- અમદાવાદ સિવિલમાં 11 બાળક કોરોનાની સારવાર માટે દાખલ છે, જેમાંથી બેની હાલત ગંભીર
- બાળકોમાં ચીડિયાપણું, ઝાડા-ઊલટી, ખાવાનું ઓછું લેવું પણ કોરોનાનાં લક્ષણો: ડૉ. ચારુલ મહેતા
અમદાવાદ શહેરમાં હવે કોરોના નાનાં બાળકોને ટાર્ગેટ બનાવી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં ત્રણ બાળકોનાં મોત થયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 11 બાળકો સારવાર લઇ રહ્યા છે. જેમાં બે બાળકો ગંભીર હાલતમાં છે. આ સમગ્ર સ્થિતિ અતિથી અતિ ગંભીર થઈ શકે છે. બીજી તરફ સિવિલના નિષ્ણાત ડોક્ટર કહી રહ્યા છે કે બાળકોમાં કોરોનાની હવે ગંભીર અસર પણ થઈ રહી છે. જેમાં અચાનક લોહીનું ભ્રમણ રોકાઈ જવું તેમજ રેસ્પીરેટરી સિસ્ટમને અસર થઈ રહી છે.
નાનાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ
અમદાવાદમાં રેકોર્ડ બ્રેક કોરોનાનાં કેસ વધી રહ્યા છે. કોરોનાંથી બચવા માટે અનેક લોકો સારવાર પાછળ દોડી રહ્યા છે. પરંતુ હવે ખૂબ જ ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં હવે નાના બાળકો કોરોનાનાં કારણે સંક્રમિત થઈ રહ્યા છે. જેના લીધે હવે બાળકોના મોત પણ કોરોનાના લીધે થઈ રહ્યા છે.
સિવિલમાં 3 બાળકોનાં કોરોનાથી મોત
સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચારુલ મહેતાએ દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું કે ચાંદલોડિયા વિસ્તારના 8 વર્ષીય બાળકનું મોત 5 એપ્રિલના રોજ થયું હતું. મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકીનું મોત 3 એપ્રિલના રોજ થયું. અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું 23 માર્ચના રોજ થયું હતું મોત થયું હતું.
બાળકોમાં લક્ષણો ન દેખાયાં, સુપર સ્પ્રેડર બની શકે
બીજી તરફ ચારુલ મેહતાએ જણાવ્યું કે, બાળકોમાં ભૂખ ઓછી થઈ જવી, ચીડિયાં પણું, ઝાડા-ઉલટી પણ કોરોનાનાં લક્ષણો છે. જેમાં ઘણી વખત બાળકોમાં લક્ષણો ન હોય અને અન્યના સપર્કમાં આવે તો તે સુપર સ્પ્રેડર બની શકે છે. તેની સાથે બાળકો માતા-પિતાને ફોલો કરતા હોય છે. જેથી પેરેન્ટ્સ જ બાળકોમાં કોરોના પ્રોટોકોલ સમજાવે અને તે પ્રમાણે ઘરમાં અનુસરે તો બાળકોમાં સમસ્યા અંકુશમાં રાખી શકાય છે.
સુરતમાં પણ 10 વર્ષના બાળકનું મોત
સુરતમાં કોરોનાના કેસ હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.
તબિયત બગડતાં ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો
મોટાવરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો, જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.