નવી દિલ્હી. દેશભરમાં 5 ઓગસ્ટથી અનલૉક-3 લાગુ થઇ રહ્યું છે, જે અંતર્ગત જિમ અને યોગ સંસ્થાનો ખોલવાની પણ મંજૂરી અપાઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે તે માટેની માર્ગદર્શિકા જારી કરી દીધી છે. તે મુજબ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને બંધ સ્પેસમાં ચાલતા જિમ કે યોગ સંસ્થાનમાં જવાનું ટાળવા સલાહ અપાઇ છે સાથે જ આ સંસ્થાનોનું મેનેજમેન્ટ તમામ સભ્યો, મુલાકાતીઓ અને કર્મચારીઓને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપશે. જિમ કે યોગ સંસ્થાનોમાં દરેક વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછું 6 ફૂટનું લઘુત્તમ અંતર જાળવવું પડશે. પરિસરની અંદર ફેસ માસ્કની જગ્યાએ ફેસશીલ્ડ પહેરવા સલાહ અપાઇ છે. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે માસ્ક પહેરીને કસરત કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. જિમ કે યોગ પરિસરમાં રહે ત્યાં સુધી લોકોએ ફેસ કવર કે શીલ્ડ પહેરી રાખવું ફરજિયાત હશે.
- શારીરિક સંપર્ક સિવાયની કસરત કરાવવી
- જિમ કે યોગ સંસ્થાનમાં થૂંકવા પર પ્રતિબંધ હોવો જોઇએ.
- માર્ગદર્શિકા મુજબ, સંસ્થાનના પરિસર તથા જિમના સાધનને સેનિટાઇઝ કરાશે.
- લોકોને વર્કઆઉટ માટેના શૂઝ અલગથી લાવવા જણાવાશે.
- સ્પા, સોના, સ્ટીમ બાથ, સ્વિમિંગ પૂલ હજુ બંધ રહેશે.
- યોગ કેન્દ્ર અને જિમના ફ્લોર એરિયાને વ્યક્તિદીઠ 4 ચોરસ મીટરના હિસાબે વહેંચવો જોઇએ. તમામ સાધનો 6-6 ફૂટ દૂર રાખવામાં આવે.
- કેન્દ્રમાં એસી 24-30 ડિગ્રી સે.ની રેન્જમાં ચલાવાય. હ્યુમિડિટીનું સ્તર 40%થી 70%ની વચ્ચે હોવું જોઇએ.