- મધ્ય ગુજરાતમાં ખેડૂતોએ કૃષિ બિલના વિરોધમાં આપેલા ભારત બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો
- કોંગ્રેસે વડોદરા અને ભરૂચ સહિત વિવિધ સ્થળોએ ટાયરો સળગાવીને કૃષિ બિલનો વિરોધ કર્યો
આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષ છે. વડોદરા શહેરમાં ભારત બંધની નહીંવત અસર જોવા મળી છે. વડોદરાનું છાણી બજાર સજ્જડ બંધ રહ્યું છે, પરંતુ વડોદરા શહેરની બજારો ખુલ્લી રહી છે. છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ સજ્જડ બંધ રહ્યુ છે. જોકે છોટાઉદેપુર, નસવાડી, બોડેલી, પાવી જેતપુર અને સંખેડામાં બંધનો ફિયાસ્કો થયો છે. આ ઉપરાંત ભરૂચમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ડેડિયાપાડા અને સાગબારામાં બંધનું એલાન સફળ રહ્યું છે અને તમામ દુકાનો બંધ રહી છે. જોકે રાજપીપળામાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.

100થી વધુ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી
વડોદરા, ગોધરા, દાહોદ, ભરૂચ અને સંતમરામપુરમાં 100થી વધુ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. વડોદરામાં કોંગ્રેસે ટાયરો સળગાવવા સહિત ફતેગંજ, એલ એન્ડ ટી સર્કલ, જાંબુવા બ્રિજ, સમા અને દુમાડ ચોકડી ખાતે ચક્કાજામ કર્યો હતો. જ્યારે ભરૂચ અને દહેજ વચ્ચેના હાઈવે પર અજાણ્યા શખસોએ ટાયરો સળગાવીને ટ્રાફિકજામ કર્યો હતો.

વડોદરામાં ખેડૂતોના બંધના સમર્થનમાં કોંગ્રેસનું પ્રદર્શન
ભારત બંધના સમર્થનમાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને પગલે વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવાબ્રિજથી તરસાલી તરફના હાઈવે પર કોંગ્રેસે ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો, જેને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. આ ઉપરાંત ભરૂચ જીલ્લાના સરભાણ ગામમાં ખેડૂતોના સમર્થનમાં વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો.

માજી ધારાસભ્ય જી.એમ. ડામોરને તેમના ઘરમાં જ નજરકેદ કરાયા
ખેડૂતોના ભારત બંધના એલાનને લઈને પોલીસ દ્વારા સંતરામપુરના દરેક વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે સજાગ બની ગઈ છે. ભારત બંધના એલાનને લઈને સંતરામપુરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસે માજી ધારાસભ્ય જી.એમ. ડામોરને તેમના ઘરમાં જ નજરકેદ કર્યાં હતા.


ખેડૂતોને મનાવવા પાટીલની કવાયત; મંત્રી, ધારાસભ્યો, સાંસદોને દોડાવ્યા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થોની ચૂંટણીઓ ફેબ્રુઆરી માસમાં યોજાઇ શકે છે. સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર હવે ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની યાદી બનાવવા કામે લાગી ગઇ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ ખેડૂતો માટેની વિવિધ બજેટ યોજનાઓ તથા તેમને મળવાપાત્ર વળતર ઉપરાંત અન્ય જાહેરાતો હવે ટૂંક સમયમાં થવા લાગશે. આ સાથે હવે ભાજપપ્રમુખ સી. આર. પાટીલે તાબડતોબ બેઠકો કરીને રણનીતિ ઘડવાનું શરૂ કર્યું છે. સોમવારે પણ પાટીલે ભાજપના વિવિધ કિસાન નેતાઓ સાથે કોન્ફરન્સ કરી ખેડૂત આંદોલનને ગુજરાતમાં નિષ્ફળ બનાવવા યોજના બનાવી હતી.

ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે
નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં આજે 8 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ બંધના એલાનની જાહેરાત કરી છે. એના સમર્થનમાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયાં છે. ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે કહ્યું હતું કે બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને જવા દેવાશે. સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો 9મી તારીખે યોજાવાની છે.