- દુનિયામાં કોરોનાથી મૃત્યુ દર 5% છે, ભારતમાં તે 3.1%
નવી દિલ્હી. દુનિયામાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 1 કરોડની નજીક પહોંચી ગઈ છે. શુક્રવારે 1,80,573 નવા દર્દી સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 97,57,398 થઈ ચૂકી છે. જો આ જ ઝડપ રહી તો શનિવારે સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર થઈ જશે.
કોરોનાનો પ્રથમ દર્દી ગયા વર્ષે 17 નવેમ્બરના રોજ ચીનના વુહાનમાં મળ્યો હતો. ત્યાર પછી 7 મહિનામાં કોરોના દુનિયાના છ મહાદ્વીપના 215 દેશમાં ફેલાઈ ચુક્યો છે. જોકે, એક સમયે ભય પેદા કરનારો કોરોના માનવીય ઈચ્છાશક્તિ સામે હારી રહ્યો છે. દુનિયામાં 54% દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે મૃત્યુ દર માત્ર 5% છે. ભારતમાં રિકવરી રેટ 58% સુધી પહોંચ્યો છે.
215 દેશોમાં કોરોના, પણ આશાનું કિરણ દેખાઈ રહ્યું છે
- 25 દેશ એવા છે કે જ્યાં રોજ એક હજારથી વધુ નવા દર્દી મળી રહ્યા છે.
- 10 દેશોમાં જ હવે દરરોજ થતાં મૃત્યુનો આંકડો 100થી પાર જઈ રહ્યો છે.
- 100 દેશ કોરોનાને નિયંત્રિત કરી ચૂક્યા છે, અહીં 75 ટકાથી વધુ રિકવરી.
- 59 દેશ હાલ એવા છે, જ્યાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 50 ટકાથી ઓછો છે.
ભારતમાં પણ પાંચ લાખની નજીક પહોંચ્યા કોરોના દર્દી
ભારતમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા પાંચ લાખની નજીક પહોંચી ચૂકી છે. 30 જાન્યુઆરીએ કેરળમાં દેશનો પ્રથમ કોરોના દર્દી મળ્યો હતો. શુક્રવારે દેશભરમાં 17,726 દર્દી મળ્યા. હાલ દેશમાં ચેપગ્રસ્તોની સંખ્યા 4,90,401 છે. શનિવારે દર્દીઓનો આંકડો પાંચ લાખને વટાવી જશે.જોકે ભારતમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે. 58 ટકાથી વધુ દર્દી સાજા થઈ ચૂક્યા છે. ભારતમાં સૌથી ચેપગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રનો રિકવરી રેટ 52.42 ટકા છે.
પ્રથમ વખત કોઈ બીમારી પર આટલું મોટું રિસર્ચ, વગર ટ્રાયલે દવા પણ મંજૂર
કોવિડ સ્ટાફ ફોર્સના સભ્ય ડો. વાય.કે. ગુપ્તાએ જણાવ્યું કે, માનવ સભ્યતાના ઈતિહાસમાં સંભવત: પ્રથમ વખત એવો વાઈરસ આવ્યો છે, જેણે એકસાથે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. ઝડપથી ફેલાતો આ વાઈરસ સરળતાથી લોકોને ભોગ બનાવી રહ્યો છે. હજારો વિજ્ઞાની તેનો સામનો કરવાની દવા અને રસી શોધવા મથી રહ્યા છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. એવું પ્રથમ વખત જોવા મળ્યું છે કે, દુનિયાભરના વિજ્ઞાની એક સાથે વાઈરસનો સામનો કરવા દવા અને રસી બનાવવામાં લાગેલા છે. આ અગાઉ કોઈ બીમારીની દવા કે રસી માટે આવું જોવા મળ્યું નથી. સાત મહિના પહેલા વાઈરસ આવ્યો, પરંતુ અલગ-અલગ દેશોનાં રિસર્ચ રિપોર્ટથી જાણવા મળે છે કે, ટૂંક સમયમાં જ તેની દવા આવી જશે. સામાન્ય રીતે નવી દવા આવવામાં ઓછામાં ઓછા 5-6 વર્ષ લાગે છે. પ્રથમ વખત ભારત સહિત અમેરિકા અને દુનિયાના બીજા વિકસિત દેશોમાં કોરોનાનો સામનો કરવા ક્લિનિકલ ટ્રાયલ વગર જ દર્દીઓને દવા આપવાનો નિર્ણય લેવાયો છે. ભારત સરકારે પણ આવું કર્યું છે, પરંતુ હજુ સુધી કોઈ દવા એવી સાબિત થઈ નથી, જે આ વાઈરસના ઈલાજમાં અસરકારક સાબિત થાય. જૂની દવાઓ આપીને જ પરીક્ષણ કરાઈ રહ્યું છે.
વૈશ્વિક અર્થતંત્ર નેગેટિવમાં જવાની આશંકા
કોરોનાથી પહેલા આઈએમએફે વિશ્વનો જીડીપી 3.3%ના દરે વધવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જે હવે -3% રહેવાની આશંકા છે. કોરોનાનો પ્રભાવ ઘટાડવા અને અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે 107 દેશોએ આર્થિક પેકેજ બહાર પાડ્યા છે. અમેરિકાએ દેશના જીડીપીનું 10% પેકેજ આપ્યું છે. ભારતમાં પણ રૂ.20 લાખ કરોડનું પેકેજ જાહેર કરાયું છે.
7 મહિના પહેલાં ચીનમાં કોરોનાનો પ્રથમ દર્દી મળ્યો હતો
ચીનથી શરૂ થયેલો કોરોના માર્ચમાં દુનિયાભરમાં ઝડપથી ફેલાવા લાગ્યો. 27 મે પછી નવા દર્દીઓની સંખ્યા ક્યારેય સવા લાખથી ઓછી ન થઈ. 19 જૂને સૌથી વધુ 1 લાખ 82 હજાર દર્દી મળ્યા હતા. આજે કોરોના 6 ખંડોમાં ફેલાઈ ચૂક્યો છે, 4.92 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.
દુનિયાના 10 સૌથી ચેપગ્રસ્ત દેશોની સ્થિતિ
દેશ | પ્રથમ કેસ | કુલ દર્દી | રિકવરી રેટ | મૃત્યુદર |
અમેરિકા | 20 જાન્યુઆરી | 2,504,588 | 42.01% | 5.06% |
બ્રાઝિલ | 26 ફેબ્રુઆરી | 1,233,147 | 52.70% | 4.46% |
રશિયા | 30 જાન્યુઆરી | 613,994 | 61.10% | 1.40% |
બ્રિટન | 31 જાન્યુઆરી | 307,980 | — | 14.04% |
સ્પેન | 31 જાન્યુઆરી | 294,566 | — | 9.62% |
પેરુ | 6 માર્ચ | 268,602 | 58.11% | 3.26% |
ચિલી | 3 માર્ચ | 259,064 | 84.66% | 1.89% |
ઈટાલી | 31 જાન્યુઆરી | 239,706 | 77.90% | 14.47% |
ઈરાન | 19 ફેબ્રુઆરી | 215,096 | 81.41% | 4.71% |