ખેડૂત આંદોલનનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ખેડૂતોને ગાદલાં અને બ્લેનકેટ મળી ગયા છે, ડોકટર્સ નિઃશુલ્ક તપાસ કરે છે, રાત્રે સ્ક્રીન પર ફિલ્મો પણ જોવાય છે

india

દિલ્હીની સિંધુ બોર્ડર હાલ ખેડૂતો આંદોલનનું સૌથી મોટું સાક્ષી બની રહ્યું છે. કરનાલ હાઈવે પર જ્યાં સુધી નજર નાંખીએ, ખેડૂતોના ટ્રેકટર-ટ્રોલીઓની લાઈન જ જોવા મળે છે. ખેડૂતોને અહીં આવ્યાને 9 દિવસ પૂરાં થઈ ગયા છે અને જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ તેમની સંખ્યા પણ વધતી જાય છે. આ આંદોલન દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યું છે સાથે જ દરરોજ પહેલાંથી વધુ સંગઠનો પણ સામેલ થઈ રહ્યાં છે.

શરૂઆતના દિવસોમાં જ્યાં ટ્રેક્ટર-ટ્રોલીઓ આડેધડ પાર્ક જોવા મળતી હતી, ખેડૂતોના ગ્રુપમાં અંદરોદરના તાલમેળની ઉણપ હતી, કોઈ એક મોટો મંચ ન હતો અને અવ્યવસ્થાની સ્થિતિ હતી, ત્યાં હવે સિંધુ બોર્ડર પર ઘણી બાબતોમાં એક વ્યવસ્થા જોવા મળી રહી છે.

પંજાબના મનસા જિલ્લાથી આવેલા એક ખેડૂત હરભજન માન કહે છે કે, ‘અહીંનું વાતાવરણ હવે કોઈ એક ગામડાં જેવું થઈ ગયું છે જ્યાં તમામ વસ્તુઓની વ્યવસ્થા છે. અહીં ખાવા-પીવાની કોઈ જ અછત નથી, દવાઓ અને ડોકટરની ઉણપ નથી, અરદાસ માટે પૂજા સ્થળ છે, રાત્રે સ્ક્રીન પર ફિલ્મ ચાલે છે અને સમગ્ર વાતાવરણ કોઈ મેળા જેવું થઈ ગયું છે. સંઘર્ષ છે પરંતુ સંઘર્ષમાં પણ એક જશ્ન હોય છે, જે અહીં જોવા મળે છે.’

આંદોલનના શરૂઆતના દિવસોમાં જ્યાં ખેડૂત પોતાની નાની-નાની ગાડીઓમાં સુવા અને ઠંડીમાં ઠુંઠવાય જવા માટે લાચાર હતા, ત્યાં હવે સિંધુ બોર્ડર પર રાત પસાર કરવા માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં તાપણા કરવા માટે લાકડાંઓ પણ પહોંચી ગયા છે અને રાત્રે સુવા માટે ગાદલાં અને બ્લેન્કેટ પણ ખેડૂતોના મળી ગયા છે. જો કે અનેક ખેડૂતો આ બધો સામાન પોતાની સાથે જ ટ્રેક્ટર-ટ્રોલીઓમાં લઈને આવ્યા હતા, પરંતુ જે લોકો પાસે આ સામાન ન હતો તેઓને ગુરુદ્વારા અને ખાનગી સંગઠનો પાસેથી મદદ મળી રહી છે.

અહીં પહોંચેલા ખેડૂતોના ગ્રુપ પોતપોતાના લંગર ચલાવી રહ્યાં છે તો અનેક મોટા લંગર પણ અહીં છે. જેમાં દેશના અલગ અલગ વિસ્તારના લોકોની ભાગીદારી છે.
અહીં પહોંચેલા ખેડૂતોના ગ્રુપ પોતપોતાના લંગર ચલાવી રહ્યાં છે તો અનેક મોટા લંગર પણ અહીં છે. જેમાં દેશના અલગ અલગ વિસ્તારના લોકોની ભાગીદારી છે.

પહેલાંની તુલનાએ હવે પ્રદર્શન સ્થળ પર ચિકિત્સકીય સુવિધાઓ ઘણી જ વધી ગઈ છે. અહીં ડઝનથી વધુ ચિકિત્સા શિબિર છે જેમાં ફાર્માસિસ્ટથી લઈને ડોકટર સુધીની સેવા હાજર છે. લોકોનો મફતમાં ઈલાજ થઈ રહ્યો છે, તેમની નિઃશુલ્ક તપાસ થઈ રહી છે અને દવાઓ પણ મફતમાં આપવામાં આવી રહી છે.

