- 9 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી મુક્ત કરાયા, જ્યારે વધુ 6 વિસ્તારનો સમાવેશ
- હવે શહેરમાં 203 માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર
અમદાવાદ. કોરોના વાઈરસના કેસમાં છેલ્લા 2 અઠવાડિયાથી થઈ રહેલો ઘટાડો અટક્યો છે. લગભગ 14 દિવસ પછી શહેરમાં કોરોનાના નવા 182 કેસ નોંધાયા છે. આમ 14 દિવસે આંકડો 180થી ઉપર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4 દર્દીના મૃત્યુ પણ થયા હતા. શહેરમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક પણ 24 હજાર નજીક અને મૃત્યુઆંક 1537એ પહોંચ્યો છે. મ્યુનિ.એ કેસની સમીક્ષાને આધારે 9 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કર્યા છે. જ્યારે નવા 6 વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોની કુલ સંખ્યા 203 થઈ છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ કોરોના પોઝિટિવના નવા 17 કેસ નોંધાયા છે.
AMTS-BRTSમાં 339 ટેસ્ટ કરાયા, 2 પોઝિટિવ મળ્યા
બીઆરટીએસ અને એએમટીએસમાં પણ 339 એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. જેમાં બેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. બીઆરટીએસમાં કરાયેલા 285 ટેસ્ટમાંથી એકપણ પોઝિટિવ ન હતો.
કોરોના સંક્રમિત ડોક્ટરોને 25 હજાર સહાય મળી નથી
કોરોનાથી સંક્રમિત થનારા મ્યુનિ. હોસ્પિટલના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને 25 હજાર વળતર ચૂકવવા નિર્ણય લેવાયો હતો. પરંતુ હજુ સુધી એકપણ ડોક્ટરને સહાય મળી નથી. અત્યાર સુધી એસવીપી હોસ્પિટલમાં 33 અને એલજી હોસ્પિટલમાં 20 ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વાઈરસનો ચેપ લાગી ચૂક્યો હતો.
ખાનગી હોસ્પિટલો દાખલ કરવામાં વિલંબ કરે છે
મ્યુનિ.એ 62 હોસ્પિટલો સાથે કોરોનાની સારવારના કોન્ટ્રાક્ટ કર્યા છે અને તેમની સારવાર મફતમાં કરવામાં આવે છે. જો કે, મ્યુનિ. દ્વારા ખાનગી હોસ્પિટલમાં મોકલાતા દર્દીઓને દાખલ કરવામાં આ હોસ્પિટલો ઘણો વિલંબ કરતી હોય છે.
પાલડીથી વીએસ સ્મશાનગૃહ લઈ જવા 5200 ભાડું લેવાયું
ફાયરબ્રિગ્રેડ પાસે શબવાહીનીની અછત હોવાથી નાગરિકોને સમયસર શબવાહીની મળતી નથી. મ્યુનિ. ભાજપના એક ઉચ્ચ હોદ્દેદારના અંગત પરિવારજનનું મૃત્યુ થતાં તેમને શબવાહીની મળી શકી ન હતી. માત્ર પાલડી બોડીલાઇન ચારરસ્તા થી વીએસ સ્મશાનગૃહ સુધી બોડી લઇ જવાના રૂ.5200 વસૂલાયા હતા. ફાયરબ્રિગ્રેડ પાસે 14 શબવાહીની છે, જેમાં 2 કાયમ બગડેલી છે જ્યારે સારી હાલતમાં હોય તેવી 12 શબવાહીની પૈકી મોટાભાગના શબવાહીની કોવિડ શબ માટે ફાળવવામાં આવી છે.