- અમેરિકાની જોન હોપ્કિન્સ સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધકોએ આ રિસર્ચ કર્યું
- સંશોધકોનું કહેવું છે કે, કાનમાં સંક્રમણની સ્થિતિમાં કોઈ સર્જરી કે સારવાર પહેલાં કોવિડ-19ની તપાસ કરવી જોઈએ
કોરોનાવાઈરસ કાન અને તેની પાછળ જોડાયેલા હાડકાં મેસ્ટૉઈડને પણ સંક્રમિત કરી શકે છે. આ પ્રકારના 2 કેસ અમેરિકામાં જોવા મળ્યા છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, 3 સંક્રમિતોમાંથી 2 લોકોને કાન અને 1 વ્યક્તિમાં મેસ્ટૉઈડમાં કોરોનાવાઈરસ જોવા મળ્યો હતો.
અમેરિકાની જોન હોપ્કિન્સ સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધકોનું કહેવું છે કે, જે લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે, તેમના કાનની પણ તપાસ થવી જોઈએ. હવે રિસર્ચમાં સાબિત થયું છે કે, કોરોનાવાઈરસ શરીરના અંદરના કોઈ પણ ભાગમાં પ્રવેશી શકે છે. તે નાક, ગળાં અને ફેફસાંને સંક્રમિત કરી શકે છે. કાનમાં કોરોનાવાઈરસની હાજરી ચોંકાવનારી છે.
60 વર્ષના પુરૂષ અને 50 વર્ષની મહિલામાં કોરોનાવાઈરસ મળ્યો
JAMA ઓટોલાર્ય્નગોલોજી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, માથા અને ગળાંની સર્જરી કરનારી ટીમે કોરોનાના 3 દર્દીઓનું અવલોકન કર્યું છે. આ તમામ 3 દર્દીઓનું મૃત્યુ થયું છે. તેમાં 1 મહિલા અને 1 પુરૂષની ઉંમર 60 વર્ષની હતી અન્ય એક મહિલા 80 વર્ષના હતા. તેમનાં શરીરનાં અંગોમાંથી સ્વૉબ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
3માંથી 2 દર્દીઓના કાનમાં કોરોનાવાઈરસ મળ્યો
80 વર્ષની ઉંમરની મહિલાના જમણાં કાનમાં કોરોનાવાઈરસ જોવા મળ્યો હતો. 60 વર્ષના પુરૂષના ડાબાં અને જમણાં બંને મેસ્ટૉઈડમાં કોરોનાવાઈરસ જોવા મળ્યો હતો. સંસોધકોના મત અનુસાર, આ પ્રથમ વખત નથી કે કોરોના કાનના કોઈ ભાગમાં જોવા મળ્યો હોય. એપ્રિલ 2020માં પણ કાનમાં સંક્રમણ જોવા મળ્યું હતું, ત્યારે દર્દીના ઈયર ડ્રમમાં સોજો આવી ગયો હતો.
કાનમાં સંક્રમણ થવા પર સારવાર પહેલાં કોવિડ-19ની તપાસ જરૂરી
આ પ્રકારના 20 દર્દીઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમનામાં કોરોનાવાઈરસનું સંક્રમણ જોવા મળ્યું ન હતું તેમજ કાનમાં કોઈ તકલીફ પણ ન હતી, પરંતુ સંક્રમણ ફેલાયા બાદ કાનની સાંભળવાની ક્ષમતા પર અસર પડી હતી. પરિસ્થિતિ સમય જતાં ગંભીર બની હતી. જોન હોપ્કિન્સ સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધકોનું કહેવું છે કે, કાનમાં સંક્રમણની સ્થિતિમાં કોઈ સર્જરી કે સારવાર પહેલાં કોવિડ-19ની તપાસ કરવી જોઈએ.