- સુરતમાં મંગળવારે કોરોનાના 291 નવા કેસ આવ્યા
- સુરતમાં સિનિયર વકીલ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનું પણ કોરોનાને પગલે નિધન
સુરત. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની રફતાર યથાવત રહી છે. મંગળવારે શહેર અને જિલ્લામાં કોરોનાને લીધે 20 લોકોએ જીવ ખોયો હતો.જ્યારે 262 લોકો સાજા થઈ ઘરે ગયા હતા.મંગળવારે પણ ડોકટર,નર્સ,મેડિકલ સ્ટાફ અને રત્નકલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.મંગળવારે સિનિયર વકીલ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનું પણ કોરોનાને પગલે નિધન થઈ ગયું હતું. જ્યારે ગુજરાતમાં એક જ સપ્તાહમાં અંદાજે 2000 નવા કેસ નોંધાયા અને 77 મોત થયાં છે.
મંગળવારે શહેર અને જિલ્લામાં કુલ 291 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જેને પગલે કુલ પોઝિટિવ લોકોની સંખ્યા 8950 થઈ ગઈ છે. જ્યારે મંગળવારે 262 લોકોએ કોરોનાને માત આપી ડિસ્ચાર્જ લીધું હતું.સાજા થઈ ગયેલાઓની કુલ સંખ્યા 5483 થઈ ગઈ છે.મંગળવારે 20 લોકોએ જીવ ખોતા કુલ 375 લોકો કોરોનામાં મૃત્યુ પામી ચૂક્યા છે.જ્યારે હાલ 3092 લોકો કોરોના સાથે સારવાર લઈ રહ્યા છે. સુરતમાં વધી રહેલા કેસ અને મોતના પગલે ટેક્સટાઈલ માર્કેટ સ્વયંભૂ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અનેક ઠેકાણે બપોર પછી દુકાનો, ઓફિસો બંધ કરવાનું નક્કી કરાયું છે.
ગુજરાતમાં એક જ સપ્તાહમાં અંદાજે 2000 નવા કેસ નોંધાયા, 77 મોત થયાં
મંગળવારે ગુજરાતમાં કોરોનાના નવા 915 કેસ નોંધાતા હવે કુલ આંકડો 43,723 પર પહોંચ્યો છે. છેલ્લાં સાત દિવસમાં સાત દિવસમાં નવા કેસની સંખ્યા 2000ની આસપાસ રહી છે. આઠ જુલાઇથી લઇને ચૌદ જુલાઇ સુધીમાં કુલ 1985 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત હવે ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થઇ રહ્યો છે. હાલ આ સંખ્યા 11,098 આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 749 દર્દીઓ સાજા થતાં હવે રીકવર થયેલાં દર્દીઓનો કુલ આંક 30,555 પર પહોંચ્યો છે જે 70 ટકા જેટલું પ્રમાણ છે. હાલ ગુજરાતમાં રીકવરી રેટ 69.88 ટકા પર છે અને તે ધીમો ઘટાડો દર્શાવી રહ્યો છે.
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં વિવિધ ઠેકાણે 14 લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા છે.આ સાથે ગુજરાતમાં કુલ 2,070 મૃત્યુ થયાં છે. છેલ્લાં સપ્તાહમાં મૃત્યુનો આંકડો 77 નોંધાયો છે. અને હાલ રાજ્યનો મૃત્યુદર 4.73 ટકા રહ્યો છે. હજુ પણ 71 દર્દીઓની હાલ ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 3.36 લાખ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4.78 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.