સુરત મનપાની દાદાગીરી: અડાજણના દુકાનદારને ‘વેક્સિન કેમ નથી લીધી’ એવું કહીને 1000 રૂપિયા દંડ ફટકાર્યો

Gujarat Surat
  • વેક્સિન નહીં લેવા બદલ દંડનો કોઈ આદેશ નથી કરાયોઃ સુરતના આરોગ્ય કમિશનર

સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. હાલ દેશભરમાં વેક્સિન લગાવવાથી લઈને રાજ્ય પોતાના સ્તરે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ કરી રહી છે. સુરત મનપા લોકો પર જબરદસ્તીથી વેક્સિન લગાવવાનું દબાણ કરી રહી છે અને વેક્સિન નહીં લેનારા પાસે રૂ. 1000નો દંડ પણ વસૂલી રહી છે.

વેક્સિન નથી લીધી એટલે દંડ ફટકાર્યોઃ મનપાના કર્મચારી
અહીંના અડાજણ વિસ્તારમાં દિલીપ દુબેની પાનની દુકાન છે. તેમની ઉંમર 45થી વધુ છે. બીજી એપ્રિલે મનપાના કેટલાક કર્મચારીઓ તેમની દુકાને આવ્યા અને તેમની દુકાનમાં હાજર પંકજ દુબેને રૂ. 1000ના દંડની રસીદ પકડાવી દીધી. આ અંગે પંકજ દુબેએ સવાલ કરતાં તેમને કહેવાયું કે ‘દિલીપ દુબેએ હજુ સુધી વેક્સિન નહીં લેતાં આ દંડ ફટકારાયો છે.’ દિલીપ દુબેને આ વાતની ખબર પડતાં તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. નોંધનીય છે કે સરકારી આદેશ પ્રમાણે 1 એપ્રિલથી 45થી વધુ ઉંમરના તમામને વેક્સિન અપાઈ રહી છે. જોકે વેક્સિન નહીં લેવા મુદ્દે દંડ લગાવવાનો કોઈ આદેશ જારી નથી થયો.

વેક્સિન માટે દંડ ના વસૂલી શકીએ
45થી વધુ ઉંમરના લોકો વેક્સિન ના લે તો દંડની કોઈ જોગવાઈ નથી. આ રીતે મનપા દંડ ના વસૂલી શકે. આવો કોઈ આદેશ કેન્દ્ર કે રાજ્ય સરકારે કર્યો નથી. અડાજણની ઘટનાની તપાસ કરીશું. – ડૉ. આશિષ નાયક, આરોગ્ય કમિશનર, સુરત મનપા.

વેક્સિન કેમ નથી લીધી, એવું કહીને 1000 રૂપિયાની રસીદ પકડાવી દીધી
પંકજ દુબેએ કહ્યું હતું કે 30 માર્ચે મનપાના કર્મચારીઓ અહીં આવ્યા હતા. 2 એપ્રિલે પાછા આવ્યા. ત્યારે મેં તેમને કહ્યું કે ‘દિલીપ દુબે આજે વેક્સિન લઈ લેશે.’ પછી તેઓ જતા રહ્યા, પરંતુ થોડીવારમાં પાછા આવીને કહેવા લાગ્યા કે ‘તેમણે હજુ રસી નથી લીધી.’ આટલું બોલીને તેમણે રૂ. 1000ના દંડની રસીદ પકડાવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *