- SBIએ રૂ. 173 કરોડ ડિફોલ્ટની ફરિયાદ નોંધાવી
નવી દિલ્હી: બેન્કો સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રામદેવ ઈન્ટરનેશનલના ત્રણ પ્રમોટર્સ એસબીઆઈની આગેવાનીના છ બેન્કના કોન્સોર્ટિયમ સાથે રૂ. 411 કરોડની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયા છે.
કંપની સાઉદી અરબ અને દુબઈમાં પણ ઓફિસ ધરાવે છે
આ મામલામાં એસબીઆઈએ હાલમાં સીબીઆઈ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે, પશ્ચિમ એશિયા અને યુરોપિયન દેશોમાં બાસમતી ચોખાની નિકાસ કરતી કંપની અને તેના ડિરેક્ટરો નરેશકુમાર, સુરેશકુમાર અને સંગીતા કુમારીએ અમારી સાથે રૂ. 173 કરોડની છેતરપિંડી કરી છે. આ કંપનીની હરિયાણાના કરનાલમાં ચોખાની ત્રણ મિલ અને આઠ અન્ય એકમો છે. આ કંપની સાઉદી અરબ અને દુબઈમાં પણ ઓફિસ ધરાવે છે. તેમણે એસબીઆઈ સહિત કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને કોર્પોરેશન બેન્ક સાથે પણ છેતરપિંડી કરી છે.
લૉકડાઉન પછી દરોડા
સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે, લૉકડાઉનના કારણે આ કેસમાં દરોડાની કાર્યવાહી થઈ શકી નથી. આ કેસમાં આરોપીના સમન્સની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જો તેઓ તપાસમાં સામેલ નહીં થાય તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. એસબીઆઈની ફરિયાદ પ્રમાણે, આ કંપનીનું ખાતું 27 જાન્યુઆરી, 2016ના રોજ ડિફોલ્ટ થયું હતું.