એટલે કે હજુ બે રાત દેવાયતે પોલીસ લોકઅપમાં વિતાવવી પડશે
રાજકોટ: રાજકોટમાં હત્યા પ્રયાસના આક્ષેપ હેઠળ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બે મિત્રો હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયાની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં રિમાન્ડર અર્થે રજૂ કર્યા હતા. અને પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં કોર્ટે ત્રણેયના બે દિવસના સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
સુનાવણી દરમિયાન સરકારી વકીલની ધારદાર દલીલ અને મીડિયા ટ્રાયલને કારણે દેવાયતે પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું. તે વાત થતા આ મુદ્દે જેએમએફસી કોર્ટના જજ વાઘવાણીએ કહ્યું કે, મીડિયા ટ્રાયલ પછી પહેલા વકીલ ટ્રાયલ થશે. સરકારી વકીલ દલીલ કરેલી કે, દેવાયત ખવડ જે કારમાં આવ્યા હતા તેમાં પહેલેથી જ લોખંડના પાઇપ હતા જેનો અર્થ હુમલો કરવાના ઉદ્દેશથી જ આવ્યા હતા. ઉપરાંત આરોપી દેવાયત ખવડ ફરાર હતા તેવી દલીલ કરી હતી. જેના જવાબમાં દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ ફરાર નહિ પણ આગોતરા જામીન અરજી સહિતની પ્રક્રિયામાં હતા તેવો કોર્ટ સમક્ષ જવાબ આપ્યો હતો. અને એવો બચાવ પણ કર્યો હતો કે ગુજરાતમાં એફઆઈઆરની કોપી કાઢવામાં જ બે થી ત્રણ દિવસનો સમય લાગી જાય છે.
● હત્યાના પ્રયાસની કલમ પોલીસે ખોટી રીતે ઉમેરી દીધી છે: વીડિયોમાં દેખાઈ રહેલી કાર દેવાયતની નથી કે ગુનાના સ્થળે તેની હાજરી નહોતી
ક્ષત્રિય યુવાન મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પોલીસ સમક્ષ હાજર થયેલા દેવાયત ખવડ અને તેની સાથે રહેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં દેવાયત ખવડના વકીલ કે.સી.વ્યાસે એવી દલીલ કરી હતી કે યુવાન પર હુમલો કરનાર વ્યક્તિ દેવાયત નહીં બલ્કે બીજું કોઈ છે ! આ ઉપરાંત હત્યાના પ્રયાસની પોલીસ દ્વારા કલમ ઉમેરવામાં આવી છે તે પણ બિલકુલ ખોટી છે. વીડિયોમાં દેખાઈ રહેલી કાર દેવાયતની નથી કે ગુનાના સ્થળ ઉપર પણ દેવાયત હાજર નહોતો !
● અમે કાં તો મહેલમાં કાં તો જેલમાં જ રહીએ: દેવાયતના સમર્થકોની બડાઈ…!
એ-ડિવિઝન પોલીસ મથકે દેવાયત ખવડને લાવવામાં આવતાં જ તેના સમર્થકો મોટી સંખ્યામાં પોલીસ મથક બહાર ગોઠવાઈ ગયા હતા. આ વેળાએ અમુક અમુકે એવી બડાઈ હાંકવાનું શરૂ કરી દીધું હતું કે અમે કાં તો મહેલમાં કાં તો જેલમાં જ રહેતા હોઈએ છીએ ! આ વેળાએ અનેક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા જેમણે બનાવ વધુ ન વકરે તે માટે પ્રયત્ન કરવાની જગ્યાએ આ પ્રકારની બડાઈ થઈ રહી હોય તેને અટકાવાની તસ્દી સુદ્ધા લીધી નહોતી.
● દેવાયતના મીત્ર કિશન કુંભારવાડિયા પર દારૂનો ગુનો નોંધાયેલો છે
પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે દેવાયત ખવડની સાથે હુમલામાં સામેલ તેનો મીત્ર કે જે ગેરેજમાં કામ કરે છે તે કિશન દિલીપભાઈ કુંભારવાડિયા ઉપર અગાઉ રાજકોટમાં દારૂનો કેસ નોંધાઈ ગયો છે. આ વેળાએ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે દેવાયતના ડ્રાઈવર હરેશ ઉર્ફે કાના સામે કોઈ પ્રકારનો અન્ય ગુનો નહીં હોવાનું પોલીસે જણાવ્યું હતું.