કોટડાસાંગાણીના રામોદ અને વાદિપરા ગામે વાવાઝોડા દરમિયાન પડી ગયેલા વીજપોલ ઉભા કરી વીજ પુરવઠો શરૂ કરવાનુ કામ ગોકળગાયની ગતીએ ચાલતુ હોવાથી ખેડૂતોમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
દસેક દિવસ પુર્વે તાઉતે વાવાઝોડાના કારણે કોટડાસાંગાણી પંથકમા વીજપોલ ધરાશાયી થવાના અનેક બનાવો સામે આવ્યા હતા.ત્યારબાદ તાબડતોબ કામગીરી શરૂ કરવાની મસમોટી વાતો પીજીવીસીએલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી પરંતુ હજુએ કોટડાસાંગાણી રામોદ અને વાદિપરા ગામની સીમ વિસ્તારમા પડી ગયેલા વિજપોલ ઉભા કરી વિજ પુરવઠો શરુ કરવાનુ કામ ધીમી ગતીએ ચાલુ હોવાથી ખેડુતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.અનેક ખેડુતોને વાડીમા વીજળી નહી મળવાથી કૂવામાથી ખેડુતો સિંચાઈ કરી શકતા નથી જેના કારણે અવેડા તેમજ પાણીની કુંડીઓ ન ભરાઈ શકાતી હોવાથી માલ ઢોરને પીવાના પાણીના પણ ફાંફા પડવા લાગ્યા છે.
ત્યારે કોટડા સાંગાણી રામોદ અને વાદીપરા ગામની સીમમા પડી ગયેલા વીજપોલને ઉભા કરવામાં કોટડાસાંગાણી પીજીવીસીએલ કચેરી ઉણી ઉતરી હોઈ તેમ લાગી રહ્યુ છે. રામોદ ગામની સીમમા પડી ગયેલા વીજપોલને ઉભા કરી વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી ગોકળગાયની ગતીએ ચાલતી હોવાથી ખેડુતોમા રોષ ભભુકી ઉઠ્યો છે.આ અંગે ગામના રાજકીય આગેવાનો અને અધિકારીઓને રજૂઆત કરવા છતા તેઓ દ્વારા ફક્ત આશ્વાસન જ અપાતા હોવાનુ ખેડુતો જણાવી રહ્યા છે.તો બીજી તરફ તાલુકાના વાદીપરા ગામની પણ આજ સ્થિતિ હોવાનુ ગામના ખેડુતો જણાવી રહ્યા છે.
ગામની સીમમા તાઉતે વાવાઝોડાના કારણે અનેક સ્થળે વીજપોલ ધરાસાઈ થયાના બનાવો સામે આવ્યા હતા જે બાદ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાની વાહિયાત વાતો કરતુ પીજીવીસીએલ તંત્ર ગોકળ ગાયની ગતિએ કામ કરે છે. જેના કારણે હજુએ વાડી વીસ્તારમા અનેક ખેડુતોની વાડિએ વીજ પુરવઠો પૂર્વવત થયો નથી. જેના કારણે ખેડુતો માલઢોરને ગામમા લાવવાની ફરજ પડી છે.ત્યારે વહેલી તકે વાદિપરાની સીમ વીસ્તારમા પડી ગયેલા વીજ પોલ યુધ્ધના ધોરણે ઉભા કરી તાત્કાલિક વાદિપરા ગામની તમામ સીમમા વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વાદીપરાના અડધો અડધ વિસ્તારમાં પુરવઠો શરૂ
અત્યારે અમારી પાસે જે મેનપાવર છે તેઓ ઓફીસ સમય કરતાં પણ અનેકગણો વધુ સમય આ કામગીરી કરી રહ્યા જ છે. જેમ બને તેટલું જલદી જ અમે બધું પૂર્વવત કરી દેવા પ્રયત્નો કરીએ છીએ. વાદિપરા લાઈન બાજુ એક ગાડી છે જ, જે બધો સર્વે કરે છે. હાલમાં પચાસ ટકા વાદીપરા સીમમા પાવર ચાલુ પણ થઈ ગયો છે. બાકીની કામગીરી પણ તાકીદે કરી દેવામાં આવશે. કોટડાસાંગાણીના રામોદમા રામપરા ફિડર જે છે, તેની અંદર કોન્ટ્રાકટરની હાલમા ત્યાં બે ટીમથી કામગીરી ચાલુ છે. > ડી. પી. રાઠોડ, નાયબ ઈજનેર,પીજીવીસીએલ કચેરી,કોટડાસાંગાણી