ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી વિધાનસભાની, સ્થાનિક સ્વરાજ્યની હોય કે સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય, પરિણામોમાં ભાજપ વિજય મેળવતી રહે છે અને કોંગ્રેસને નિરાશા જ સાંપડતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ચિત્ર બદલાઈ રહ્યું છે.

૨૦૧૫ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર ગ્રામીણ વિસ્તારોમાં ડંકો વગાડ્યો હતો તો ત્યારબાદ પણ ઘણી બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજય મેળવ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પણ ૨૦૧૮ માં જીતીને કબજે કરી હતી.

ત્યારબાદ એક સમય પાછો એવો આવ્યો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખની ૨.૫ વર્ષની ટર્મ પૂરી થયા બાદ આંતરિક ચૂંટણીઓમાં કોંગ્રેસ ઘણી જગ્યાઓએ સત્તા ગુમાવવા લાગી અને ભાજપ તેનો ફાયદો ઉઠાવવા લાગી.

પરંતુ જો છેલ્લા એક વર્ષની પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતમાં પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજય બાદ તાજેતરમાં નગરપાલિકાઓના પ્રમુખ- ઉપપ્રમુખની ટર્મ પૂરી થવાના કારણે આંતરિક ચૂંટણીઓ યોજાઈ રહી છે, દર વખતે આવી પરિસ્થિતિઓમાં કોંગ્રેસ સત્તા ગુમાવતી હોય છે પરંતુ આ વખતે ઉલટા પરિણામ આવ્યા છે.

રાપર, ઉપલેટા, થરાદ, તળાજા, ભાયાવદર સહિતની નગરપાલિકાઓમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધા બાદ ખેડા જીલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં કોંગ્રેસે ૨૦ વર્ષ બાદ સત્તા મેળવી છે અને ભાજપે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે.

તો ખેડા જીલ્લાની જ ડાકોર અને ખેડા નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી છે અને અપક્ષના સભ્ય પ્રમુખ બન્યા છે. આમ ૨.૫ વર્ષ પહેલા ભાજપ જે નગરપાલિકાઓ જીતેલું તેમાંથી ૩ નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે અને તેમાં સ્થાનિક સ્તરે નબળી નેતાગીરી અને આંતરિક ડખા જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સંગઠન મજબુત કરશે તેવા દાવાઓ થઇ રહ્યા છે તો સામે છેડે તેમના પ્રમુખ બન્યા બાદ ભાજપમાં ઉંધી પરંપરા શરુ થઇ છે, જે પરિસ્થિતિઓનો સામનો કદી ભાજપે કર્યો નથી તેનું નિર્માણ થઇ રહ્યું છે અને એક પછી એક નગરપાલિકાઓમાંથી ભાજપ સત્તા ગુમાવતું જઈ રહ્યું છે જે આવનારા સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કોંગ્રેસની તરફેણમાં મોટો માહોલ ઉભો કરી શકે છે.

તો બીજીતરફ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાગ્યે જ બન્યું હશે કે કોઈ મહાનગરપાલિકાના ભાજપના ચાલુ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા હોય, આવું ગુજરાતમાં બન્યું તો ખરું અને તે પણ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં જ. રાજકોટમાં ભાજપના નગરસેવિકા દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાયા તો સાથે સાથે એબીવીપીના કાર્યકરો, ભાજપના કાર્યકરો, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર – એસો. પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.