- મૂન મિશનનું એક વર્ષ પુરુ થતા ઈસરોના ચેરમેન ડો.કે.સિવન સાથે ખાસ ચર્ચા,કહ્યું- હાલ કોઈ લોન્ચિંગ નથી
- તેમણે જણાવ્યું કે, કોરોનાના કારણે બજેટમાં ઘટાડો થયો, રોકેટ-સેટેલાઈટના પાર્ટ્સ પણ ઉપલબ્ધ નથી
નવી દિલ્હી. ચંદ્રયાન-2નું લોન્ચિંગ, વિક્રમ લેન્ડરનું ક્રેશ…આ તમામ વાતોને 22મી જુલાઈએ એક વર્ષ પુરુ થઈ ગયું છે. હવે ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રના 60% ધ્રુવીય વિસ્તારને કવર કરી લીધો છે. આમાથી મળેલા ડેટા પ્રમાણે આગામી એક વર્ષમાં ભારત એ અંદાજ લગાડવાની સ્થિતિમાં આવી જશે કે ચંદ્ર પર કેટલું અને ક્યાં પાણી છે. ભાસ્કર સાથેની ખાસ ચર્ચામાં ઈસરોના ચેરમેન ડો. કે.સિવને ઘણી નવી માહિતી આપી છે. તેમની સાથે વાતચીતના મુખ્ય અંશ..
સવાલઃ ચંદ્ર પર પાણીની ખબર તો પહેલાથી જ હતી,તો પછી આ વાતને સિદ્ધી કેવી રીતે ગણવામાં આવે?
જવાબઃપહેલી વખત ચંદ્રયાન-2માં ડુઅલ ફ્રીક્વેન્સિંગ બેન્ડ પોલરિમેટ્રિક રડાર મોકલવામાં આવ્યું હતું. આનાથી સપાટીથી ચાર મીટર ઊંડાઈથી માહિતી મેળવી શકાય છે. દુનિયામાં અત્યાર સુધી કોઈએ આવું કર્યું નથી. ડેટા દ્વારા આપણે એક વર્ષમાં એ અંદાજ લગાડવામાં સફળ થઈ જશું કે ચંદ્ર પર ક્યાં કેટલું પાણી છે. ઈસરોની બહાર દેશના ઓછામાં ઓછા 40 વિશ્વવિદ્યાલય તથા સંસ્થાનોના 60થી વધુ ભારતીય વિજ્ઞાની આ કામ કરી રહ્યા છે.
સવાલઃ શું ઓર્બિટર તેનું કામ પુરુ કરી ચુક્યું છે?
જવાબઃ ઓર્બિટર હાલ ઘણા વર્ષો સુધી પરિક્રમા કરશે. આમા લાગેલા 8 ઉપકરણ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. મિનરલ મેપિંગ, ચંદ્રની સપાટીના એલીવેશન મોડલનું કામ ચાલી રહ્યું છે. એક્સરે સ્પેક્ટ્રોમીટરે એલ્યુમિનિયમ તથા કેલ્શિયમના સ્પષ્ટ સ્પેક્ટ્રલ સિગ્નેચર મોકલ્યા છે.થોડા પ્રમાણમાં આયન, મેગ્નેશિયમ, સોડિયમ, ટાઈટેનિયમ, સિલિકોનના પણ સંકેત મળ્યા છે. પરંતુ મિનરલ કેટલા પ્રમાણમાં છે એ ચોક્કસ થતા સમય લાગશે.
સવાલઃ કોરોનાની અસર સ્પેશ મિશન પર પણ પડી છે?
જવાબઃ સરકારે તમામ વિભાગોને કહ્યું છે કે અમે અમારા ખર્ચ ઘટાડીને 60% સુધી લાવી દઈએ. હવે કોઈ બજેટને ફગાવી કે ખતમ ન કરી શકાય,પરંતુ પ્રાથમિકતા નક્કી કરવી પડી.
સવાલઃ શું ગગનયાન પ્રોજેક્ટમાં પણ મોડુ થશે?
જવાબઃ ગગનયાન આપણી પ્રાથમિકતા છે. તેના ડિઝાઈનનું કામ પુરુ થયું અને લોકડાઉન લાગી ગયું. અમારી એક્ટિવિટી ધીમી થઈ ગઈ. અમે બધુ ફરીથી ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. ફર્સ્ટ અનમેન્ડ ફ્લાઈટ પહેલા અમારે એન્જિન ટેસ્ટ સહિત ઘણા પરીક્ષણ કરવાના હતા. પણ એક પણ કામ ન થઈ શક્યું, એટલા માટે આ વર્ષે ડિસેમ્બરમાં નક્કી કરવામાં આવેલી પહેલી અનમેન્ડ ફ્લાઈટ સ્થગિત કરી દેવાઈ છે. હાલ આશા છે કે અમે ગગનયાનના ઓગસ્ટ 2022 પહેલા ફાઈનલ ફ્લાઈટના લક્ષ્યને હાંસિલ કરી શકીશું.
સવાલઃ હાલ ઈસરોમાં કામ કેવી રીતે થઈ રહ્યું છે?
જવાબઃમાર્ચમાં જીસેટ-1નું લોન્ચિંગ રદ થયા પછી તેના સેટેલાઈટ અને રોકેટ બન્નેને સેફ મોડમાં રાખવામાં આવ્યા છે.વધુ ત્રણ સેટેલાઈટ લોન્ચિંગ માટે તૈયાર છે. પરંતુ હાલ લોન્ચિંગ શક્ય નથી. આના માટે લોકોએ તિરુવનંતપુરમ અને બેંગલુરુથી શ્રીહરિકોટા આવવું પડે છે.હાર્ડવેર પણ વિવિધ ભાગોમાંથી લાવાવમાં આવે છે. ઉદ્યોગો બંધ છે, રોકેટ-સેટેલાઈટના પાર્ટ્સ પણ નથી. ઈસરોને જે નવું ફેર્બ્રિકેશન જોઈએ છે, તેમાં સમય લાગી જશે,એટલા માટે એ ખબર નથી કે સ્થિતિ સામાન્ય ક્યારે થશે.
ઈસરોનું ફોકસ રિસર્ચ પર, ઓપરેશનલ મિશન NSIL કરશે
ઈસરોના પ્રમુખે કહ્યું કે, ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમીટેડ(NSIL)ની રચના દ્વારા સરકારે અંતરિક્ષ પ્રવૃત્તિઓને ખાનગી ક્ષેત્ર માટે શરૂ કરી દીધી છે. ઓપરેશનલ, કોમર્શિયલ મિશન હવે NSILએ કરવાના છે. ઈસરોએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવાનું છે.