આ છે ગુજરાતનું શિક્ષણ મોડલ?:પ્રાથમિક શાળાના રિઝલ્ટમાં ગુજરાતીમાં 160માંથી 173, સંસ્કૃતમાં 160માંથી 165, વિજ્ઞાનમાં 160માંથી 171 માર્ક્સ!

Gujarat
  • બનાસકાંઠા બાદ અરવલ્લીમાં રિઝલ્ટમાં છબરડા જોવા મળ્યા

પરીક્ષાનાં પરિણામમાં કુલ ગુણ કરતાં ઓછા ગુણ આવે તો વિદ્યાર્થીઓને ચિંતા થતી પણ ઉત્તર ગુજરાતમાં પરીક્ષાનાં પરિણામાં કુલ ગુણ કરતાં વધારે ગુણ અપાયાનું સામે આવતાં ચકચાર મચી છે. બે દિવસ પહેલાં થરાદ તાલુકાના મિયાલ નામના ગામની વિદ્યાર્થિનીની કુલ ગુણ કરતાં વધુ ગુણ દર્શાવતી માર્કશીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. હવે આવો જ છબરડો અરવલ્લી જિલ્લાની શાળામાં સામે આવ્યો છે.

ગુજરાતીમાં 160માંથી 173 ગુણ આપ્યા!
ભિલોડા તાલુકાની જાબચિતરીયા પ્રાથમિક શાળા 2માં ધોરણ 8માં અભ્યાસ કરતી અંકિતા ખાંટ નામની વિદ્યાર્થિનીની માર્કશીટમાં આઠ વિષયમાં કુલ ગુણ 1520 માંથી 1414 ગુણ દર્શાવવામાં આવ્યા છે. જો કે આ માર્કશીટમાં શાળા સત્તાવાળાઓ દ્વારા ગુજરાતી વિષયમાં કુલ 160માંથી 173 ગુણ આપવામાં આવ્યા છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં 160માંથી 171 ગુણ અપાયા છે.

અગાઉ પણ છબરડા થયા હતા
અગાઉ થરાદ પથંકમાં પણ કુલ ગુણ કરતાં વધુ ગુણ અપાયાના છબરડા સામે આવ્યા હતા. થરાદના કુંભારા પ્રા.શાળાના વિદ્યાર્થી રણજિત રાજગોરને સંસ્કૃતમાં 160માંથી 176 જ્યારે વડગામડાની અણદાજી ગોળિયા પ્રા.શાળાની વિદ્યાર્થીની માનસી પટેલને હિન્દીમાં 160માંથી 162 તેમજ રડકા અનુપમ પ્રા.શાળાના 29 બેઠક નંબર ધરાવતા વિદ્યાર્થીને 160 માંથી 258 માર્ક ગણિતમાં મળવા પામ્યા હતા. શાળા પરિવારે આ વખતે કોરોનાના કારણે એક પરીક્ષા નહી લેવાતાં તેમાંથી 40 માર્કસ ઓછો કરીને તેના ભાગાકાર કરવાની ભૂલ ભરેલી ફોર્મ્યુલાના કારણે આવી ભૂલો થઇ હોવાનું જણાવ્યું હતું. વિવાદને પગલે થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષક અને આચાર્યના ખુલાસા મેળવીને પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરી છે.

  • આવું કેમ થયું તે અંગે શિક્ષણ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા ના થઈ શકે કારણ કે આ જે-તે શાળાના શિક્ષકોની ભૂલ કે બેદરકારી છે. – વિનોદ રાવ, શિક્ષણ સચિવ, ગુજરાત સરકાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *