- પાકિસ્તાનના કરાચી એરપોર્ટથી અમુક કિલોમીટર દૂર શુક્રવારે પ્લેન ક્રેશ થયું
- ક્રેશ થયા પહેલા જ પ્લેનના એન્જિનમાં આગ લાગી ચૂકી હતી
- વિમાન ઝીણા એરપોર્ટ પર લેન્ડિંગમાં 3 વખત નિષ્ફળ
કરાચી. પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે એક ભીષણ વિમાન દુર્ઘટના સર્જાઈ. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ)ના એક વિમાનનું એન્જિન ફેલ થયા પછી વિમાન એરપોર્ટ નજીક મોડલ કોલોનીમાં તૂટી પડ્યું હતું. લાહોરથી રવાના થયેલા આ વિમાનમાં 85 પ્રવાસી અને 12 ક્રૂ મેમ્બર હતા. આ દુર્ઘટનામાં ફક્ત 2 લોકો જીવતા બચી શક્યા છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અન્સારી નકવી અને બેન્ક આૅફ પંજાબના પ્રેસિડેન્ટ જફર મસૂદ દુર્ઘટનામાં બચી ગયા હતા. મોડી સાંજ સુધીમાં 19 લોકોના શબ કાઢી લેવાયા હતા. વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી. વિમાનના પાઈલટે એટીસી સાથેની છેલ્લી વાતચીતમાં એન્જિન ફેલ થયાની માહિતી આપી હતી. તેના લેન્ડિંગ માટે બે રન-વે ખાલી કરાવાયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે એ-320 એરબસે ક્રેશ થતાં પહેલાં લેન્ડિંગ માટે બે-ત્રણ વખત પ્રયાસ કર્યા હતા.
ઇમરાન ખાને તપાસના આદેશ આપ્યાં
પ્રત્યક્ષદર્શી શકીલ અહેમદે કહ્યું કે ઘર પર પડતાં પહેલાં વિમાન એક મોબાઇલ ટાવર સાથે અથડાઈ ગયું હતું. દુર્ઘટનામાં અનેક મકાનો નુકસાનગ્રસ્ત થયા છે. મીડિયાના અહેવાલો અનુસાર આ વિમાન ચીન પાસેથી લીઝ પર લેવાયું હતું. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. ભારતના વડાપ્રધાન મોદીએ પણ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.
વિમાન ચીન પાસેથી લીઝ પર લીધું હતું
પીઆઇએના સીઇઓના જણાવ્યાનુસાર વિમાન 15 વર્ષ જૂનું હતું. હજુ એ સ્પષ્ટ નથી થયું કે એન્જિન ફેલ થવાના કારણ શું હતા? અધિકારીઓએ જણાવ્યું કે આ વિમાન ચીન પાસેથી લીઝ પર લેવાયું હતું. ભારતના પીએમ મોદીએ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.
બેન્ક ઑફ પંજાબના પ્રેસિડેન્ટ બચ્યા
પાક.ની બેન્ક ઑફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ પણ વિમાનમાં સવાર હતા. જોકે, તેમની હાલત ઠીક છે. વરિષ્ઠ પત્રકાર અન્સારી નક્વી પણ બચી ગયેલા લોકોમાં સામેલ છે.
લાહોરથી ઉડાન ભરી હતી
લાહોરથી આ એરક્રાફ્ટ 1 વાગ્યે ઉડ્યું હતું. તે 2.45 વાગ્યે કરાચી એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. તેના 9 મિનિટ પહેલા જ 2.33 વાગ્યે તે ક્રેશ થઇ ગયું. એક સાક્ષીના કહ્યા પ્રમાણે- પ્લેન સૌથી પહેલા એક મોબાઇલ ટાવર સાથે અથડાયું. ત્યારબાદ ઘરો પર ક્રેશ થયું. અહીંથી એરપોર્ટ અમુક કિલોમીટર જ દૂર છે.
પાઈલટના અંતિમ શબ્દો હતા…
મેડે, એટલે કે જીવ જોખમમાં છે
પાઈલટ-એટીસીની રેડિયો પર થયેલી વાતચીત કંઇક આ પ્રમાણે હતી..
પાઈલટ : અમારા એન્જિન ખરાબ થઈ ગયા છે.
કન્ટ્રોલ રૂમ : શું તમે બેલી લેન્ડિંગ માટે તૈયાર છો? 02:05 વાગ્યે રન-વે લેન્ડિંગ માટે ઉપલબ્ધ છે.
પાઈલટ : મેડે..મેડે..મેડે… થોડીક વાર પછી જ વિમાન ક્રેશ થઈ ગયું. રેડિયો સંપર્ક દરમિયાન જીવના જોખમને જણાવવા માટે 3 વખત મેડે કહેવાય છે. ફ્રેન્ચ શબ્દ મેડર પરથી ઉતરી આવેલા આ શબ્દનો મતલબ છે કે મારી મદદ કરો.
શું હોય છે મે ડે (mayday)કોલ?
કોઇ પણ પ્લેનનો પાયલટ કે શિપનો કેપ્ટન આ કોલ ક્યારેય કરવા માગતો નથી. જ્યારે પાયલટ અથવા શિપના કેપ્ટનને એવું લાગે કે હવે તે પ્લેન અથવા શિપને બચાવી નહીં શકે, ત્યારે તે એટીસી સાથે રેડિયો કમ્યુનિકેશન પર વાત કરે છે. છેલ્લા સફરની આશંકા સમયે કરવામા આવેલા આ કોલને જ મે ડે કોલ કહેવામા આવે છે.
એરલાઇન્સે શું કહ્યું?
પીઆઇએ પાકિસ્તાનની સરકારી એરલાઇન્સ કંપની છે. તેના ચીફ એક્ઝિક્યૂટિવ એર માર્શલ અરશદ મલિકે કહ્યું- પાયલટે છેલ્લી વાતચીતમાં જણાવ્યું કે એરક્રાફ્ટમાં ટેક્નિકલ ફોલ્ટ છે. એટીસીએ તેમને કહ્યું કે બે રનવે ખાલી છે. તેઓ ગમે ત્યાં લેન્ડ કરી શકે છે. પરંતુ તેણે એક ચક્કર લગાવવાનો નિર્ણય કર્યો. તેણે આવુ શા માટે કર્યું ? ટેક્નિકલ ફોલ્ટ શું હતો ? તેની અમે તપાસ કરીશું.
પ્લેન કેટલી ઉંચાઇએ હતું?
બપોરે 2.34 વાગ્યે પ્લેન 275 ફુટની ઉંચાઇએ હતું. એ સમયે લેન્ડિંગનો નિર્ણય લેવામા આવ્યો હતો. પરંતુ તરત જ તે ઉપર જતું રહ્યું. 2.40ના પ્લેન 525 ફુટની ઉંચાઇએ હતું. તે સમયે પાયલટ અને એટીસી વચ્ચે છેલ્લી વાતચીત થઇ. એવિએશન એક્સપર્ટ જફર ઇકબાલ કહે છે- મને શંકા છે કે પ્લેનની બોડીને નુકસાન થયું હશે. બની શકે કોઇ પક્ષી કે અન્ય કોઇ વસ્તુ અથડાઇ હોય.