- કોરોના બાદ બાળકોમાં તાવ અને પેટમાં પાણી ભરાવાની સમસ્યા
- વાઇરસ વિરૂધ્ધ બનેલી એન્ટિબોડી વધુ સક્રિય થઈ ફેફસા, હૃદય, કિડની, લિવર સહિતનાં અંગોને નુકસાન કરે છે : ડો. ગામી
- 88 બાળકોની અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ
કોરોના બાદ બાળકોમાં નવા પ્રકારનો રોગ બહાર આવ્યો છે જે અત્યાર સુધી માત્ર અભ્યાસમાં જ દેખાયો છે અને એક લાખે એક બાળકને અને તે પણ પશ્ચિમી દેશોમાં થતો તેના 100થી વધુ કેસ રાજકોટમાં નોંધાયા છે અને માત્ર સિવિલ હોસ્પિટલમાં જ 12 બાળ દર્દીઓએ સારવાર લીધી છે.
કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે?
બાળકોની આંખો લાલ થવી, જીભ લાલ થવી, દાણા નીકળવા, સોજા ચડવા તેમજ પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યા અચાનક વધી ગઈ છે. તબીબોએ આ અંગે અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરતા મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન (MIS-C) હોવાનું નિદાન થયું છે. ડો. રાકેશ ગામીના જણાવ્યા અનુસાર આ રોગ PIMS પીડિયાટ્રીક મલ્ટીસિસ્ટમ ઈન્ફલામેન્ટ્રી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય છે. કોરોના થયા બાદ 4થી 6 અઠવાડિયા પછી અમુક બાળકોમાં આ રોગ જોવા મળ્યો છે.
અન્ટિબોડી રક્ષણ કરવાની જગ્યાએ ડેમેજ કરે છે
અત્યાર સુધી આ માત્ર સ્ટડીમાં જ હતો કોરોના થયા બાદ શરીરમાં એન્ટિબોડી બને છે. બાળકોમાં આ એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતા શરીરના દરેક કોષ પર અસર કરે છે. શરીરનું રક્ષણ કરવાને બદલે ડેમેજ કરે છે. આ કારણે સખત તાવ આવે, ઝાડા ઊલટી થાય, જીભ હોઠ તેમજ આંખ લાલ થઈ જાય છે. આવા બાળદર્દીમાં રોગનું નિદાન કરવા માટે કોવિડના એન્ટિબોડી ટેસ્ટ, ડી ડાઈમર, ફેરિટિન, એલડીએચ, સીબીસી તેમજ તમામ ઈન્ફ્લામેન્ટ્રી માર્કરના રિપોર્ટ તેમજ બાળકને બીજી કોઇ ગંભીર બીમારી નથી તે જાણીને એમઆઈએસ-સીનું નિદાન થાય છે. રાજકોટ શહેરમાં 100થી વધુ દર્દીની સારવાર થઈ ચૂકી હોય તેવો અંદાજ ડો. યજ્ઞેશ પોપટે વ્યક્ત કર્યો છે.
50 ટકાએ કહ્યું, કોરોના થયો નથી પણ બધામાં એન્ટિબોડી પોઝિટિવ નીકળ્યા
ડો. રાકેશ ગામીએ જણાવ્યું કે આ રોગના નિદાન માટે સૌથી પહેલા કોરોના એન્ટિબોડી ટેસ્ટ કરાય જેથી ખબર પડે કે ભૂતકાળમાં કોરોના થયો હતો કે નહીં. મેડિકલ હિસ્ટ્રી માટે પૂછાતા 50 ટકા માતા-પિતાએ તેમના બાળકને કોરોના થયો નથી તેવું કહ્યું હતું પણ એન્ટિબોડી ટેસ્ટમાં બધા પોઝિટિવ આવ્યા છે અને 200થી 250 જેટલું પ્રમાણ ધરાવે છે. જે સાબિત કરે છે કે મોટાભાગના બાળકોને કોરોના થાય છે પણ એસિમ્ટોમેટિક હોવાથી જણાતું નથી અને આપમેળે રિકવર થઈ જાય છે. 5થી 15 વર્ષના બાળકોમાં એમઆઈએસસીનું પ્રમાણ એ પણ દર્શાવે છે કે જે બાળકો બહાર રમે તેવી ઉંમરના છે તેમને સંક્રમણ લાગ્યું છે.
3 દિવસમાં ફરક ન પડે તો ટોસિલીઝુમેબ
એમઆઈએસ સીના કેસ વધતા નેશનલ એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે સારવાર માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ આ રોગનું નિદાન થયા બાદ આઈવીઆઈજી ઈન્જેક્શન કે જે માનવ રક્તમાંથી બનેલી એન્ટિબોડી છે તે આપવાના હોય છે. આ એક ઈન્જેક્શનની કિંમત 10થી 17 હજાર રૂપિયા હોય છે અને વજન મુજબ 2 ગ્રામ પ્રતિ કિલો આપવાનું હોય છે. આ સાથે મિથાઈલપ્રેડનીસોલોન સ્ટેરોઇડ 10થી 30 એમજી પ્રતિ કિલો મહત્તમ 1 ગ્રામ દિવસ મુજબ આપવાના રહેશે. આ સારવાર બાદ પણ 3 દિવસ સુધી ફરક ન પડે તો ફરી આઈવીઆજી રીપિટ કરવાના અથવા છેલ્લા માર્ગ તરીકે ટોસિલીઝુમેબ આપવા પડશે.
MIS-Cને કારણે થતી તકલીફો
- ત્રણ દિવસથી વધુ તાવ
- ઝાડા-ઊલટી
- હાથ પગમાં સોજા
- પેટમાં પાણી ભરાય
- લિવર પર સોજો
- બ્લડપ્રેશર ઘટી જાય
- આંખ, હોઠ, જીભ લાલ થઈ જાય
- શરીરમાં ચકામા અને દાણા દેખાય
સારવાર માટે આ પગલાં લેવાય
- એન્ટિબાયોટિક
- આઈવી- આઈજી
- થોડી માત્રામાં સ્ટેરોઈડ