- રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં કરપ્શનનું ઓપરેશન, ટાંકા લેવાના દોરામાંથી પણ લાખો રૂપિયા સગેવગે કરાયા
- સુપરિન્ટેન્ડેન્ટ અને રાજકીય મળતિયાઓના ઈશારે ખરીદી કરી હોવાનો ઘટસ્ફોટ
અમદાવાદ. ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને મળતિયાઓએ 3 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સુપ્રિટેન્ડન્ટ દ્વારા 273%ના ઊંચા ભાવે 3 કરોડ રુપિયાની સર્જિકલ ચીજવસ્તુઓની ખરીદી કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ ચીજવસ્તુઓ ખરીદવા માટે સિવિલના સર્જરી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. જી.એચ.રાઠોડ દ્વારા મળતિયા કંપનીને બારોબાર ઓર્ડર આપી દેવાયો હતો. જે ચીજવસ્તુઓની ખરીદી કરાઈ તેમાં ખાસ કરીને સ્યુચર (ટાંકા લેવા માટે વપરાતા દોરા) સહિતના સર્જીકલ સાધનોનો સમાવેશ થયો છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા રાજકીય આગેવાનના સગાની કંપની પાસેથી 200થી 273% સુધીની ઉંચી કિંમતે સર્જરી માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખરીદવામાં આવી હતી.
ડૉ.રાઠોડ પાસે ઓક્ટોબર 2019થી એપ્રિલ 2020 સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ હતો. 18 ઓક્ટોબરે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા બે ડિમાન્ડ ફોર્મ ભરાયા હતા જેમાં દર્દીની સર્જરી બાદ ટાંકા લેવાના ઉપયોગમાં આવતા સ્યુચર સહિતની જુદીજુદી વસ્તુઓને ક્વોટેશનથી ખરીદી કરવા સ્ટોર મેનેજરને લેખીત ઓર્ડર કર્યો હતો. જેનો ભાંડાફોડ થયો છે.
નિયમ મુજબ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ પાસે એક સમયે ક્વોટેશન ઉપર 20 હજારથી વધુનો વર્ક ઓર્ડર આપવાની સત્તા નથી. તેમ છતા ઇમર્જન્સીમાં વસ્તુ ખરીદવી પડે એવા સંજોગોમાં હાયર ઓર્થોરિટીની મંજૂરી લેવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં સુપ્રિટેન્ડન્ટ દ્વારા એવી કોઈ મંજૂરી લેવાઈ નથી અને રાજકીય આગેવાનના ઈશારે બારોબાર મળતીયા કંપનીને વર્ક ઓર્ડર અપાયો હતો. મહત્વનું છે કે, તમામ વર્ક ઓર્ડર ક્વોટેશન આધારે અપાયા હતા. યુનિટી હેલ્થકેર કંપનીને ક્વોટેશન આધારે ઓર્ડર મળ્યો હતો. યુનિટી હેલ્થકેર કંપનીનો ભાવ ટેન્ડર રેટ કરતા 200થી 273% સુધી વધારે હતો. છતા તેને ઓર્ડર અપાયો હતો.
હોસ્પિટલોમાં ખરીદી માટે કંપનીઓ પાસેથી 1 વર્ષ માટે ભાવોના ટેન્ડર મંગાવાયા બાદ મળેલા ભાવો મુજબ વસ્તુઓની યાદી તૈયાર થાય છે અને પછી જરૂરિયાત મુજબ વસ્તુ મંગાવાય છે. આ કિસ્સામાં ટેન્ડરમાં મળેલા ભાવોને ધ્યાનમાં લીધા વગર ઉંચા ભાવે સર્જીકલ વસ્તુઓની ખરીદી કરાઈ હતી. કંપનીને બીજા વર્કઓર્ડરમાં સિવિલમાં રાજ્ય આરોગ્ય વિભાગને આ અંગેની ફરિયાદ મળી છે. ડૉ. રાઠોડ પાસેથી અધવચ્ચે સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ પરત લેવાનું કારણ આ પણ મનાય છે. સિવિલમાં સામગ્રી સપ્લાય કરતી આ કંપનીના માલીકો મોટા રાજકીય આગેવાનો સાથે ઘરોબો ધરાવે છે તેથી આ કેસમાં ભીનું સંકેલાય તો નવાઈ નથી.
200થી 273% ઊંચી કિંમતે ખરીદાયેલ વસ્તુ
સામગ્રી | ટેન્ડર રેટ | ક્વોટેશન રેટ | વધારો |
સિન્થેટિક સ્યુચર RB 31mm | 1680 | 3471.55 | 207% |
સિન્થેટિક સ્યુચર RB 40mm | 1810 | 3628.8 | 200% |
મોનાફિલેમેન્ટ સિન્થેટિક સ્યુચર | 2484 | 6481.04 | 261% |
મોનાફિલેમેન્ટ સિન્થેટિક સ્યુચર | 3620 | 8470.83 | 234% |
મોનાફિલેમેન્ટ સિન્થેટિક સ્યુચર | 4244 | 11004.94 | 259% |
મોનાફિલેમેન્ટ સિન્થેટિક સ્યુચર | 3510 | 9465.12 | 270% |
મોનાફિલેમેન્ટ સિન્થેટિક સ્યુચર | 3310 | 8522.84 | 257% |
મોનાફિલેમેન્ટ સિન્થેટિક સ્યુચર | 6330 | 17311.8 | 273% |
સ્ટીલ વાયર મોનાફિલેમેન્ટ SS | 2810 | 7018.1 | 250% |
સ્ટીલ વાયર મોનાફિલેમેન્ટ SS | 2810 | 7018.1 | 250% |
10 વર્ષથી ન વપરાયેલી વસ્તુઓ પણ ખરીદાઈ
સિવિલ હોસ્પિટલ દ્વારા 18 ઓક્ટોબરે 1) ઈફ્લુન્ટ મેજરિંગ સિસ્ટમ 10cm, 2) નોન આલ્કોહોલિક સોફ્ટ એન્ડ જેન્ટલ એડેસિવ પેસ્ટ ફોર સિલિંગ એરિયા અરાઉન્ડ સ્ટોમા 60gm અને 3) ડિવાઈઝ બેલ્ટ ફોર યુનિવર્સિલ પરટોઝ ખરીદ્યા હતાં. ઉપરોક્ત 3 વસ્તુઓની 10 વર્ષમાં સિવિલમાં ક્યારેય ખરીદી કરાઈ નથી.
બદલી થયેલા કર્મીની સહીથી ખરીદી કરાઈ
વર્ક ઓર્ડર ઉપર જામનગર ટ્રાન્સફર થયેલ મહેશ ખરાડીની સહી છે. ઓગસ્ટ 2019માં તેમની બદલી કરાઈ હતી. છતા આ કર્મીની વર્ક ઓર્ડર પર સહી છે. આ ઉપરાંત સરકારી કાગળો પર સ્ટોર ઈન્ચાર્જ ડૉ. મનિષ સુતરીયા અને ડૉ. જી.એચ.રાઠોડની સહી પણ છે.