ધરપકડ:અમદાવાદના હેબતપુરમાં વૃદ્ધ દંપતીના ચાર હત્યારા ગ્વાલિયરના ગિઝોરા ગામેથી પકડાયા, ચારેયને અમદાવાદ લવાયા, હત્યામાં વાપરેલાં 2 ચપ્પાં, 2 બાઇક જપ્ત

Ahmedabad Gujarat

થલતેજના હેબતપુરમાં શાંતિ પેલેસ બંગ્લોઝમાં સિનિયર સિટિઝન દંપતીની હત્યા અને લૂંટ કેસના 4 આરોપીને ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતેથી ઝડપી લીધા છે. હત્યા અને લૂંટ કર્યા બાદ ચારેય આરોપીઓ તેમના વતન ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમો તેમની પાછળ તેમના વતન પહોંચી હતી અને વારાફરથી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જિલ્લાના મહેગાંવ વિસ્તારમાંથી અન્ય એક આમોખ વિસ્તારમાંથી ઝડપાયા છે,જ્યારે એકને અમદાવાદના જનતાનગરમાંથી પકડવામાં આવ્યો છે. આરોપીઓને લઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ આવી ગઈ છે.

શાંતિ પેલેસમાં રહેતા અશોકભાઈ અને જ્યોત્સનાબહેનના બંગલામાં ઘૂસી આવેલા 4 લૂંટારુ બંનેની ગળાં કાપી હત્યા કરી ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા. હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. અશોકભાઈ અને જ્યોત્સનાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા.

આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની 3થી 4 ટીમો ગિઝોરા પહોંચી હતી. જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીઓને પકડવા વોચ ગોઠવાઈ હતી, જેમાં રવિવારે રાતે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય 3 સાગરિતોને પણ પોલીસે ઝડપી લીધા હતા.

ચારેય પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા પૈસા તેમ જ જ્યોત્સનાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતા ટીમો તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમો ચારેયને લઈને અમદાવાદ આવી જશે.

200 CCTV ચેક કરાયા, 70ની પૂછપરછ
પોલીસે હેબતપુર અને આસપાસના વિસ્તારના 200 જેટલા સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચારેય આરોપી ઓળખાઈ ગયા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી.

દંપતી પાસેથી સોનું મળવાની લાલચ હતી
અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનનો દીકરો હેતાર્થ 6 વર્ષથી દુબઈ રહે છે. બંને અવારનવાર દુબઈથી અમદાવાદ અવર-જવર કરતા હોવાથી તેમનું પાસે સોનુ વધારે મળવાની શકતા હોવાથી લૂંટારુઓ તેમના બંગાલને ટાર્ગેટ કર્યો હતો. જો કે તાજેતરમાં દુબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી તેઓ 3 મહિનાથી દુબઈ ગયા ન હતા.

દંપતીને બંધક બનાવી લૂંટવાનો પ્લાન હતો
જ્યોત્સ્નાબહેન રોજ સવારે બહારના રોડ ઉપર 30 મિનિટ માટે ચાલવા જાય છે. જ્યારે અશોકભાઈ તેમની સાથે ચાલવા જતા નથી. જેથી જ્યોત્સ્નાબહેનની ગેરહાજરીમાં બંગલોમાં ઘૂસી અશોકભાઈ સાથે મારઝુડ કરી બંધક બતાવીને દાગીના-પૈસા અને ગાડી લૂંટી જવાની યોજના લૂંટારાઓની હોવાની શંકા પોલીસે વ્યકત કરી હતી.

સિક્યોરિટી ગાર્ડે બંગલોમાંથી ચાર શખસોને નાસતા જોયા
અમદાવાદના થલતેજમાં હેબતપુર રોડ પર સ્થિત શાંતિવન પેલેસ બંગલોઝમાં 2 નંબરના બંગલામાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. શાંતિવન પેલેસ બંગલોઝના સિક્યોરિટી ગાર્ડ જ્યંતીભાઈ ભરવાડે સૌથી પહેલા ચાર હત્યારાઓને ભાગતાં જોયા હતાં. જ્યંતિભાઈએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ હું કેબિન પાસે બેઠો હતો, ત્યારે અશોકભાઈના બંગલામાંથી ચાર લોકોને બહાર જતાં જોયાં હતાં.

સોસાયટીના ચેરમેને પોલીસને જાણ કરી હતી
જ્યંતિભાઈએ વધુમાં કહ્યું હતું કે બંગલામાંથી ચાર જણા પહેલા ઘરેથી બહાર નીકળ્યા હતાં પરંતુ બાદમાં તેઓ ખૂબ ઝડપથી દોડતા જતા રહ્યાં હતાં. મને શંકા જતાં હું બંગલામાં ગયો હતો. અંદર જતાં જ જોયું તો ગાડીનો દરવાજો ખુલ્લો હતો અને મુખ્ય દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. અશોકભાઈ બહારના રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. આ ઘટનાને જોતાં જ હું તરત બહાર જઈને બાજુમાં રહેતા પાડોશી હર્ષદભાઈને બોલાવવા ગયો હતો. તેઓને મેં જાણ કરી કે આવી ઘટના બની છે. જેથી હું તેમની સાથે અંદર રૂમમાં ગયો હતો. ડ્રોઈંગ રૂમમાં અશોકભાઈનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડીઓમાં પડ્યો હતો. બાદમાં સોસાયટીમાં લોકોને જાણ કરતા તેઓ ભેગા થઈ ગયા હતા અને સોસાયટીના ચેરમેને પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસ તાત્કાલિક બંગલોઝમાં આવી પહોંચી હતી.

ચોકીદારે કહ્યું બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છેઃ પાડોશી મનીષાબેન
હત્યાનો બનાવ બન્યો ત્યારે એક નંબરમાં રહેતા પાડોશી મનીષાબેને જણાવ્યું હતું કે હું રોજ સવારે ચાલવા જતી હતી ત્યારે ચાલીને પરત એવું ત્યારે અશોક કાકા ગાડી જ સાફ કરતા હોય અને ગાડીમાં જૂના ગીતો પણ વગાડતા હોય છે, આજે પણ હું ચાલીને આવી ત્યારે અશોક કાકા ગાડી સાફ કરતા હતા પણ ગીતો નહોતા વાગતા જેથી મે તેમને પૂછ્યું કે ગીતો કેમ બંધ છે તો તેમને કહ્યું કે ગાડીમાં મચ્છર આવી જાય છે.બાદમાં જ્યોત્સ્ના કાકી સાથે આજે ચકરી પાડવાની હતી તો તેમને પણ પૂછ્યું કે કાકી ચકરી પાડવી છે કે પછી? તો કાકીએ કહ્યું કે તું નહિ લે પછી ચકરી પાડીએ, જેથી હું નાહવા ગઈ હતી. નાહીને જેવી બહાર આવી તરત ચોકીદારે મને બૂમ પાડીને જણાવ્યું કે મનીષાબેન બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છે. જેથી મે બહાર આવીને જોયું તો કાકાના ઘરના પડદા જે ક્યારેય બંધ નથી હોતા તે બંધ જોયા પછી મે વિચાર્યું કે કાકા અને કાકી ઉતાવળમાં બહાર ગયા હશે પરંતુ બંને વાહનો પણ પાડયા હતા. જેથી મે ચોકીદારને કહ્યું કે તમે અંદર જઈને જોવો તો ચોકીદારે રસોડાના પાછલા બારણે જઈને જોયું ત્યારે અંદર સામાન વેરવિખેર હતો.જેથી ચોકીદારે મને બૂમ પાડીને બોલાવી જે બાદ હું ઘરમાં ગઈ અને જોયું તો નીચેના બેડ રૂમમાં અશોક કાકા લોહીથી લથપથ હાલતમાં હતા અને કાકી સીડીમાં પડેલા હતા. બનાવ જોતા જ મને ધ્રાસકો લાગ્યો અને મે આસપાસના લોકોને બોલાવ્યા અને મારા મોબાઈલમાંથી એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી. મારે કાકા કાકી સાથે ઘર જેવા સબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *