- શહેરના મોટાભાગના મંદિરો ખુલ્યા
- ઇસ્કોન મંદિર સવારે 7.15 વાગ્યે ખુલ્યું, માસ્ક સાથે મંદિરમાં ભક્તોને પ્રવેશ
અમદાવાદ. રાજ્યમાં 1 જૂનથી અનલોક 1 કરવામાં આવ્યું છે. આજથી રાજ્યમાં તમામ મંદિરો, ધાર્મિક સ્થાનો, મોલ, રેસ્ટોરન્ટ અને હોટેલો ખોલવામાં આવી છે. 75 દિવસ બાદ વહેલી સવારથી જ અમદાવાદમાં મોટા ભાગના મંદિરો ભકતો માટે ખુલ્યા હતા. એસજી હાઇવે પર આવેલું ઇસ્કોન મંદિર સવારે 7.15 વાગ્યે ખોલવામાં આવ્યું હતું. મંદિરમાં સેનિટાઈઝ કર્યા બાદ અને માસ્ક પહેરનારા લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. લોકોએ લાંબા સમય બાદ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરમાં પ્રસાદ આપવામાં આવતો નથી
કોરોનાની મહામારીના કારણે સમગ્ર દેશમાં 24 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યું હતું. 2 મહિના જેટલું લોકડાઉન બાદ કેટલીક છુટછાટ આપવામાં આવી હતી જો કે સરકારે મંદિરો, ધાર્મિક સ્થાનો ખોલવાની મંજૂરી આપી ન હતી. અનલોક 1 જાહેર થયા બાદ આજે એટલે કે 8 જૂને મંદિરો, ધાર્મિક સ્થાનો, મોલ, રેસ્ટોરન્ટ અને હોટલો ખુલી છે. મંદિરોમાં સવારથી જ લોકો ભગવાનના દર્શન માટે પોહચી ગયા હતા. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને ગાઈડલાઈનનું પાલન થાય તેની તમામ તકેદારી રાખવામા આવી હતી. મંદિરમાં પ્રસાદ આપવામાં આવતો નથી. ઇસ્કોન મંદિર સવારે 7.15થી 1 અને સાંજે 4થી 8 સુધી મંદિર ખુલ્લુ રહેશે.
સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિર આજે ભક્તો માટે ખુલ્યું નથી
અમદાવાદનું સુપ્રસિદ્ધ અને નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર આજથી નહીં ખુલે. મંદિર કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલું હોવાથી આજથી ખોલી શકાયું નથી. પોલીસ સાથે ચર્ચા કરીને મંદિર ખોલવામાં આવશે. આવતીકાલથી નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ખુલે તેવી શક્યતા છે. ભક્તો નગરદેવી માં ભદ્રકાળીના મંદિરની બહારથી જ દર્શન કરી રહ્યા છે. બીજીતરફ જમાલપુરમાં આવેલું ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર પણ આજે ભક્તો માટે ખુલ્યું નથી. મંદિરમાં રવિવારે ફ્યુમીગેશનની કામગીરી કરવામાં આવી હતી. જો કે આજે સવારથી હજી સુધી મંદિર ખુલ્યું નથી. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મંદિર ખોલવા બાબતે જણાવ્યું કે, ભગવાન જગન્નાથજીનું મંદિર કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં આવેલું હોવાથી મંદિર હજુ નહીં ખુલે. 15 જૂનથી ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.