કોરોનાનો કહેર / ગાંધીનગર સચિવાલય તથા સ્વર્ણિમ સંકુલના 30થી વધારે કર્મચારીને કોરોનાઃ એકનું મોત, સરકારી કર્મીઓમાં ફફડાટ

Gandhinagar Gujarat
  • સમગ્ર ગાંધીનગર શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1556 કોરોનાના કેસો, 45 વ્યક્તિઓના મોત

ગાંધીનગર. ગુજરાતમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. એટલું જ નહીં કોરોના હોટસ્પોટ પણ બદલાઈ રહ્યા છે. તે સંજોગોમાં હવે ગાંધીનગરમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે, સરકારી કચેરીઓ આવેલી છે એવા સચિવાલયમાં પણ અત્યાર સુધી 30થી વધુ કેસ આવ્યા છે, જેમાં એક કર્મચારીનું મોત પણ થયું છે. જેના પગલે સચિવાલય સહિતના સરકારી કર્મચારીઓમાં ડર ફેલાઈ ગયો છે,

નવા-જૂના સચિવાલયના કર્મીઓ કોરોના સંક્રમિત થયા
રાજ્યમાં વધતાં જતાં કોરોનાના કેસનો પગ પેસારો સચિવાલયમાં પણ થઈ ગયો છે, ગાંધીનગરના નવા-જૂના સચિવાલયમાં અત્યાર સુધીમાં અંદાજીત 30થી વધુ અધિકારી અને કર્મચારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં કૃષિ વિભાગના એક અધિકારીનું કોરોનાથી મૃત્યુ થતાં કર્મચારીઓમાં વધુ ફફડાટ ફેલાયો છે.

આરોગ્ય વિભાગે સરકારી કચેરીઓમાં થર્મલ સ્કિનિંગ સહિતની વ્યવસ્થા ગોઠવી
ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગે સેનેટાઇઝર, થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા ઊભી કરી છે. જ્યારે કર્મચારીઓ પણ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે. પરંતુ કોરોનાએ નવા અને જૂના સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ કરતાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

ગાંધીનગર ઉત્તરના MLA સી. જે. ચાવડાને પણ કોરોનાનું સંક્રમણ
કોરોનાના કેસોની વિગતો મુજબ ગાંધીનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1556 કેસ નોંધાયા છે. જેમાં સોમવારે 25 કેસ હતા, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કારણે આજદિન સુધી 25 વ્યક્તિના મોત થયા છે, ગાંધીનગર ઉત્તરના કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા પણ કોરોના સંક્રમિત થતાં તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમિતના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેના કારણે કોઇપણ વ્યક્તિ કોરોનામાં સપડાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *