છત્રસાલ સ્ટેડિયમમાં જૂનિયર નેશનલ પહેલવાન સાગરની હત્યાના આરોપમાં જેલમાં બંધ બે વખત ઓલ્મિપિક મેડલિસ્ટ સુશીલ કુમારની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં જોવા મળી શકે છે કે ઓલિમ્પિયન સુશીલ કુમાર મિત્રોની સાથે હોકી સ્ટીકથી સાગરને માર મારી રહ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ વીડિયો ઘટનાવાળા દિવસે સુશીલ કુમારે પોતે પોતાના મિત્રના મોબાઈલ વડે શૂટ કરાવ્યો હતો, કે જેથી કુશ્તી સર્કિટમાં પોતાનો ખૌફ યથાવત રહે. તસવીરોમાં ઘાયલ પહેલવાન 23 વર્ષના સાગર ધનખડને જમીન પર પડેલો જોઈ શકાય છે. આરોપી સુશીલ કુમાર અને ત્રણ અન્યએ તેને ઘેરી લીધા છે. તમામના હાથમાં હોકી સ્ટીક પણ છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા મુજબ, 4 મેની રાત્રે 1.15થી 1.30 વચ્ચે છત્રસાલ સ્ટેડિયમના પાર્કિગ એરિયામાં પહેલવાનના બે જૂથોમાં અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું. જેમાં 5 પહેલવાન ઘાયલ થઈ ગયા. જેમાં સાગર (23), સોનૂ (37), અમિત કુમાર (27) અને 2 અન્ય પહેલવાન સામેલ હતા. સાગરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. તે દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલનો પુત્ર હતો. જણાવવામાં આવે છે કે આ ઝઘડો પ્રોપર્ટી વિવાદને લઈને થયો હતો.

સુશીલ પર એક લાખ તો તેમના સહયોગી અજય પર 50 હજારનું ઈનામ પણ જાહેર કરાયું હતું
લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ પણ સુશીલ આ મામલે પોલીસનો સાથ આપવા માટે સામે ન આવ્યો. આ કારણે તેના વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં દિલ્હી પોલીસે સુશીલ પર 1 લાખ રૂપિયા અને તેના PA અજય વિરૂદ્ધ 50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. હાલ બંને પોલીસની પકડમાં છે.