આવું જ લંગરના મામલે પણ છે. અહીં પહોંચેલા અનેક ખેડૂતોના ગ્રુપ પોતપોતાના લંગર ચલાવી રહ્યાં છે. અનેક મોટા લંગર પણ લાગી ગયા છે જેમાં દેશના જુદા-જુદા વિસ્તારના લોકોની ભાગીદારી છે. ક્યાંક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લંગરમાં સેવા આપે છે તો ક્યાંક મુસ્લિમ સંગઠનો ખેડૂતો માટે બિરયાની બનાવી રહ્યાં છે.

ખેડૂતો વચ્ચેનો સંવાદ અને સંચાર પણ હવે પહેલાંની તુલનાએ મજબૂત થતો જોવા મળી રહ્યો છે. પહેલાં જ્યાં ખેડૂત દરેક સુચના માટે માત્ર મીડિયા સંસ્થાઓ પર નિર્ભર હતા, ત્યાં હવે ખેડૂતોના અનેક વ્હોટ્સએપ ગ્રુપ બની ગયા છે, મોટા મોટા મંચ લાગી ગયા છે અને દરરોજ સાંજ થતાં જ બેઠકોએ એક ઔપચારિક રૂપ લઈ લીધું છે, જેમાં તે ખેડૂતો સુધી પણ સહેલાયથી સુચનાઓ પહોંચી રહી છે જેઓ સિંધુ બોર્ડરથી અનેક કિલોમીટર પાછળ હરિયાણાની સીમા પર પોતાના ટ્રેક્ટર-ટ્રોલીઓની સાથે અડગ છે.

પ્રદર્શન સ્થળ પર લોકોની દિનચર્યા પણ હવે વ્યવસ્થિત થવા લાગી છે. અહીં પેટ્રોલ પંપની પાસે જ અનેક પાણીના ટેન્કર ઊભા છે, જ્યાં ખેડૂત નહાવાથી લઈને પોતાના કપડા ધોવા સુધીનું કામ સહેલાય કરી રહ્યાં છે. પેટ્રોલ પંપની બાઉન્ડ્રીની સાથે જ કપડા સુકવવા માટેના તાર પણ બાંધી દેવામાં આવ્યા છે. દરરોજ સાંજે અહીં અરદાસ પણ થાય છે, જે દરમિયાન મોટા મોટા સ્પીકરથી ગુરુવાણી વગાડવામાં આવે છે. સાંજે લંગર પછી મંચની નજીક મોટી સ્ક્રીન પર ખેતી-ખેડૂતો સાથે જોડાયેલી ડોક્યુમેન્ટ્રી અને ફિલ્મો પણ ચલાવવામાં આવે છે.

ખેડૂતોના આ આંદોલનમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો પણ સામેલ છે
ખેડૂતોના આ આંદોલનમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો પણ સામેલ છે

આ ખેડૂત આંદોલન પર એક આરોપ પહેલેથી લાગી રહ્યો છે કે તેમાં માત્ર પંજાબ અને હરિયાણાના જ ખેડૂતો સામેલ છે. પરંતુ હવે આ આરોપ ખોટા સાબિત થઈ રહ્યાં છે. સિંધુ બોર્ડર પર હવે દેશના અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો પહોંચી રહ્યાં છે, જેમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાથી આવેલા ખેડૂતો સામેલ છે. ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીથી આવેલા ખેડૂત અમરદીપ સિંહ કહે છે કે, ‘જ્યારથી અમે સમજણા થયા છીએ, ખેડૂતોની આર્થિક સ્થિતિ જોઈને અમે હંમેશા પરેશાન જ રહ્યાં છીએ.

સમગ્ર દેશમાં ખેડૂતોની એવી સ્થિતિ છે. આ વચ્ચે પંજાબના ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો તો અમને પણ હિંમત મળી. પરંતુ જ્યારે મીડિયા પંજાબના ખેડૂતોને ખાલિસ્તાની કહેવાનું શરૂ કર્યું, ત્યારે અમે અહીં આવવાનું મન બનાવ્યું કે જેથી બધાંને દેખાડી શકીએ કે આ આંદોલન માત્ર પંજાબનું જ નથી પરંતુ સમગ્ર દેશનું છે.’

મધ્યપ્રદેશના સિવરી જિલ્લાથી આવેલા યુવાન ખેડૂત શુભમ પટેલ કહે છે કે, ‘અમે મધ્યપ્રદેશના લગભગ સાતસો ખેડૂતો એક સાથે અહીં આવ્યા છીએ. તે વાત સાચી છે કે અહીં મોટા ભાગના લોકો પંજાબના ખેડૂતોની છે, પરંતુ તેનું એક કારણ છે તેઓ દિલ્હીથી ઘણાં નજીક છે. અમે લોકો 1600-1700 કિલોમટીર દૂરથી આવ્યા છીએ તો નિશ્ચિત રીતે એટલી સંખ્યામાં નથી આવ્યા શક્યા જેટલી સંખ્યામાં પંજાબ અને હરિયાણાના ભાઈઓ આવ્યા છે, કેમકે તેમના પ્રદેશથી દિલ્હી ઘણું જ નજીક છે. પરંતુ અમારી હાજરી આ વાતનો પુરાવો છે કે આ માત્ર બે રાજ્યોનું જ આંદોલન નથી. અમારી જેમ જ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા અને ઉત્તરાખંડના ખેડૂતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. આ બધા જ ખેડૂતોનું આંદોલન છે.’

અહીં ડઝનથી વધુ ચિકિત્સા શિબિર લાગી ગયા છે જેમાં ફાર્માસિસ્ટથી લઈને ડોકટર હાજર છે. લોકોને મફત ઉપચાર આપવામાં આવે છે
અહીં ડઝનથી વધુ ચિકિત્સા શિબિર લાગી ગયા છે જેમાં ફાર્માસિસ્ટથી લઈને ડોકટર હાજર છે. લોકોને મફત ઉપચાર આપવામાં આવે છે

શુભમની વાતને સમર્થન આપતા ઉત્તરપ્રદેશથી આવેલા ઈકબાલ સિંહ કહે છે કે, ‘આ આંદોલન જેટલું પંજાબ માટે મહત્વપૂર્ણ છે તેટલું જ અમારા માટે પણ છે. નવા કાયદામાં જે કોન્ટ્રાક્ટ ફાર્મિગની વાત કરવામાં આવી છે તે ઉત્તરપ્રદેશમાં પહેલેથી થઈ રહી છે. સુગર ફેક્ટરીને અમે કોન્ટ્રાક્ટ અંતર્ગત જ શેરડી આપતા હતા અને તે ફેક્ટરીઓએ અમને બે-બે વર્ષથી ચુકવણી કરી નથી. જો અન્ય પાક પણ કોન્ટ્રાક્ટ ફાર્મિગ અંતર્ગત મોટા મોટા ઉદ્યોગપતિઓની પાસે જતી રહેશે તો તેઓ પણ પૈસા દબાવીને બેસી જશે અને કોઈ જ તેમની સુનાવણી પણ નહીં કરે કેમકે આ બિલમાં કોર્ટમાં જવાની કોઈ જ જોગવાઈ જ નથી. એવી રીતે જ MSPના મામલે પણ છે. જો સરકારની દાનતમાં કોઈ ખોટ નથી તો કાયદામાં એક લાઈન જોડવાથી તેમને શું સમસ્યા છે કે MSPથી ઓછી ખરીદી એક ગુનો માનવામાં આવશે. MSP માત્ર પંજાબના ખેડૂતોની જ માગ નથી, સમગ્ર દેશના ખેડૂત તેના માટે ચિંતિત છે. જો કે આ માત્ર ખેડૂતોની લડાઈ નથી.

જે દિવસે કોર્પોરેટનો એકાધિકાર થઈ જશે અને તમામ સંસાધનો પર તેમનો કબજો થઈ જશે તે દિવસ સૌથી વધુ નુકસાન ગ્રાહકોને જ થશે. ખેડૂત ગ્રાહક નથી, તેઓ તો પેદા કરે છે. તેઓ પોતાના માટે ત્યારે પર પાકનું વાવેતર કરીને રાખી દેશે પરંતુ ત્યારે સૌથી વધુ નુકસાન સામાન્ય ગ્રાહકોનું થશે કેમકે તેઓને જ મોંઘા ભાવે અનાજ વેચવામાં આવશે.’

અલગ-અલગ રાજ્યોથી આવેલા ખેડૂતોની સંખ્યા અહીં જે રીતે ઝડપથી વધી રહી છે તેટલી જ ઝડપથી પંજાબના યુવાનો અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. આંદોલનના નવમા દિવસે પંજાબમાં નવયુવાન ભારત સભા અને પંજાબ વિદ્યાર્થી સંઘે જાહેરાત કરી છે કે તેમના હજારો વિદ્યાર્થીઓ ખેડૂતોના સમર્થનમાં દિલ્હી પહોંચી રહ્યાં છે. પંજાબના મોગા, ફરીદકોટ, મુક્તસર, જલંધર,અમૃતસર, ગુરદાસપુર, નવાશહર, રોપડ, સંગરુર અને પટિયાલાથી વિદ્યાર્થીઓના અનેક ગ્રુપ ખેડૂતોના આ સંઘર્ષમાં સામેલ થવા માટે નીકળી પણ પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *