- જનતાએ ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબના માધ્યમથી હેશટેગ #બોલશે_ગુજરાત સાથે લાઈવ થઈને સરકારને અપીલ કરી.
કોરોના મહામારીમાં છેલ્લા બે મહિનાથી ગુજરાત સહિત સમગ્ર દેશના ગરીબ અને શ્રમિકોની હૃદયદ્રાવક સ્થિતિમાં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા આદરણીય શ્રીમતી સોનિયાજી તેમજ આદરણીયશ્રી રાહુલજીએ સમાજના આવા વર્ગોની હાલાકી દૂર કરવા અનેક સૂચનો કર્યા પરંતુ નિષ્ઠુર રાજ્ય સરકારે આવા ગરીબ-શ્રમિકોની હાલાકી દૂર કરવા કોઈ પગલાં લીધા નથી અને તેમની સદંતર ઉપેક્ષા કરી છે.
આ સંજોગોમાં, ગરીબ-નબળાં વર્ગોની સમસ્યાઓ અને તેમની કફોડી હાલતને વાચા આપવા તારીખ ૭ જૂન, ૨૦૨૦ ને રવિવારના રોજ એક ઓનલાઈન અભિયાન “બોલશે ગુજરાત” દ્વારા આ નિષ્ઠુર રાજ્ય સરકારને ઢંઢોળીને આવા ગરીબ, મધ્યમવર્ગીય,ખેડૂતો,વેપારીઓ તથા વિદ્યાર્થીઓની હાલત પરત્વે સભાન કરવા ગુજરાતના વાલીઓ, વિદ્યાર્થીઓ,મધ્યમવર્ગીય પરિવારો,વેપારીઓ અને ભારતીય જનતા પક્ષના શાસનથી નારાજ પ્રજાજનો અને કોંગ્રેસ વિચારધારાના સમર્થકોએ ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબના માધ્યમથી લાઈવ થઈને તથા મુશ્કેલીઓમાં મુકાયેલા પ્રજાજનોના ઈન્ટરવ્યુ લઈને શોર્ટફીલ્મ તથા વીડીયો અપલોડ કરીને મુખ્યત્વે નીચેની માંગણીઓ કરી હતી.
• શાળા કોલેજના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફી.
• વિજળી બીલમાં સંપૂર્ણ માફી
• પાણી – મિલકત વેરા અને નાના વેપારીઓના ધંધાના સ્થળના કરવેરા માફી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી અમિત ચાવડાએ આ અભિયાનની શરૂઆત ફેસબુક ઉપર લાઈવ થઈને કરી હતી. તેમણે જનતાના મંતવ્ય જાણવા માંગતા પૂછ્યું હતું કે, શું સરકારશ્રી એ લોકડાઉનનો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાંતો, રાજકીય પક્ષો અને લોકો સાથે પરામર્શ કરવો જોઈતો હતો કે નહીં?
નાગરિકો અને શ્રમિકોને વતન પાછાં જવા માટે સમય નહોતો આપવા જેવો? આયોજન વગર નું લોકડાઉન શું કામ?
જેમ જેમ લોકડાઉન વધાર્યું એમ એમ ટેસ્ટની સંખ્યા અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર , સારવારની સગવડ વધારવાની જરૂર નહોતી?
સાથે જ તેમણે સરકાર સમક્ષ અપીલ કરી હતી કે, સ્વમાની મધ્યમ વર્ગ કે જેઓ કદી બીજા સામે હાથ લાંબો નહીં કરી શકે .. તેવા પરિવારોનાં બાળકોની શાળાની ફી માફ કરે.
સંકટના સમયે સરકાર જાહેરાતો નહીં સીધી મદદ કરે, ખાલી આશ્વાસન નહીં પણ હાથ પકડે અને તે માટે સરકારશ્રી કરવેરા માફ કરે.
આર્થિક સંકટના કારણે દરેક આવક બંધ છે તેવા સમયે વીજ બિલ સંપૂર્ણ માફ કરવામાં આવે.
રાજ્યસભા સાંસદ આદરણીય શ્રી અહમદ પટેલે જણાવ્યું હતું કે ભાજપા સરકાર આંકડાની રમત રમી રહી છે.લગભગ ટેસ્ટિંગ કરવાના બંધ કરી દીધા છે, દવાખાનામાં સુવિધાઓનો અભાવ છે અને જો કોઈ ખરા અર્થમાં સહન કરી રહ્યું હોય તો તે જનતા છે.
સાથે જ સરકારશ્રી ને જણાવ્યું હતું કે સમાજનાં તમામ વર્ગ પરેશાન છે, મુશ્કેલીમાં છે, આવકના સાધન નથી તેવા સંજોગોમાં તેઓ વીજ બિલ કેવી રીતે ભરી શકે?, બાળકોની ફી કેવી રીતે આપી શકે?, સરકારી વેરા કેવી રીતે ચૂકવી શકે?
રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી શ્રી રાજીવ સાતવ દ્વારા #બોલશે_ગુજરાત અંતર્ગત ગુજરાતીઓના પ્રશ્નોને વાચા આપવા સરકાર સમક્ષ ૩ મહિનાના વીજળી બિલ માફ કરવા, શાળા/કોલેજ ની ફી માફ કરવા તેમજ સરકારી કરવેરા માફ કરવાની માંગણી કરવામાં આવી.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના સોશીયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે આ ઓનલાઈન ઝુંબેશમાં કોંગ્રેસના તમામ પદાધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ, કાર્યકર ભાઈ-બહેનોએ સહભાગિ થઈને “#બોલશે_ગુજરાત” અભિયાન અંતર્ગત ‘ હું પણ બોલીશ ‘ કાર્યક્રમ સાથે જોડાયા હતા.