જગદીશ ઠાકોરે

Assembly elections 2022 પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓ જોશમાં, BJPના ભુક્કો બોલાવા કોંગ્રેસ એક ટીમ થઈ કામ કરશે

Gujarat Politics Politics
  • કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ગુજરાતમાં સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો છે.
  • ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ‘‘ટીમ કોંગ્રેસ’’ તરીકે એક સાથે લડશે.

અમદાવાદઃ ગુજરાતમાં મોટા મોટા દાવાઓ કરી માર્કેટીંગથી ઉભુ કરેલ ‘‘ભાજપ મોડેલ’’ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ એ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના વિચારોને વરેલો પક્ષ છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ગુજરાતમાં સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ‘‘ટીમ કોંગ્રેસ’’ તરીકે એક સાથે લડશે.

ગુજરાતની જનતા ભાજપને હટાવવા – સત્તા પરિવર્તનની રાહ જોઈ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ તમામ સમાજ – વર્ગના લોકોને સાથે રાખીને ગાંધીનગરમાં 27 વર્ષથી શાસન કરતી ભાજપની ભ્રષ્ટ સરકારના અહંકારનો ભુક્કો બોલાવશે. ગુજરાતમાં 50 લાખથી વધુ બેરોજગાર યુવાનોને ભાજપ સરકારે માત્ર નોકરીના ઠાલા વચનો આપ્યા છે.

જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારોહ

આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી – સંત્રી સાથેની ગોઠવણના લીધે  આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે.  ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે. કોંગ્રેસ પક્ષની સરકાર બનશે તો યુવાન ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવશે.

કોંગ્રેસ પક્ષ ખેડૂતો અને ખેતી અને ગામડાને બચાવવા માટે કટિબદ્ધ છે. કોંગ્રેસ સરકારની પહેલી કેબીનેટ મીટીંગમાં ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપ સરકારની ડર અને ભયની રાજનીતિ હવે નહીં ચાલે. ગરીબ – સામાન્ય વર્ગ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પર ખોટા કેસો કરવાની રીતિ – નીતિ ચલાવી લેવામાં નહીં આવે.

જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારોહ

પ્રદેશ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અણઘડ વહિવટ અને અવ્યવસ્થાને પરિણામે સરકાર જેવુ કશું લાગતુ નથી. કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. જે રેમડેસિવર અને ટોસીઝુમેબ જેવી ઈન્જેક્શન અને દવાઓ હોસ્પિટલમાં હોવા જોઈએ તેની જગ્યાએ કમલમ કેવી રીતે પહોંચ્યા ? કોંગ્રેસ પક્ષે વર્ષ 2022માં સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભાજપ મોડલ માર્કેટીંગ આધારે બનેલું છે. હકીકતમાં સંપૂર્ણ પણે ખોખલુ તંત્ર છે.

મોંઘવારી દૂર કરવાના વચનો આપનારી ભાજપ સરકારે સાત વર્ષમાં ક્યાંય ભાવ ઘટાડો કર્યો નથી. મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. ‘‘અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર’’ જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે.

જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારોહ

ગુજરાતના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયા સેવા અને સુવિધાને બદલે ઉત્સવો અને તાયફાઓમાં વેડફાય છે. હોસ્પિટલ અને સરકારી શાળાઓના આધુનિકરણ માટે ખર્ચ કરવાની જગ્યાએ ભાજપ વાયબ્રન્ટ ગુજરાત અને મળતિયા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા આપવાને પગલે ગુજરાત રાજ્ય ૨.૪૫ લાખ કરોડથી વધુનું દેવાદાર રાજ્ય બન્યું છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પદગ્રહણ સમારોહમાં જાહેર સભાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ છે. ગુજરાતમાં પ્રસ્થાપિત સળગતા પ્રશ્નોના હલ – ઉકેલ માટે હંમેશા પ્રયત્નશીલ રહેલું. ખેડૂત અને ગામનો દિકરો છું લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચન આપનાર ભાજપ સરકારના સાત વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે.

ત્યારે ખેડૂતોને પુરતા ટેકાના ભાવ મળે અને તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષનું સંગઠન અને વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ સંયુક્ત પણે કાર્ય કરશે. ભાજપ સરકાર દ્વારા આદિવાસી વિરોધી નીતિઓને કારણે વનવાસી બનાવવાની કામગીરી થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ આદિવાસીઓના હક્ક – અધિકાર માટે અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારોમાં ભાજપ સરકારને ઉખાડી ફેંકી તમામ આદિવાસી સીટો ઉપર કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાય તેવી કામગીરી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *