ઉત્તરાખંડમાં ડેમ તૂટતા જળપ્રલય, રાજકોટથી હરિદ્વાર ગયેલા 50 પ્રવાસીઓ સુરક્ષિત, તમામ દહેરાદૂન જવા રવાના

Gujarat
  • ઉત્તરાખંડમાં ડેમ તૂટતા જળપ્રલય, રાજકોટથી હરિદ્વાર ગયેલા 50 પ્રવાસીઓ સુરક્ષિત, તમામ દહેરાદૂન જવા રવાના
  • રાજકોટવાસીઓ માટે પણ હેલ્પલાઈન નંબર જાહેર – DPO પ્રિયાંક સિંઘ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે રવિવારે ગ્લેશિયર પડવાને કારણે બંધ તૂટ્યો છે. આથી ધૌલીગંગા નદીમાં જળ સ્તર અચાનક વધી ગયું છે. ત્યારે રાજકોટથી 50થી વધુ પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને દહેરાદૂન સુરક્ષિત સ્થળે જવા રવાના થયા છે. રાજકોટ ડિઝાસ્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાથી પરિવારજનો હાશકારાની લાગણી અનુભવી રહ્યાં છે.

ગુજરાતી પ્રવાસીએ મોબાઇલમાં કેદ કરેલી જળ પ્રલયની તસવીર.
ગુજરાતી પ્રવાસીએ મોબાઇલમાં કેદ કરેલી જળ પ્રલયની તસવીર.

તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી
રાજકોટ ડિઝાસ્ટરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી 50થી વધુ પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત સ્થળોએ રહેવા તંત્રએ અપીલ કરી છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. મૈસુરી ટ્રકિંગ કેમ્પમાં ગયેલા પ્રવાસીઓનો સંપર્ક થઇ રહ્યો નથી.

નદીના કાંઠાના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા.
નદીના કાંઠાના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા.

ઉત્તરાખંડ રાજ્ય સરકારે હાઈએલર્ટ આપ્યું
હરીદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેના કારણે રાજ્ય સરકારે પણ અહીં હાઈઅલર્ટ આપી દીધી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અધિકારીઓ પાસેથી દુર્ધટના અંગેની માહિતી લીધી. તેમણે લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું સાવધાનીના ભાગરૂપે નદીનું પાણી રોકી દેવામાં આવ્યું છે. અલકાનંદ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમ પ્રભાવિત થયા છે. SDRFની ટીમ અલર્ટ પર છે.

હું ઉત્તરાખંડમાં સૌની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું-સી.આર.પાટીલ
ઉત્તરાખંડના તપોવનમાં બનેલી કુદરતી આપત્તિની ઘટના અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ જી એ જણાવ્યું હતું કે, હું ઉત્તરાખંડમાં સૌની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું. હું ગુજરાતથી ઉત્તરાખંડ ગયેલા ગુજરાતીઓની સલામતી માટે ઉત્તરાખંડના વહીવટ સાથે પણ સંપર્કમાં છું. અને તેમણે પૂરેપૂરી મદદ કરવાની ખાતરી આપી છે.

રાજકોટવાસીઓ માટે પણ હેલ્પલાઈન નંબર જાહેર – DPO પ્રિયાંક સિંઘ
આ ઘટનામાં રાજકોટથી હરિદ્વાર ગયેલા ૨ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળતા રાજકોટના DPO પ્રિયાંક સિંઘે જણાવ્યું હતું કે, મીડિયામાં રાજકોટના ૫૦ વ્યક્તિ ફસાયેલા હોવાનો મેસેજ વાયરલ થયો છે જે તદન ખોટો છે.. જો કોઈ રાજકોટના રહેવાસીઓ કે સહેલાણીઓ ત્યાં ફરવા ગયા હોય અને ફસાયા હોય તો તેઓ તાત્કાલિક તેમની માહિતી આપદા પ્રબંધન અધિકારી પ્રિયાંક સિંઘને ફોન નંબર 0281 2471573 અથવા 8401595144 પર વોટ્સએપ મારફત કે ફોન વડે તાત્કાલિક સંપર્ક કરે.

અમદાવાદ જિલ્લાનાં રહેવાસીઓ જો સંકટમાં હોય તો જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો સંપર્ક કરે.
હાલ ઉત્તરાખંડના ચામોલીમાં જોશી મઠ પાસે ગ્લેશિયર તૂટવાને કારણે ડેમ ફાટતાં સર્જાયેલ હોનારતની ઘટના ધ્યાને લેતાં અમદાવાદ જિલ્લાનાં રહેવાસીઓ ત્યાં ફરવા ગયેલા હોય કે ફસાયેલા હોય તો તેમની માહિતી અત્રેના જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં કંટ્રોલ રૂમ નંબર :- 079 27560511 પર તાત્કાલિક આપવા વિનંતી.

જૂન 2013માં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા
16-17 જૂન 2013ના રોજ વાદળ ફાટવાથી રૂદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, અલ્મોડા, પિથોરાગઢ જિલ્લામાં ભારે નુકસાન થયું હતું. આ દુર્ધટનામાં 4,400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 4,200થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. તેમાંથી 991 સ્થાનિક લોકો અલગ-અલગ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. 11091થી વધુ પશુઓ પુરમાં તણાય ગયા હતા અથવા તો કાટમાળમાં દબાઈને મૃત્યુ પામ્યા હતા. ગ્રામીણોની 1309 હેક્ટર ભૂમિમાં વહી ગઈ હતી. 2141 ભવનોનું નામોનિશાન મટી ગયું છે. 100થી વધુ મોટી-નાની હોટલ તૂટી ગઈ હતી. ડિઝાસ્ટરમાં નવ નેશનલ હાઈવે, 35 સ્ટેટ હાઈવે અને 2385 રસ્તાઓ, 86 મોટર પુલ, 172 મોટા અને નાના પુલને નુકસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *