કરી શકાય? જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં સ્થિતિ સારી હતી અચાનક માર્ચમાં કોરોનાનો આંક ખરાબ રીતે વધી રહ્યો છે.
એડવોકેટ જનરલ: લોકોએ સમજવાનું છે આ લડાઇ કોરોના અને પબ્લિક વચ્ચેની છે. સરકાર પગલા લઇ રહી છે. લોકોએ ભેગા થવાનું ટાળવાનુ છે. આ બધુ લોકોએ સમજવાનું છે. લોકડાઉન એ એકમાત્ર વિકલ્પ નથી. સરકાર પૂરતા પગલાં લઇ રહી છે. હોસ્પિટલમાં બેડ વધાર્યા છે, ટેસ્ટિંગ વધાર્યા છે, લોકોમાં બહાર નીકળવાનો ડર હોવો જરૂરી છે.
ચીફ જસ્ટિસ: અમને લાગે છે તમારે એક વાત પર ધ્યાન રાખવુ જોઇએ, મોટાપાયે લોકોને ભેગા થવા પર પગલાં લેવા જોઇએ. ભેગા થવાની તમારી લિમિટ ઘટાડી દેવી જોઇએ. લગ્ન, રાજકીય મેળાવડા અને સામાજીક પ્રસંગોમાં ભેગા થવાની લિમિટ 50થી પણ ઓછી કરી દેવાની જરૂર છે. હોલની સાઇઝમાં 5 ફટમાં એક જ વ્યકિત રહે તે રીત મંજૂરી આપવાની નીતિ તમારે બનાવવી જોઇએ. 200 માણસની ભેગા થવાની લિમિટ તાત્કાલિક કટ ડાઉન કરી દો. પોતાના ફેમિલી સિવાય મરણમાં કોઇને નહી બોલાવવા અંગેની નીતિ પણ અમલી બનાવવી જોઇએ.
ચીફ જસ્ટિસ: ગુજરાતની જીલ્લા સહિતની જ્યુડિશ્યરીના સભ્યો પણ રોજના 8-9 જેટલા સંક્રમિત થઇ રહ્યા છે. હાઇકોર્ટના પૂર્વ રજીસ્ટ્રાર પણ સંક્રમિત થયા છે તેમની સ્થિતિ પણ ક્રિટિકલ છે. હાઇકોર્ટના જજીસ પણ પોઝિટિવ આવી રહ્યા છે. તેમના પરિવારજનો પણ સંક્રમિત થઇ રહ્યા છે અમને સમજાઇ નથી રહ્યુ કે આ સ્થિતિને કેવી રીતે નિયત્રંણમાં લઇ શકાય? કોરોના કેસ વધી રહ્યા છે અને સરકારે ખાનગી હોસ્પિટલોમાં ડેઝીગ્નેટેડ કરવાની બંધ કરી દીધી છે તેના પર તાત્કાલિક અમલ કરવો જોઇએ. સરકારે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. ગુજરાતમાં 3000 જેટલા દર્દી વધી ગયા છે.
એડવોકેટ જનરલ: અમે તરત જ આજે તેના પર પગલાં લેવાના છીએ, નિષ્ણાતો સાથે બેઠક ચાલી રહી છે.
ચીફ જસ્ટિસ: કોઇ પોલિટિકલ ફંકશન, સોશિયલ ફંકશનને મંજૂરી ન મળે તે જોવાની જવાબદારી તમારી છે. તમે શું કરી શકશો બતાવો?,
મુખ્ય સરકારી વકીલ: રેમડેસીવર અને બીજી દવાઓ પણ સરળતાથી મળી રહે તે માટે પણ સરકાર પગલા લઇ રહી છે.
ચીફ જસ્ટિસ: દવાઓ કે ઇન્જેકશન સરળતાથી મળી રહે તે માટે પગલા લેજો.તેના અભાવને લીધે કોઇને સહન કરવું પડે તેવું ન બનવું જોઇએ.
જસ્ટિસ કારિયા: કોરોના સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવેલા વ્યકિતને કોર્પોરેશન કેવી રીતે નિયત્રંણમાં લઇ શકે છે? તેની વિગતો જણાવો.
એડવોકેટ જનરલ: કોર્પોરેશન પરિવાર અને તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા જણાવે છે અને કવોરેન્ટાઇન કરવામાં આવે છે.
જસ્ટિસ કારિયા: જો પોઝીટીવના સંપર્કમાં આવેલા લોકોની ચેઇન તુટશે તો સ્થિતિ વધુ ખરાબ થશે. તમારે લોકોને ટેસ્ટ કરવા પણ જાગૃત કરવા જોઇએ.
એડવોકેટ જનરલ: સરકાર કાયમ લોકોને ટેસ્ટ કરવા આગ્રહ કરે છે. કોરોના વિસ્ફોટ થયો છે તે નિષ્ણાતો માને છે. પરતું જે લોકો સંક્રમિત થાય છે તે ઝડપથી સાજા પણ થઇ જાય છે.
જસ્ટિસ કારિયા: ગયા વર્ષ કરતા મરણનો આંકડો વધુ બતાવે છે તો પગલા પણ સખત લેવાવા જોઇએ.
ચીફ જસ્ટિસ: તમે અમારો વ્યુ તમારા સરકારના ઉચ્ચ જવાબદારને જણાવી દે જો અને ઝડપથી આ મામલે નીતિ બનાવી નિર્ણય લો. નહી તો તમારા હાથમાંથી આ સ્થિતિ જશે. ફરીથી લોકડાઉન લાવવું પડે. 3-4 દિવસ પછી કર્ફ્યૂ તમને મદદ કરશે. ગયા વર્ષે પણ આ રીતે ક્રમશ: તમે કામ કર્યુ હતુ. દરેક ઓફિસોમાં 50 ટકા માણસોની કામ કરવાની નીતિ ફરી લાવો.