કરજણસ્થિત ટોલનાકા નજીક આવેલી ઇસ્કોન પેપર મિલમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખી મિલ આગની ઝપેટમાં આવી હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતાં મેજર કોલ જાહેર કરી વડોદરા અને પાદરી ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. જોકે આગ એટલી વિક્રાળ છે કે એની પર કાબૂ મેળવવો ફાયરના જવાનો માટે મુશ્કેલ બન્યું છે, જેથી મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવાની કામગીરી ચાલે એવી પૂરી શક્યતા છે.
3 કલાક બાદ પણ આગ બેકાબૂ
બનાવ અંગે ફાયરબ્રિગેડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યાની આસપાસ કરજણ ટોલનાકા નજીક આવેલા લકોદરા ગામ સ્થિત આવેલી ઇસ્કોન પેપર મિલમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જોકે કોલ મેજર હોવાથી કરજાણ અને વડોદરા તેમજ પાદરાથી ફાયરબ્રિગેડની કુલ 6 જેટલી ગાડી તાત્કાલિક સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ઘટનાને 3 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે છતાંય હજી પેપર મિલમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો નથી.
