- મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે અમે કોરોના સામે લડી રહ્યા હતા ત્યારે ભાજપ સરકાર પાડવામાં વ્યસ્ત હતી
- તેમણે કહ્યું- વર્ષોથી કોંગ્રેસે દેશમાં લોકશાહી બચાવી રાખી છે, દેશમાં હવે જે સ્થિતિ સર્જાઈ છે તે અગાઉ જેવી નથી
- ભાજપના ગુલાબચંદ કટારિયા, ડૉ. સતીશ પૂનિયા અને રાજેન્દ્ર રાઠોડ પર કેન્દ્રના ઇશારે કામ કરવાનો આરોપ
જયપુર. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે આક્ષેપ કર્યો કે કેન્દ્રીય નેતૃત્ત્વના ઇશારે ભાજપના નેતાઓ તેમની સરકાર ઊથલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને 25-25 કરોડ રૂ.ની લાલચ અપાઇ રહી છે. તેમને 10 કરોડ રૂ. એડવાન્સ અને 15 કરોડ રૂ. સરકાર ગબડ્યા બાદ આપવાનું કહેવાઇ રહ્યું છે. ગેહલોતે ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા, પ્રદેશપ્રમુખ ડૉ. સતીશ પૂનિયા અને વિધાનસભામાં વિપક્ષના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડના નામ લઇને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સરકાર ઊથલાવવા ભાજપ બધી જ હદ પાર કરી ચૂક્યો છે. એક તરફ રાજ્ય સરકાર કોરોના મહામારી સામે લડી રહી છે ત્યારે બીજી તરફ ભાજપ સરકાર ઊથલાવવા વ્યસ્ત છે. તેણે મહારાષ્ટ્રમાં બહુમતી ન હોવા છતાં સરકાર રચવા પ્રયાસ કર્યો. અરુણાચલમાં કોંગ્રેસને બહુમતી છતાં તેની સરકાર ન બનવા દીધી. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે પક્ષપલટો કરાવી સરકાર ઊથલાવી.
કોંગ્રેસનો ભાજપ પર પ્રલોભન આપવાનો આક્ષેપ
ભાજપ ધર્મ-જ્ઞાતિનું રાજકારણ કરીને લોકશાહીની હત્યા કરી રહ્યો છે. નોંધનીય છે કે રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ફોર્સે ધારાસભ્યોની સોદાબાજી અને સરકારને અસ્થિર કરવાના આરોપસર શુક્રવારે કેસ દાખલ કર્યો હતો, જે મામલે શનિવારે 2 શખસની ધરપકડ કરાઇ છે. ગત 19 જૂને રાજસ્થાનમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી પૂર્વે શાસક કોંગ્રેસે તેના કેટલાક ધારાસભ્યોને ભાજપ દ્વારા પ્રલોભનો અપાયાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે તે અંગે સ્પેશિયલ ફોર્સને ફરિયાદ કરી હતી. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 ધારાસભ્યમાંથી 107 કોંગ્રેસના જ્યારે 72 ભાજપના છે. 13માંથી 12 અપક્ષ ધારાસભ્યનું પણ કોંગ્રેસને સમર્થન છે.
સચિન પાઇલટના સવાલ અંગે અશોક ગેહલોતે કહ્યું- કોણ મુખ્યમંત્રી બનવા નથી માગતું
સરકાર પાડી દેવાનાં પ્રયાસો વચ્ચે જ્યારે ગેહલોતને પુછવામાં આવ્યું કે, નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ પણ મુખ્યમંત્રી બનવા માગે છે તો તેમણે તરત જ કહ્યું કે, ‘કોણ મુખ્યમંત્રી નથી બનવા માગતું એ કહો? અમારી તરફથી 5-7 ઉમેદવાર સીએમ બનવા લાયક હશે, પરંતુ માત્ર એક જ સીએમ બની શકે છે.’ રાજસ્થાનમાં આજ સુધી હોર્સ ટ્રેડિંગ થયું નથી. જે પાર્ટીના નામથી જીતીને આવ્યા છે, પાર્ટીએ તેમને ઓળખ આપી છે.
ગુલાબચંદ કટારિયા પર કટાક્ષ – કોંગ્રેસમાં તેમના જેવા નેતા માટે કોઈ સ્થાન નથી
ગેહલોતે કહ્યું, મ.પ્ર.માં વિરોધપક્ષને જ સરકારમાં સામેલ કરી દેવાયો છે. હું આશા રાખું છું કે ગુલાબચંદ કટારિયા આવું વિચારતા નહીં હોય. જોકે, તેમના જેવા લોકો માટે કોંગ્રેસમાં સ્થાન નથી. આ લોકો તેમના ટોચના નેતાના ઈશારે કામ કરી રહ્યા છે. લોકોને ખ્યાલ આવી રહ્યો છે.
વસુંધરા રાજે અંગે ગેહલોતે કહ્યું-તેમનું નામ આજકાલ ઓછું સંભળાય છે
ગેહલોતે કહ્યું કે, વસુંધરાજીનું નામ આજકાલ કામ લાગે છે. તેમણે બે વખથ બે વખત કોંગ્રેસે નહીં, ભાજપના નેતાઓએ જ સીએમ બનાવ્યા છે. જે બે વખત સીએમ બની જાય એ ચહેરો તો પબ્લિકમાં રહે જ છે. તમે તેમનો ઉપયોગ નથી કરી શકતા અને કહો છો કે કોંગ્રેસમાં જુથવાદ છે.
ડુંગરપુર-બાંસવાડાના ધારાસભ્યોને પ્રલોભન આપવા 3 અપક્ષ ગયા હતા
ડુંગરપુર અને બાંસવાડાના ધારાસભ્યોને પ્રલોભન આપી પોતાની સાથે મુલાકાતના મામલે એસીબીએ શનિવારે ત્રણ અપક્ષ ધારાસભ્ય વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે. તેમાં મહુવાના ઓમપ્રકાશ હુડલા, અજમેર કિશનગઢના સુરેશ ટાંક અને પાલી મારવાડ જંક્શનના અપક્ષ ધારાસભ્ય ખુશવીર સામેલ છે. પહેલીવાર એવું થયું છે કે એસીબીએ આ પ્રકારના મામલે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે. એસીબી તપાસમાં મોટી રકમ મળી હોવાનું પણ બહાર આવ્યું છે.
રાજસ્થાનમાં ધારાસભ્યની ખરીદી એ ક્યારેય પરંપરા રહી નથી
ગહલોતે કહ્યું કે ભાજપ નેતા સતીશ પૂનિયા, રાજેન્દ્ર રાઠોડ જે પ્રકારની રમત કરે છે તે રાજસ્થાનની પ્રજા સારી રીતે સમજી ગઈ છે. એડવાન્સમાં રૂપિયા 10 કરોડ આપી રહ્યા છે. પછી રૂપિય 15 કરોડ આપવાની વાત કરે છે. પ્રદેશમાં અત્યાર સુધી પરંપરા રહી નથી. અમે હોર્સ ટ્રેડિંગ કર્યું નથી. તેઓ જે કંઈ ખેલ કરી રહ્યા છે તે બધુ સૌની સામે જ છે. રાજસ્થાનમાં આ પ્રકારનો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે મધ્ય પ્રદેશમાં ઘટના બની છે. એવી જ સમાન સ્થિતિ રાજસ્થાનમાં થઈ જાય.
કોંગ્રેસ ધારાસભ્ય રમીલાએ કહ્યું-અમે વેચાઈ જઈએ તેવા નથી, ભાજપે કહ્યું- સરકાર ફોન ટેપ કરી રહી છે
કુશલગઢના ધારાસભ્ય રમીલા ખડિયાએ આ ઘટના અંગે કહ્યું છે કે મારો કોઈ ભાજપ નેતાએ સંપર્ક કર્યો નથી. આ વાત ખોટી છે. હું તેને નકારી રહ્યો છું. અમે જન્મજાત કોંગ્રેસી છીએ. વેચાઈ જઈએ તેવા નથી. બીજી બાજુ ભાજપ નેતા રાજેન્દ્ર રાઠોડ કહે છે કે SOG દ્વારા દાખલ કેસની સ્ક્રીપ્ટ રાજ્ય સરકાર સ્તર પર લખવામાં આવી છે. તેનાથી સાબિત થઈ જાય છે કે સરકાર ધારાસભ્યોના ફોન ટેપ થઈ રહ્યા છે. તે ભાજપ વિરુદ્ધ ષડયંત્ર છે. અમે કાર્યવાહી કરશું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીષ પૂનિયાએ કહ્યું- સરકાર આંતરીક વિવાદનો શિકાર છે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પૂનિયાએ કહ્યું છે કે કોરોનાને લઈ રાજ્ય સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. આ વાત પરથી ધ્યાન હટાવવા માટે રાજસ્થાન સરકાર વિવિધ પ્રકારના ષડયંત્ર રચી રહી છે. ખરીદ-વેચાણના જે આરોપ લગાવવામાં આવ્યા છે તે ભાજપને બદનામ કરવા માટેનો પ્રયાસ છે. રાજ્ય સરકાર આંતરિક મતભેદોનો શિકાર છે.