- ઈન્ટરનેટ પર ટીકા વિરુદ્ધ શી જિન પિંગ સરકારનું કડક વલણ
- સવાલ ઉઠાવનારા પર ખોટી માહિતી ફેલાવાનો આરોપ
ચીનમાં નેતૃત્વ સામે સવાલ કરવો અપરાધ છે. ગયા વર્ષે ભારતીય સેના સાથેની લડાઈમાં ચીનના સૈનિકોના મૃત્યુની સરકારી વિગતો પર શંકા કરનારા સાત લોકોની ધરપકડ કરાઈ કે ધમકાવાયા છે. ત્રણ લોકોને 7થી 15 દિવસ સુધી કસ્ટડીમાં રખાયા હતા. બીજા ચાર સામે અપરાધિક આરોપ છે. તેમાંથી એક વ્યક્તિ ચીનની બહાર રહે છે. આ કેસમાં પોલીસે નોંધ કરી છે કે, ઈન્ટરનેટ પર અરાજક્તા ફેલાવી શકાશે નહીં. નેતાઓ અને શહીદોની નિંદા સહન નહીં કરાય.
આ લોકોને થયેલી સજા પર કોઈનું ધ્યાન જતું નહીં જો ચીનમાં બોલવા સંબંધિત અપરાધોનો ઓનલાઈન ડેટાબેઝ ન હોત. ગૂગલની સામાન્ય સ્પ્રેડશીટ પર આ બધું જોઈ શકાય છે. તેમાંથી બે હજારથી વધુ વખત લોકોને ઓનલાઈન કે ઓફલાઈન કંઈક કહેવા માટે સજા આપવાની યાદી છે. યાદીમાં છેલ્લ 8 વર્ષના કેસોમાં સરકારના આદેશો, પોલિસ નોટિસ અને સરકારી સમાચારોની વિગતો છે. સંપૂર્ણ કાર્યવાહી બંધ દરવાજામાં જ થાય છે. જોકે, ચીનના બંધારણમાં અભિવ્યક્તિની આઝાદીની જોગવાઈ છે. ચીનમાં તાજેતરના વર્ષોમાં અભિવ્યક્તિ સાથે જોડાયેલા અપરાધો-શીર્ષકની યાદીમાં વિગતવાર જણાવાયું છે કે, એ લોકો સાથે કેવો વ્યવહાર કરાયો છે, જેમણે હિમાલયમાં વિવાદગ્રસ્ત સરહદ પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે જુનમાં થયેલા સંઘર્ષની સરકારી વિગતોને પડકાર અપાયો છે.
ગયા સપ્તાહે ચીનની સરકારે પોતાના ચાર સૈનિકોનાં મોતની માહિતી આપી છે. ચીનના સરકારી મીડિયાએ મૃતકોને હીરો જણાવ્યા છે, પરંતુ લોકોએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે.
એક પૂર્વ પત્રકારે જણાવ્યું કે, શું વધુ ચીની સૈનિકોનાં મોત થયા છે. આ સવાલનો જવાબ જાણવામાં દેશ અને બહારના લોકોને રસ છે. પોલીસની નોટીસ અનુસાર પૂર્વ પત્રકાર પર ગરબડ પેદા કરવાનો આરોપ છે. આવા આરોપમાં 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. શી જિન પિંગે સત્તા સંભાળ્યા પછી સૌથી પહેલા ઉદારવાદી વલણ ધરાવતા લોકો અને મીડિયાને ચૂપ કરાયા હતા. હવે ચીની ઈન્ટરનેટ કંપનીઓ કન્ટેન્ટ પર નિયંત્રણ રાખવાની પોતાની ક્ષમતા પર ગર્વ કરે છે.
મહામારીની માહિતી આપનારાને પણ સજા
યાદીમાં સરકાર પરની ટીકા કરતા લોકોને અસંતુષ્ટ કહેવાયા છે. અત્યાચાર અંગે સરકારને સીધી અપીલ કરનારા અને વિરોધનો સ્વર ઉઠાવનારાને બંદી બનાવાયા હોવાની પણ માહિતી છે. તેમાં કોવિડ-19 મહામારીના સમયે બોલનારા અને પોલીસની ટીકા કરતાં સજા મેળવનારા 600 લોકોનો પણ ઉલ્લેખ છે.
રહસ્યમય યુવાને સરકારને ઉઘાડી પાડી
સજાપ્રાપ્ત લોકોની યાદી ઈન્ટરનેટ પર આપનારો વ્યક્તિ રહસ્યના દાયરામાં છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે ખુદને યુવાન અને પોતાનું નામ વાંગ જણાવ્યું છે. સ્પષ્ટ છે, જો સરકાર તેને શોધી કાઢશે તો તેણે જેલમાં જવું પડશે. વાંગે જણાવ્યું કે, ઓક્ટોબર-2019માં પીપલ્સ રિપબ્લિકની સ્થાપનાની 70મી વર્ષગાંઠના પ્રસંગે દેશની કથિત રીતે ટીકા કરનારાને સજા આપવા અંગે માહિતી મળ્યા પછી તેણે યાદી બનાવવાનો નિર્ણય લીધો હતો. વાંગે કહ્યું કે, 2012માં શી જિન પિંગના સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વોચ્ચ નેતા બનતા પહેલા અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ હતી. પોલીસની નોટિસ અનુસાર શહીદોને અપમાનિત કરવાના આરોપી સાતમાંથી છ લોકો અંગે બીજા લોકોએ માહિતી આપી હતી.