માઈગ્રેશન બિલ / કુવૈતમાં વસતાં ગુજરાતીઓ કહે છેઃ પ્રસ્તાવિત કાયદાથી ગુજરાતીઓને મુશ્કેલીની શક્યતા ઓછી, છતાં હવે ભારત સરકારની દરમિયાનગીરી જરૂરી

india International Politics Politics
  • છેલ્લાં દોઢ દાયકાથી પ્રવાસીઓની સંખ્યા નિયંત્રિત કરવા અંગે વિવિધ નિયમોની કડકાઈ દાખવી રહેલ કુવૈત પ્રશાસનને કોરોના મહામારીએ મોકો આપ્યો છે
  • ગુજરાતીઓ મોટાભાગે ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા હોવાથી પ્રસ્તાવિત કાનૂન અમલી બને તો પણ ગુજરાતીઓને બહુ તકલીફ નહિ પડે તેવી આશા છે

નેશનલ ડેસ્ક, અમદાવાદઃ. હાલમાં કુવૈત સરકારે પ્રવાસીઓની સંખ્યા નિર્ધારિત કરવાનો ખરડો રજૂ કર્યો છે. આ ખરડો જો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તો આશરે 8 લાખ ભારતીયોને વતન પરત ફરવું પડશે. કુવૈતમાં હાલ 13 લાખ જેટલાં ભારતીયો છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા 35 હજારથી વધુ નથી. આ અંગે કુવૈતમાં વસતાં કેટલાંક ગુજરાતીઓએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2006ની મંદીના સમયથી જ કુવૈતમાં પ્રવાસીઓ માટે મુશ્કેલી વધી રહી છે. ગુજરાતીઓ ઉચ્ચ શિક્ષિત હોવાથી સંભવતઃ નવા કાયદાથી ખાસ મુશ્કેલી પડશે નહિ. આમ છતાં હાલનો ખરડો કાયદો બને એ પહેલાં ભારત સરકાર દરમિયાનગીરી નહિ કરે તો બહુ મોટી સંખ્યામાં ભારત પર બેરોજગારોનું ભારણ વધશે. 

શું છે કુવૈતનો નવો કાયદો?

  • કુવૈત સરકાર છેલ્લાં કેટલાંક સમયથી Kuwait for Kuwaiti પોલિસી લાગુ કરી રહી છે. એ મુજબ, પોતાના દેશમાં મૂળ નાગરિકો લઘુમતિમાં ન મૂકાઈ જાય એ હેતુથી અન્ય દેશોમાંથી આવેલા લોકો માટે સંખ્યા નિર્ધારિત કરવાની કવાયત ચાલી રહી હતી. 
  • કુવૈતના વડાપ્રધાન શેખ સબાહ અલ ખાલિદ અલ સબાહે ગત મહિને આપેલ સંકેત મુજબ, દેશમાં વિદેશીઓનું પ્રમાણ 70%થી ઘટાડીને 30% સુધી કરી દેવાની વિચારણા છે.  
  • હાલના પ્રસ્તાવિત કાનૂનમાં લાગુ થયેલી જોગવાઈ મુજબ, રોજગારી માટે કુવૈત આવેલા પ્રવાસી ભારતીયોની સંખ્યા દેશની કુલ વસ્તીના 15% હોવી જોઈએ. 
  • કુવૈતની કુલ વસ્તી 43 લાખ છે, જેમાં 13 લાખ જેટલાં મૂળ કુવૈતી છે. જ્યારે કે 30 લાખ જેટલાં અન્ય દેશોના પ્રવાસીઓ છે. 
  • કુવૈતમાં ભારત, પાકિસ્તાન, ઈજિપ્ત, ફિલિપાઈન્સ જેવા દેશોમાંથી આવેલા લોકો મુખ્ય છે, જેમાં ભારતીયોની વસ્તી આશરે 13 લાખ સાથે સૌથી વધુ છે. જેમાં ઈજિપ્ત અને પાકિસ્તાનના પ્રવાસીઓ મોટાભાગે અનસ્કિલ્ડ લેબર શ્રેણીમાં સમાવિષ્ટ છે. પ્રસ્તાવિત કાનૂન તેમના માટે વધુ મુશ્કેલી સર્જી શકે છે. 
  • પ્રસ્તાવિક કાનૂન અમલી બને તો 8 લાખ જેટલાં ભારતીયોને વતન પરત ફરવાની ફરજ પડી શકે છે. 
  • પ્રવાસીઓને એક વર્ષ સુધી ડ્રાઈવિંગ લાયસન્સ ન આપવું અને એક વર્ષ પછી તેઓ ફક્ત એક જ કારની માલિકી ધરાવી શકે એવી જોગવાઈ નવા કાયદા અંતર્ગત પ્રસ્તાવિત છે. 
  • પ્રવાસીઓએ પોતાની શૈક્ષણિક યોગ્યતા કુવૈતના માપદંડ કે ધોરણ અનુસાર એક્ઝામ આપીને પૂરવાર કરવી પડશે અને ત્યાં સુધી તેમને નીચલા ધોરણના ગ્રેડમાં સામેલ ગણવામાં આવશે. 

કુવૈત અને ભારતનો સંબંધ 

  • સમુદ્રી ખાડીના મુખદ્વાર પાસે આવેલો ટચૂકડો દેશ કુવૈત બેદુઈન આરબ શેખોના વિવિધ કબીલાઓની પરંપરાગત રિયાસત હતો. 
  • 19મી સદીના ઉત્તરાર્ધમાં શક્તિશાળી તુર્ક સામ્રાજ્યે દરિયાઈ વેપાર હસ્તગત કરવા કુવૈત હડપવાના પ્રયાસો કર્યા ત્યારે કુવૈતના શેખોએ બ્રિટનનું શરણું લીધું અને પોતાની ભૂમિ બ્રિટનને લિઝ પર આપી દીધી, બદલામાં બ્રિટનનું રક્ષણ મેળવ્યું. 
  • ખનીજતેલના આવિષ્કાર પછી દરેક ખાડી દેશોની માફક કુવૈત પણ ધનાઢ્ય બનવા લાગ્યું, પરંતુ મોટાભાગના તેલકૂવાઓ પર બ્રિટિશ કંપનીઓનું અધિપત્ય હોવાથી ખરો લાભ બ્રિટિશરો ખાટી જતા હતા. 
  • બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી કરાર મુજબ 1961માં બ્રિટિશ ચૂંગાલમાંથી મુક્ત થયેલા કુવૈત ખનીજતેલના લખલૂટ ભંડાર વડે સમૃદ્ધિનું નવું સરનામું બન્યું. 
  • જોકે કુવૈતની મજબૂરી એ હતી કે ખનીજતેલની છલોછલ સંપત્તિ છતાં સ્થાનિક સ્તરે શૈક્ષણિક કે ટેક્નિકલ યોગ્યતા ન હોવાથી તેણે મોટી સંખ્યામાં વિદેશીઓને આમંત્રિત કરવા પડ્યા. 
  • ભારતીયો ટેક્નિકલ જ્ઞાનમાં કુશળ અને યુરોપ-અમેરિકાના પગારધોરણની સરખામણીએ ઘણી જ ઓછી કિંમતે કામ કરવા તત્પર હોવાથી સિત્તેરના દાયકાથી કુવૈતમાં ભારતીયોની સંખ્યા સતત વધતી રહી છે, જે આજે આશરે 13 લાખ જેટલી થઈ ચૂકી છે. 
  • કુવૈતમાં વસતાં ભારતીયોમાં કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પંજાબ, રાજસ્થાન પ્રાંતના લોકો મુખ્ય છે. 

આ કાયદો લાવવાની કુવૈતને કેમ જરૂર પડી?

  • કુવૈત એ આરબ અમીરાત દેશ હોવા છતાં ગલ્ફના અન્ય દેશોની તુલનાએ અહીં વ્યક્તિગત આઝાદીનું પ્રમાણ ઘણું ઊંચું છે. ચૂંટાયેલી સંસદ અને પસંદ કરેલ સરકારના વડા તરીકે સબાહ પરિવાર (સ્થાનિક શેખ ફેમિલી)ના અમીર હોય છે. 
  • એશોઆરામમાં જીવવા ટેવાયેલા સ્થાનિક નાગરિકોની સરખામણીએ ભારત સહિતના વિવિધ દેશોમાંથી આવતાં શિક્ષિતો કે અશિક્ષિત મજૂરો કુવૈતની અનિવાર્ય મજબૂરી છે, પરંતુ તેમની સંખ્યા પર નિયંત્રણ લાવવું એ પણ કુવૈતની મજબૂરી બની રહી છે.
  • હાલમાં કોરોના મહામારીના કારણે કુવૈતને પ્રવાસીઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે કાનૂન લાવવાનું બહાનું મળી ગયું છે. વાસ્તવમાં આ દિશામાં કુવૈત પ્રશાસન લાંબા સમયથી પ્રયત્નશીલ છે. 
  • કુવૈતનો વિસ્તાર આશરે 18 હજાર ચો. કિમી. જેટલો છે, જેમાં શહેરી વિસ્તાર કુવૈત સિટી પૂરતો મર્યાદિત છે. મોટાભાગની વસ્તીનું કેન્દ્ર હોવાથી અહીં વાહનો અને માળખાગત સુવિધાઓનું ભારણ અતિશય વધી ગયું છે. 
  • હાલ જોકે કુવૈતની ચૂંટાયેલી સંસદમાં લિબરલ વિચારધારાનું પ્રમાણ ઊંચું છે અને સંસદ મોટાભાગે પ્રવાસીઓ માટેના કડક નિયમોનો વિરોધ કરે છે પરંતુ પસંદ કરેલ સરકાર અને તેનાં વડા અમીર પોતાના અબાધિત અધિકાર વડે નવા કાનૂન લાગુ કરી રહ્યા છે. 

કુવૈતના ગુજરાતીઓને હાલ તો મુશ્કેલી નથી પણ… 

  • કુવૈતમાં વસતાં ગુજરાતીઓ પૈકી મોટાભાગના શિક્ષિત છે અને એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, સોફ્ટવેર, મેડિકલ, એકાઉન્ટન્સી કે લિગલ ફિલ્ડમાં કામ કરતાં હોય છે. અનસ્કિલ્ડ લેબરનું પ્રમાણ ગુજરાતીઓમાં જૂજ છે. 
  • આમ છતાં વર્ષ 2018માં લાગુ થયેલા પ્રવાસીઓ માટે સુધારેલા નિયમો (જેને કુવૈતમાં નિતાકત કાનૂન કહેવાય છે) મુજબ કેટલાંક લોકોને શોષણનો ભોગ બનવું પડે છે. 
  • રિફાઈનરી કે ઓઈલ ફિલ્ડમાં કામ કરતાં પ્રવાસીઓ માટે સ્થાનિક માપદંડો પાસ કરવાનો નિયમ બે વર્ષ પહેલાં બન્યો ત્યારે થોડી મુશ્કેલીઓ સર્જાઈ હતી, પરંતુ ગુજરાતીઓને તેમાં પણ ખાસ વાંધો આવ્યો નથી. 
  • નિતાકત કાનૂન અનુસાર સ્થાનિક માપદંડ પાસ ન કરી શકેલા ગુજરાતીઓ ભારતમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓની ડીગ્રી મેળવેલા એન્જિનિયર હોય તો પણ અહીં તેમણે સુપરવાઈઝર, ફોરમેનના ગ્રેડ અને હોદ્દા પર કામ કરવું પડે છે, પરંતુ એ સ્વૈચ્છિક છે. એવી કોઈ ફરજ પાડવામાં આવતી નથી. 
  • પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સમક્ષ કુવૈત સ્થિત ભારતીયોના ડેલિગેશને મંત્રણા કર્યા બાદ બંને દેશોના વિદેશ મંત્રાલય વચ્ચે આ અંગે ચર્ચા થઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. 
  • સ્થાનિક સ્તરે ગુજરાતીઓની છાપ શાંતિપ્રિય, મહેનતુ અને મિલનસાર સમુદાય તરીકેની છે એટલે સ્થાનિકો કે અન્ય પ્રવાસીઓ સાથે કદી ઘર્ષણમાં આવવાનું થતું નથી. 
  • કુવૈતમાં 18 જેટલી શાળાઓ CBSE અભ્યાસક્રમ ઓફર કરે છે અને ગુજરાતીઓના વિવિધ 20 જેટલાં સંગઠનો, મંડળો સક્રિય છે. અન્ય ભારતીય પ્રાંતોના 164 જેટલાં સંગઠનોમાં પણ ગુજરાતીઓ સંકળાયેલા હોય છે. 
  • હાલનો પ્રસ્તાવ હજુ માનવ સંસાધન સહિત વિવિધ સમિતિઓમાંથી પસાર થયા બાદ સંસદ સમક્ષ મૂકાશે અને એ પછી કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. પરંતુ ત્યાં સુધીમાં ભારત સરકાર સત્તાવાર રીતે દરમિયાનગીરી કરે તે ઈચ્છનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *