કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કરાયું, ચીનમાં 426 લોકોના મોત; 20,000થી વધુને ઈન્ફેક્શન

india
  • કેરળમાં સોમવાર સુધી 3 કેસ નોંધાયા છે, 1800 લોકોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશમાં રાખી સારવાર કરાય છે
  • ચીનમાં 15થી વધારે શહેર લોકડાઉન, હુબેઈ શહેરમાં મંગળવાર સુધી 426 લોકોના મોત

નવી દિલ્હી/હુબેઈ: ચીનમાં મંગળવાર સુધી કોરોના વાઈરસ ના કારણે 426 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 20,383 કેસ નોંધાયા છે. કેરળ સરકારે સોમવારે કોરોના વાઈરસને સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 3 કેસ નોંધાયા છે. દરેક લોકો થોડા દિવસ પહેલાં જ ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનથી પરત આવ્યા છે. અંદાજે 1800 લોકોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે.

ચીનના 15થી વધારે શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. તેનાથી અંદાજે 6 કરોડ લોકોના ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સમગ્ર દુનિયાના ડોક્ટર્સ વૈશ્વિક મહામારી રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના સતત ફેલાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા અને ચીન સિવાય અન્ય સાત દેશોમાં કોરોનાનું ઈન્ફેક્શન ફેલાયું છે.

કોરોના વાઈરસ પર નજર રાખવા માટે એક કમિટી બનાવવામાં આવી
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષ વર્ધન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી, અશ્વિની કુમાર ચૌબે અને મનસુખ લાલની એક કમિટી બનાવાવમાં આવી છે. તેઓ સતત કોરોના વાઈરસ રોકવાનો પ્રયત્ન કરશે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખશે.

ઘણાં દેશોએ તેમના લોકોને ચીનથી પરત બોલાવ્યા
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે અસ્થાયી રીતે અન્ય દેશોના તે નાગરિકોના આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેમણે તાજેતરમાં ચીનની યાત્રા કરી હોય. વિયતનામે પણ ચીનથી આવતી-જતી દરેક ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાએ 3 ફેબ્રુઆરીથી ચીન સાથેની રેલવે સેવા સસ્પેન્ડ કીર દીધી છે. ભારત, અમેરિકા, જર્મની, ઈરાન અને શ્રીલંકા સહિત ઘણાં દેશોએ ચીનથી તેમના નાગરિકોને પરત બોલાવી લીધા છે. નેપાળ પણ તેના દેશના લોકોને પરત બોલાવી રહ્યા છે.

20થી વધારે દેશોમાં ઈન્ફેક્શન ફેલાયુ
ચીનમાં કોરોના વાઈરસનો પહેલો કેસ ડિસેમ્બરમાં વુહાનમાં નોંધાયો હતો. 20થી વધારે દેશમાં તેનું ઈન્ફેક્શન ફેલાયું છે. WHOએ 31 જાન્યુઆરીએ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દીધી છે જેથી મહત્વના પગલા લઈ શકાય. અત્યાર સુધી જાપાનમાં 20, થાઈલેન્ડમાં 19, સિંગાપોરમાં 18, હોંગકોંગ અને દક્ષિણ કોરિયામાં 15-15, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં 12-12, તાઈવાનમાં 10, અમેરિકામાં 11, મકાઉ, મલેશિયા અને વિયતનામમાં 8-8, ફ્રાન્સમાં 6, યુએઈમાં 5, કેનેડામાં 4, ઈટાલી, રશિયા, ફિલિપાઈન્સ, બ્રિટનમાં 2-3, ભારતમાં 3, નેપાળ, કંબોડિયા, સ્પેન, ફિનલેન્ડ, સ્વીડન અને શ્રીલંકામાં 1-1 કેસ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *