ઉત્તરપ્રદેશના મથુરા નજીક યમુના એક્સપ્રેસ વે પર મંગળવારે મોડી રાત્રે 12.30 વાગ્યે એક ડીઝલ ટેન્કરે કાબૂ ગુમાવતાં કાર પર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગયો હતો. મૃત્યુ પામેલા લોકોમાંથી 4 લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.
ટેન્કરે કાબૂ ગુમાવતાં કાર પર પલટી જતાં અકસ્માત સર્જાયો
અકસ્માતમાં કાળનો કોળિયો બનેલો પરિવાર હરિયાણાના જિંદ જિલ્લાનો રહેવાસી હતો. અકસ્માતની માહિતી મળતાં DM નવનીત ચહલ અને SSP ગૌરવ ગ્રોવર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસકર્મચારીઓએ એક્સપ્રેસ વેના કર્મચારીઓ સાથે મળીને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતમાં ટેન્કર પલટી ગયા બાદ લાંબા સમય સુધી ડીઝલ રસ્તા પર ફેલાતું રહ્યું હતું.
અકસ્માતમાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત નૌઇજીળ વિસ્તારમાં માઇલ સ્ટોન 68ની નજીક થયો હતો. નોઈડા તરફથી એક ઝડપી સ્પીડમાં ટેન્કર (નંબર HR 69-3433) આવી રહ્યું હતુ, જેણે કાબૂ ગુમાવતાં આગ્રાથી નોઈડા તરફ જતા માર્ગ પર આવી ગયું હતું અને HR 33 D 0961 નંબરની કાર પર પલટી ગયું હતું.
મૃતકોમાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકોનો સમાવેશ
અકસ્માતમાં માર્યા ગયેલા 7 લોકો જિંદના સફીદો ગામના છે. આમાંના 4 લોકો એક જ પરિવારના છે, જેમનાં નામ મનોજ (45), મનોજની પત્ની બબીતા (40), તેનો મોટો પુત્ર અભય (18), તેમનો નાનો પુત્ર હેમંત (16) છે. આ સિવાય મૃત્યુ પામનારાઓમાં કલ્લુ 10, હિમાદ્રી 14 અને ડ્રાઇવર રાકેશ પણ સામેલ છે.