- ભારતીય સેનાને 20 ઓગસ્ટે જ ચીનના કાવતરાની ખબર હતી, એટલા માટે જવાનોને તહેનાત કરી દીધા હતા
- દક્ષિણી પેન્ગોન્ગના વિવાદીત વિસ્તારમાં પૂરી રીતે ભારતનો કબજો, અહીંયા ઘણા શિખરો પર આર્મી તહેનાત
લદ્દાખમાં સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે ચીન એક બાજુ વાતચીતનું નાટક કરી રહ્યો છે, અને બીજી બાજુ ઘુસણખોરી કરી રહ્યો છે. 29-30 ઓગસ્ટની રાતે ચીની સૈનિકોએ લદ્દાખમાં પેન્ગોન્ગ સરોવરના દક્ષિણ પહાડ વિસ્તારમાં કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. 31 ઓગસ્ટે પણ લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(LAC) પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી. આગામી દિવસ એટલે કે 1લી સપ્ટેમ્બરે ફરી સમાચાર આવ્યા કે ચીનના સૈનિકોએ ચૂનાર વિસ્તારમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો, પણ ભારતીય સેનાએ ફરી ભગાડ્યા હતા.
ભારતે કહ્યું- ચીન ફ્રન્ટલાઈન પર તેના સૈનિકોને કાબૂમાં રાખે
સરહદ પર તણાવ વચ્ચે ભારત-ચીન સેનાઓના બ્રિગેડ કમાંડર લેવલના અધિકારી આજે સતત ત્રીજા દિવસે વાતચીત કરશે. આ મીટિંગ ચુશૂલ સેક્ટરમાં LACથી 20 કિમી દૂર મોલ્દોમાં યોજાશે. આ પહેલા ભારતે ચીનને કહ્યું કે, તે તેના ફ્રન્ટલાઈન જવાનોને કાબૂમાં રાખે. તો આ તરફ ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઈમ્સે 1962ના યુદ્ધની યાદ અપાવતા ધમકી આપી હતી કે ચીની સેનાથી ભારત પોતાની રક્ષા નથી કરી શકતો.
સેનાને 20 ઓગસ્ટે જ ચીનના કાવતરાની ખબર પડી ગઈ હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાને ગત મહિને જ ઈન્ટેલિજેન્સ ઈનપુટ મળી ગયા હતા કે, ચીની સૈનિક પેન્ગોન્ગ સરોવારના દક્ષિણમાં નવો મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યા છે. આ આધારે ભારતીય સેનાએ એક સપ્તાહની તૈયારી કરી અને દક્ષિણ ભાગ પર LAC પાસે આવેલા ઠેકાણાઓ પર જવાનોને તહેનાત કરી દીધા. સેનાનું આ અનુમાન ચોક્કસ નીકળ્યું કે ગલવાનથી માંડી પેન્ગોન્ગના ઉત્તર ભાગ અને દેપસાંગમાં 5 મહિનાથી ચીન જે કાવતરું કરી રહ્યો છે, તેવું જ હવે દક્ષિણ ભાગ પર કરવાની તૈયારીમાં છે. 29-30 જાન્યુઆરીની રાતે જ્યારે ચીનના 500 સૈનિક ઘુસણખોરી કરવા પહોંચ્યા તો ભારતીય જવાનોને જોઈને તેમના હોશ ઉડી ગયા હતા.
વિવાદીત વિસ્તારમાં ભારતનો કબજો
સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ પેન્ગોન્ગના વિવાદીત વિસ્તારમાં પુરી રીતે ભારતનો કબજો છે. અહીંયાના ઘણા શિખરો પર આર્મી તહેનાત છે. સેના તરફથી કહેવાયું છે કે, શિખર પર અમારા જવાન એટલા માટે કબજો કરે છે, કારણ કે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ અંગે ભારતની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે.
સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, મુશ્કેલ ગણાતા સ્પાંગુર ગૈપ, સ્પાંગુર સરોવર અને તેના કિનારે ચીનના રસ્તા પર પણ ભારતીય સેનાએ કબજો કરી લીધો છે. ચીન લદ્દાખ સરહદ પર ઘણા શિખરો પર પોતાનો દાવો કરે છે. તે પેન્ગોન્ગ સરોવરના આખા દક્ષિણ ભાગ અને સ્પાંગુર ગેપ પર પણ કબજો કરવા માંગતો હતો.
બેકફુટ પર ચીન, વિદેશ મંત્રી અને મંત્રાલય બન્નેના નિવેદન આવ્યા
ભારતના દાવા પછી ચીન ગભરાયું, ત્યાંના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, સીમાની હદ નક્કી ન થઈ હોવાથી ભારત અને ચીનમાં વિવાદ થઈ રહ્યો છે. આના કારણે હંમેશા સમસ્યા રહેશે. તેમ છતા અમે ભારત સાથે વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવા માટે તૈયાર છીએ.