માસ્કના ભાવ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘમસાણ

Gujarat Gujarat Politics Politics
  • કોંગ્રેસ સોશિયલ મીડિયા ટીમે ભાજપના પ્રશાંત વાળા અને ઋત્વિજ પટેલને પોતાની ટ્વીટ ડીલીટ કરવા મજબૂર કર્યા.

અમદાવાદ: કોરોના અને લોકડાઉનના કારણે ઊભી થયેલ સ્થિતિના કારણે ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ વચ્ચે ખેંચતાણ જોવા મળી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર કોરોના સંકટ સમયે માસ્કની નફાખોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડાએ દાવો કર્યો છે કે જ્યારે સીએમ શ્રી વિજય રૂપાણી દ્વારા માસ્ક ન પહેરનાર પાસે 200 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા માસ્ક વેચાણની કિંમતમાં નફાખોરી કરવામાં આવી રહી છે સાથે સાથે તેમણે સરકારી પરિપત્ર પણ રજૂ કર્યો છે જેમાં N-95 માસ્ક ની મૂળ કિંમત 49.61 રૂપિયા આંકવામાં આવી છે અને સરકાર દ્વારા માસ્ક 65 રૂપિયા માં વેચવામાં આવે છે.

ગઇકાલે ગુજરાત કોંગ્રેસના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી જેમાં માસ્ક ની મૂળકિંમત અને વેચાણ કિંમત માં ફર્ક બતાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ બીજેપી મીડીયા ડિપાર્ટમેન્ટ ગુજરાત ના સ્ટેટ હેડ શ્રી પ્રશાંત વાળા અને ભાજપ યુવા મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી કે 49.61 રૂપિયા માં 18% જીએસટી અને પરિવહન ખર્ચ ઉમેરો તો 65 રૂપિયા જ થાય.

તેના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ‘જીએસટી વિષેના અધૂરા જ્ઞાન’ ને ખુલ્લા પાડતા ટ્વીટ કરી પ્રત્યુત્તર આપ્યાં હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશીયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી હેમાંગ રાવલે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે ” પરિપત્રમાં મહત્તમ ખરીદ કિંમત ની વાત થઈ છે એટલે તેનાથી વધુ કિંમત વસુલવી એ ગુન્હો ગણાય અને માસ્ક ઉપર જીએસટી 5% છે અને પ્રશાંત વાળા 18% ચૂકવવાનો દાવો કરે છે. “

‘વખાણેલી ખિચડી દાઢે વળગે’ તેમ કોંગ્રેસ તરફથી સત્ય સામે આવી જતાં શ્રી પ્રશાંત વાળા તેમજ ડૉ. ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલીટ કરી દેવાની ફરજ પડી હતી.

અત્રે ઉલ્લખનીય છે કે તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં સત્યને ઉજાગર કરી,આક્રમક રજૂઆત તેમજ આકરા પ્રત્યુતર આપવામાં આવી રહ્યાં છે અને જનતાની મૂશ્કેલીઓ, તંત્રની નિષ્ફળતા, ધમણ ૧ વેન્ટિલેટર નિષ્ફળતા, આરોગ્ય ની સુવિધાઓનો અભાવ, ખેડૂતોની વેદના, શ્રમિકોના પ્રશ્નો જેવા જાહેર હિતના મુદ્દાઓને પણ રોજ સોશિયલ મીડિયા ના માધ્યમો દ્વારા અસરકારક રીતે ઉજાગર કરવામાં આવે છે અને પ્રજા ના સાથ થી રોજ ટ્રેન્ડમાં આ મુદ્દા છવાયેલા રહે છે

સૂત્રોના જણાવ્યા મુજબ 18% GST વાળી ટ્વિટના કારણે ઘણા ભાજપના હોદ્દેદારોએ અને પત્રકારોએ પણ આની કોપી મારીને પોતાની વોલ પર મૂકી હતી અને તેમણે પણ શરમજણક પરિસ્થિતિમાં મુકાઈને આ કારણે મોવડી  મંડળ નો ઠપકો સાંભળવો પડ્યો હતો.

હવે જોવાનું એ રહ્યું કે ભાજપના આ નેતાઓનો અધૂરા જ્ઞાન નો ઘડો લઈ ક્યાં સુધી ચાલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *