અમદાવાદ. મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત વધુ કથળી છે. ગાદી સંસ્થાનના મહંત અને જિતેન્દ્રપ્રિય દાસજીના જણાવ્યા અનુસાર, સિમ્સ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ સ્વામીને વેન્ટિલેટર ઉપરથી હટાવવાની ના પાડી છે.
ડોક્ટરનું કહેવું છે કે, સ્વામીજીના હૃદયના ધબકારા હજુ ચાલુ છે. મુંબઈથી આવેલા 3 ડોક્ટર તેમની દેખરેખ કરી રહ્યા છે. નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને આસાપાસના વિસ્તારોમાં મોકલેલા સંતોને મણિનગર બોલાવી લેવાયા છે.
આચાર્યજી માટે ઘરેઘરે ભજન-કીર્તન શરૂ
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત માટે હરિભક્તોના ઘરે ભજન કીર્તન શરૂ કરી દેવામાં આવ્યા છે. 7 જેટલા સંતો મણિનગરના મંદિરમાં જ ભજન કીર્તન કરે છે. આ ઉપરાંત દેશ વિદેશમાં તેમના લાખો હરિભક્તો તેઓ જલદી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આચાર્યની સેવા માટે 3 સંત હોસ્પિટલમાં
આચાર્ય સ્વામીજી પાસે 3 સંતોને રાખવામાં આવ્યા છે. બાકીના તમામ સંતોને આસપાસના વિસ્તારના મંદિરોમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પરંતુ સંપ્રદાયના આચાર્યની તબિયત વધુ નાજૂક થતાં પરિશિષ્ટ સંતોને મંદિરમાં પરત બોલાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં મણિનગર ગાદી સંસ્થાનના અંદાજે 401 મંદિરો છે. માત્ર અમદાવાદમાં જ મણિનગર ગાદી સંસ્થાનના 7 લાખથી વધુ હરિભક્તો છે.